Category: ગુજરાત
-
ટ્રાફિકમાં ફસાતા નીતિન પટેલ તપી ઉઠ્યા: ‘મોદી સાહેબ પેટ્રોલ-ડીઝલ બચાવવાનું કહે છે, આ રીતે બચાવવાનું?’
સઈઝ ગુરુકુળ પાસે ટ્રાફિકમાં ફસાયા નીતિન પટેલ
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સઈઝ ગુરુકુળ પાસે ચાલી રહેલા મુખ્ય ડ્રેનેજ લાઇનના કામને કારણે મંગળવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હજારો વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. આ જ ટ્રાફિકમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી.
ટ્રાફિક પોલીસ ન દેખાતા અકળાયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી
કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ નીતિન પટેલે નોંધ્યું કે હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ માટે એક પણ પોલીસ કર્મચારી હાજર નહોતો. ટ્રાફિકની આ અવ્યવસ્થા જોઈ તેઓ સીધા કલોલ DySP કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને તેમણે સવાલ કર્યો કે આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં કોઈ ટ્રાફિક પોલીસ રસ્તા પર કેમ જોવા મળતી નથી.
‘મોદી સાહેબ પેટ્રોલ-ડીઝલ બચાવવાનું કહે છે, આ રીતે બચાવવાનું?’
કલોલ DySP કચેરી બહાર નીતિન પટેલે પોલીસ કર્મચારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “મોદી સાહેબ બૂમો પાડે છે કે પેટ્રોલ-ડીઝલ બચાવો, શું આ રીતે બચાવવાનું?” તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી.” તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
SPને ફરિયાદ કરવાની ચીમકી
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો મોટા કામકાજ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમણે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાની પણ ચીમકી આપી હતી.
ડ્રેનેજની કામગીરીને કારણે સર્જાયો ટ્રાફિક જામ
સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ ડાયવર્ઝન અને સાંકડા રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. સવારથી જ વાહનોની અવરજવર ધીમી બનતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના બાદ કલોલ પોલીસ અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રાફિક વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ
આ સમગ્ર ઘટનાએ ટ્રાફિક મેનેજમેન્ટ અને આયોજનને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે અગાઉથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોત તો હજારો લોકોને કલાકો સુધી રસ્તા પર અટવાવું ન પડત.
-
મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો: ભાજપ મહામંત્રીએ કમિશનરને બહાર જવા કહેતા વિપક્ષનો ઉગ્ર વિરોધ
પ્રથમ સામાન્ય સભામાં જ સર્જાયો વિવાદ
મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ વિવાદ સર્જાયો હતો. ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર દ્વારા કમિટીઓની રચના દરમિયાન કમિશનર અને અન્ય અધિકારીઓને થોડા સમય માટે બહાર જવા કહેવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપ તથા કોંગ્રેસના સભ્યો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
‘અમે પક્ષનું કામ કરી લઈએ, તમે બહાર જાવ’
કમિટીઓના સભ્યોના નામ જાહેર કરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર ઉભા થયા હતા. આ દરમિયાન તેમણે કમિશનર અને અધિકારીઓને બાજુના ચેમ્બરમાં જવા અને પક્ષની અંદરની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય આપવા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ નિવેદન બાદ વિપક્ષે કડક વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ વધતા ભગાજી ઠાકોર પોતાના સ્થાન પર બેસી ગયા હતા.
વિપક્ષે કહ્યું- લોકશાહી માટે કલંક સમાન ઘટના
કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે આ ઘટનાને લોકશાહી માટે કલંકિત કરનારી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય સભા મહાનગરપાલિકાનું સત્તાવાર મંચ છે, કોઈ રાજકીય પક્ષની આંતરિક બેઠક નથી. તેમણે વધુમાં કહ્યું કે કમિશનર અને અધિકારીઓને સભામાંથી બહાર જવા કહેવું નિયમ વિરુદ્ધ છે અને આવી ઘટના પ્રશાસનિક પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.
ભગાજી ઠાકોરનો ખુલાસો
વિવાદ બાદ ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીના જવાબદાર તરીકે મેન્ડેટ આપવાની પ્રક્રિયા તેમની ફરજનો ભાગ છે. તેમણે કહ્યું કે દરેક પક્ષ પોતાના દંડકને મેન્ડેટ આપે છે અને ત્યારબાદ તેઓ પ્રક્રિયામાં હાજર રહેતા નથી.
તેમણે દાવો કર્યો કે વિપક્ષના કેટલાક સભ્યોએ મુદ્દાને અનાવશ્યક રીતે ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રથમ સામાન્ય સભામાં અનેક મહત્વના ઠરાવો મંજૂર
વિવાદ વચ્ચે સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
- કાયમી કર્મચારીઓના વેતનમાંથી 10 ટકા NPS કપાતને મંજૂરી
- લાયક કર્મચારીઓને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ
- ફાયર વિભાગમાં બે ખાલી જગ્યાઓ પર ભરતીને મંજૂરી
- ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ત્રણ સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ વિકાસ કામોને મંજૂરી
- ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓને વિશેષ રાહત
- વિવિધ વહીવટી કમિટીઓની રચના
સંચાલનના નિયમો અંગે અજાણપણું સામે આવ્યું
પ્રથમ સામાન્ય સભામાં સર્જાયેલા વિવાદ બાદ એવું પણ જોવા મળ્યું કે મહાનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓ સામાન્ય સભાના નિયમો અને પ્રક્રિયાઓ અંગે પૂરતા અવગત ન હોવાનું જણાયું હતું.
-
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય શક્ય: પિલરમાં પણ તિરાડો દેખાતા કન્સલ્ટન્ટનો અભિપ્રાય
સુભાષ બ્રિજને લઈને આજે થઈ શકે છે મોટો નિર્ણય
અમદાવાદના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજને લઈને આજે મ્યુનિસિપલ તંત્ર મોટો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી માત્ર સ્પાન અને સુપર સ્ટ્રક્ચર તોડવાની યોજના હતી, પરંતુ હવે પિલરોની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતાં સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે.
ગર્ડર અને પિલરમાં જોવા મળી તિરાડો
ડિમોલીશન કામગીરી દરમિયાન બ્રિજના ગર્ડર તેમજ કેટલાક પિલરમાં તિરાડો જોવા મળી હોવાનું સામે આવ્યું છે. બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો હોવાથી તેની સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.
કન્સલ્ટન્ટોના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં માત્ર ઉપરનો ભાગ તોડવાથી ભવિષ્યમાં સલામતીના પ્રશ્નો ઉભા થઈ શકે છે. તેથી સંપૂર્ણ બ્રિજ અને પિલરનું પુનઃનિર્માણ વધુ યોગ્ય વિકલ્પ ગણાવવામાં આવ્યો છે.
IIT સહિતના નિષ્ણાતોએ આપી ભલામણ
સુભાષ બ્રિજ મામલે IIT ગાંધીનગર, IIT રૂડકી તેમજ બ્રિજ નિષ્ણાત મહેશ ટંડન સહિત વિવિધ સંસ્થાઓ અને કન્સલ્ટન્ટો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે લાંબા ગાળે સુરક્ષા અને ટકાઉપણાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ડિમોલીશન અને નવા બ્રિજનું નિર્માણ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
AMC આજે અંતિમ નિર્ણય લઈ શકે
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને અધિકારીઓ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં બ્રિજના પિલર સહિત સમગ્ર માળખું તોડવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો સંપૂર્ણ ડિમોલીશનનો નિર્ણય લેવાશે તો પ્રોજેક્ટનો ખર્ચ અને સમયગાળો બંનેમાં વધારો થશે.
વધારાનો ખર્ચ પ્રજાના માથે આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ, પિલર સહિત સમગ્ર બ્રિજ તોડવાના નિર્ણયથી અંદાજે 4 થી 5 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ અંતે જાહેર નાણાંમાંથી કરવામાં આવશે, જેના કારણે AMCની કામગીરી અને આયોજન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
AMC દ્વારા અગાઉ જ 235 કરોડ રૂપિયાના ખર્ચે નવા અને વધુ પહોળા બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. પ્રારંભિક આયોજન મુજબ નવો બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થવાનો હતો, પરંતુ હવે સંપૂર્ણ ડિમોલીશનના નિર્ણય બાદ આ સમયમર્યાદા આગળ વધીને એપ્રિલ 2027 કે ત્યારબાદ સુધી પહોંચી શકે છે.
ડિસેમ્બર 2025માં સામે આવી હતી ગંભીર ખામી
4 ડિસેમ્બર 2025ના રોજ સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. તે બાદ AMCએ બ્રિજને તાત્કાલિક વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો અને વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓ દ્વારા તેની તપાસ શરૂ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્રિજની હાલત ચિંતાજનક હોવાનું સામે આવતા આખરે નવા બ્રિજના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરના ટ્રાફિક પર લાંબા સમય સુધી અસર
સુભાષ બ્રિજ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ છે. બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેતા આસપાસના માર્ગો પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. હવે સંપૂર્ણ ડિમોલીશનનો નિર્ણય લેવાય તો શહેરના લાખો વાહનચાલકોને વધુ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
-
ધોરણ-9ની વિદ્યાર્થિની પર ક્લાસમેટે કર્યો જીવલેણ હુમલો: બાથરૂમમાં બોલાવી હાથની નસો કાપી નાખી, 20 ટાંકા લેવા પડ્યા
આશ્રમ શાળામાં ચોંકાવનારી ઘટના
તાપી જિલ્લાના વાલોડ તાલુકાની અંબાજ હાઈસ્કૂલ (આશ્રમ શાળા)માં ધોરણ-9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની પર તેની જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થિનીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શૈક્ષણિક સંસ્થાની અંદર બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
બાથરૂમમાં બોલાવી કર્યો હુમલો
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થિનીએ ભોગ બનનાર બાળકી પાસે શર્ટમાં કંઈક ભરાઈ ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ તેને શાળાના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં બોલાવી લઈ ગઈ હતી. બાથરૂમમાં પહોંચ્યા બાદ અચાનક જ તેણે બાળકીનું ગળું પકડી જમીન પર પછાડી દીધી હતી અને પોતાની પાસે છુપાવી રાખેલો ચપ્પુ કાઢીને હાથ પર ઘાતકી હુમલો કર્યો હતો.
હાથની મુખ્ય નસો અને સ્નાયુઓ કપાઈ ગયા
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હુમલો અત્યંત ગંભીર હતો. ચપ્પુનો ઘા એટલો ઊંડો હતો કે તે હાડકા સુધી પહોંચી ગયો હતો. હુમલામાં હાથની બંને મુખ્ય ધોરી નસો (અલ્નર આર્ટરી અને રેડિયલ આર્ટરી), મુખ્ય ચેતાતંતુઓ (નર્વ્ઝ) તેમજ સ્નાયુઓને કાર્યરત રાખતા ટેન્ડન્સ કપાઈ ગયા હતા. જેના કારણે બાળકીનો હાથ લગભગ નિષ્ક્રિય બની ગયો હતો.
સુરતમાં જટિલ સર્જરી કરવી પડી
ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને પ્રથમ વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડૉ. સ્નેહલ દીક્ષિત અને તેમની ટીમે તાત્કાલિક સર્જરી કરીને કપાયેલી ધોરી નસો, નર્વ્ઝ અને ટેન્ડન્સનું સફળતાપૂર્વક રિપેરિંગ કર્યું હતું. ઘાની ગંભીરતાને કારણે બાળકીના હાથમાં લગભગ 20 ટાંકા લેવા પડ્યા હતા.
‘ઘા હાડકા સુધી ઊંડો હતો’
ડૉ. સ્નેહલ દીક્ષિતે જણાવ્યું કે, “બાળકીના હાથમાં ઘા છેક હાડકા સુધી ઊંડો હતો. બંને ધોરી નસો અને નર્વ્ઝ સંપૂર્ણ કપાઈ ગઈ હતી. જટિલ સર્જરી કરીને તમામ ભાગોનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. હાલ હાથમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય છે.”
મેડમનો ફોન આવતા પરિવાર ચોંકી ઉઠ્યો
ભોગ બનનાર વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી છેલ્લા નવ મહિનાથી આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. શાળામાંથી ફોન આવતા તેઓ તાત્કાલિક નીકળી પડ્યા હતા. ત્યારબાદ ફરી ફોન આવ્યો કે દીકરીને ગંભીર હાલતમાં વ્યારા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે દીકરીએ સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી.
માત્ર એક અઠવાડિયાનો જ પરિચય
પરિવારના જણાવ્યા અનુસાર હુમલાખોર અને ભોગ બનનાર વિદ્યાર્થિની વચ્ચે કોઈ જૂની અદાવત કે ઝઘડો નહોતો. બંને વચ્ચે માત્ર એક અઠવાડિયાનો જ પરિચય હતો. બાળકી હુમલાખોર વિદ્યાર્થિનીને સારી રીતે ઓળખતી પણ નહોતી.
‘ગુસ્સામાં કોઈને પણ નિશાન બનાવવાનું નક્કી કર્યું’
પિતાના જણાવ્યા મુજબ, આરોપી વિદ્યાર્થિનીએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે તેને અચાનક ભારે ગુસ્સો આવ્યો હતો. ગુસ્સાના આવેશમાં તેણે કોઈને ને કોઈને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એકલી મળેલી બાળકી પર હુમલો કર્યો હતો.
પોલીસે સગીર વિદ્યાર્થિનીને કસ્ટડીમાં લીધી
ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હુમલાખોર સગીર વયની હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે હુમલામાં વપરાયેલું ચપ્પુ કબજે કર્યું છે અને તે શાળામાં કેવી રીતે પહોંચ્યું તેની તપાસ શરૂ કરી છે.
શાળા સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પર ઉઠ્યા સવાલ
આશ્રમ શાળા જેવી સંસ્થામાં બનેલી આ ગંભીર ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા, શાળા કેમ્પસમાં ચેકિંગ વ્યવસ્થા અને કિશોર વયના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતમાં પ્રેમલગ્ન કરનાર દંપતીએ ઝેર પી જીવન ટૂંકાવ્યું: ‘લગ્નની તારીખ ન મળતા આ પગલું ભર્યું’, અંતિમ મેસેજમાં લખ્યું- મમ્મીનું ધ્યાન રાખજો
સુરતમાં પ્રેમી દંપતીનો કરુણ અંત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમલગ્ન કરનાર યુવાન દંપતીએ ઝેરી દવા પી લેતાં દુઃખદ ઘટના સર્જાઈ છે. 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને અભય ત્રાડાએ હોટેલના રૂમમાં સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. ઘટનામાં માનસીનું તાત્કાલિક મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અભયનું પણ બાદમાં મોત થયું હતું.
હોટેલના રૂમમાં ભર્યું અંતિમ પગલું
સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલી લા મરીના હોટેલના રૂમ નંબર 103માં બંને મળ્યા હતા. માનસી રોજની જેમ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ બંને હોટેલમાં મળ્યા અને ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો દોડી આવ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ માનસીને મૃત જાહેર કરી હતી.
અંતિમ મેસેજ વાંચીને પરિવાર સ્તબ્ધ
મોત પહેલાં બંનેએ પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ પોતાના પિતાને મેસેજ કરીને લખ્યું હતું, “મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ.” જ્યારે અભયે પોતાના ભાઈને મેસેજમાં લખ્યું હતું કે, “માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી એટલે અમે આ પગલું ભરીએ છીએ. તેમાં કોઈની જવાબદારી નથી.”
બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માનસી અને અભય એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં પરિવારોની સંમતિથી સગાઈ પણ થઈ હતી. પરિવારજનો સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન કરાવવાની તૈયારીમાં હતા, પરંતુ લગ્નની તારીખ નક્કી ન થતા બંને ચિંતામાં હતા. પ્રાથમિક તપાસ મુજબ આ જ કારણથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
બંને પરિવારો સામાન્ય વ્યવસાય સાથે જોડાયેલા
માનસી છેલ્લા છ મહિનાથી પ્રોપર્ટી સંબંધિત ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે અભય મકાન દલાલીનું કામ કરતો હતો અને તેના પિતા હીરા ઉદ્યોગમાં નોકરી કરે છે.
પોલીસે તપાસ શરૂ કરી
સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને યુવાનોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
-
અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો: મિનિમમ ભાડું હવે ₹25, પ્રતિ કિલોમીટર ₹20 ચૂકવવા પડશે
અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો
અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. CNGના સતત વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે મુસાફરોએ મિનિમમ ભાડા તરીકે ₹25 ચૂકવવા પડશે.
પ્રતિ કિલોમીટર ભાડું હવે ₹20
અગાઉ રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટર ₹15 ભાડું વસૂલતા હતા. હવે તેમાં ₹5નો વધારો કરીને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. લગભગ ત્રણથી ચાર વર્ષ બાદ ભાડામાં આ વધારો કરવામાં આવ્યો છે.
CNGના વધતા ભાવ બન્યા મુખ્ય કારણ
છેલ્લા કેટલાક મહિનામાં CNGના ભાવમાં સતત વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં અંદાજે ₹6નો વધારો થયો છે અને ભાવ ₹88 પ્રતિ કિલોથી ઉપર પહોંચી ગયા છે. જેના કારણે રિક્ષા ચાલકો પર આર્થિક ભારણ વધી રહ્યું હતું.
રિક્ષા યુનિયનની લાંબા સમયથી માંગણી
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાડામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. અનેક વખત ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTO સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નિર્ણય લેવાયો નહોતો. આખરે યુનિયને વધારેલા ભાડા વસૂલવાની જાહેરાત કરતાં સરકાર અને વાહન વ્યવહાર વિભાગે બેઠક બોલાવી હતી.
ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTO, ટ્રાફિક વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ રિક્ષા સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો હતો.
મિનિમમ ભાડું ₹50 કરવાની માંગ સ્વીકારાઈ નહીં
રિક્ષા ચાલક એકતા યુનિયને મિનિમમ ભાડું ₹50 કરવાની માંગણી પણ કરી હતી. જોકે સરકાર દ્વારા હાલ માત્ર ₹20માંથી વધારીને ₹25 મિનિમમ ભાડું કરવાની જ મંજૂરી આપવામાં આવી છે.
રિક્ષા ચાલકોને મળશે રાહત
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. મોંઘવારી અને ઈંધણ ખર્ચ વધતા રિક્ષા ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. નવા નિર્ણયથી હજારો રિક્ષા ચાલકોને આર્થિક રાહત મળશે.
મુસાફરો પર પડશે સીધી અસર
નવા ભાડા અમલમાં આવતા હવે અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરનાર લોકોને અગાઉ કરતાં વધુ ભાડું ચૂકવવું પડશે. ખાસ કરીને રોજિંદા મુસાફરોના ખર્ચમાં વધારો જોવા મળી શકે છે.
-
પૂર્વ અગ્નિવીરોને મોટી ભેટ: પોલીસ, જેલ અને વન વિભાગની ભરતીમાં 20% અનામત, વયમર્યાદા અને શારીરિક કસોટીમાં રાહત
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે અગ્નિપથ યોજના હેઠળ દેશસેવા પૂર્ણ કરનારા પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણયથી હજારો પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રવેશ માટે નવી તકો ઉપલબ્ધ થશે.
ભરતીમાં મળશે વિશેષ લાભ
સરકારના નિર્ણય મુજબ રાજ્ય પોલીસ દળ, એસઆરપી, જેલ વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગની વિવિધ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને અનામતનો લાભ મળશે. ભરતી પ્રક્રિયામાં શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ પણ આપવામાં આવશે, જેના કારણે પૂર્વ અગ્નિવીરોને સીધો ફાયદો થશે.
વયમર્યાદામાં ત્રણથી પાંચ વર્ષની રાહત
ભરતી માટે નિર્ધારિત ઉપલી વયમર્યાદામાં પૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. જ્યારે અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષ સુધીની વયમર્યાદાની વિશેષ રાહત આપવામાં આવશે.
આ ભરતીમાં લાગુ પડશે નિર્ણય
રાજ્ય સરકારની આ જોગવાઈ નીચેની ભરતી પ્રક્રિયામાં લાગુ પડશે:
- હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
- SRP પ્લાટૂન કમાન્ડર
- પોલીસ કોન્સ્ટેબલ
- જેલર ગ્રુપ-2
- જેલ સિપાઈ
- વનરક્ષક વર્ગ-3
- વનપાલ વર્ગ-3
અગ્નિવીરોના અનુભવનો રાજ્યને લાભ મળશે
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ તાલીમ મેળવી દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને રાજ્યમાં વધુ રોજગારીની તકો મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે પૂર્વ અગ્નિવીરો પાસે રહેલી શિસ્ત, તાલીમ અને અનુભવ રાજ્યની સુરક્ષા તેમજ વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે.
યુવાનો માટે નવી તક
રાજ્ય સરકારના આ નિર્ણયને પૂર્વ અગ્નિવીરો માટે મોટી ભેટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ પગલાથી અગ્નિપથ યોજના પૂર્ણ કરનારા યુવાનોને સરકારી સેવાઓમાં સ્થિર કારકિર્દી બનાવવા માટે વધુ સારો માર્ગ ખુલશે.
-
3 જિલ્લામાં રેડ એલર્ટ, 33 તાલુકામાં મેઘમહેર: ઉમરપાડામાં સૌથી વધુ 1.77 ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદે જમાવ્યો માહોલ
ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે વહેલી સવારથી સુરત, વલસાડ, નવસારી, અમરેલી અને તાપી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.
33 તાલુકામાં વરસાદ, ઉમરપાડા ટોચ પર
સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 1.77 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત અને વલસાડમાં પાણી ભરાયા
સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લિંબાયત વિસ્તારનું ગરનાળું પાણીથી છલકાઈ જતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. વલસાડમાં પણ ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી કલાકો માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અન્ય અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દરિયો 5 દિવસ તોફાની રહેશે
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 22થી 27 જૂન સુધી પશ્ચિમ દરિયાકાંઠા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાનારી હવામાન પ્રણાલીની અસર ગુજરાતના દરિયાકાંઠે પણ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
માછીમારોને કડક સૂચના
તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી ઊંડા દરિયામાં ન જવાની અને સુરક્ષિત સ્થળોએ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા અને ભારે કરંટની સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી માછીમારોને વિશેષ સાવચેતી રાખવા માટે પણ જણાવાયું છે.
ખેડૂતો માટે રાહતના સંકેત
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા. જોકે હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં કૃષિ ક્ષેત્રને રાહત મળવાની આશા જાગી છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહે તો વાવેતર અને પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.
-
‘દીકરીઓને સિંગર ન બનાવો, અહીં ભોગ જ બનવું પડે છે’: રિદ્ધિ રાજપરાના લવમેરેજ વિવાદમાં પાટીદાર સિંગર્સની એન્ટ્રી
રિદ્ધિ રાજપરાના લગ્ન બાદ સમાજમાં ઉઠ્યો વિવાદ
પાટીદાર સમાજની લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કરી લેતા સમાજમાં ભારે ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. આ ઘટનાએ પાટીદાર સમાજના આગેવાનો અને કલાકારોમાં પણ ઉગ્ર પ્રતિક્રિયાઓ જગાવી છે. સમાજના કેટલાક આગેવાનો દ્વારા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જાણીતા પાટીદાર લોકગાયકો પણ ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અશોક માણિયાએ વ્યક્ત કરી ચિંતા
જાણીતા લોકગાયક અશોક માણિયાએ આ ઘટનાને સમાજ માટે ચેતવણીરૂપ ગણાવી છે. તેમણે જણાવ્યું કે તેમનો વિરોધ કોઈના અંગત જીવન કે પ્રેમલગ્ન સામે નથી, પરંતુ આવી ઘટનાઓથી સમગ્ર સમાજ અને કલા ક્ષેત્રની છબીને નુકસાન પહોંચે છે. તેમણે કહ્યું કે દરેક સમાજે આવી ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે ગંભીરતાથી વિચારવું જોઈએ.
વાલીઓને ખાસ અપીલ
અશોક માણિયાએ માતા-પિતાને સંબોધતા જણાવ્યું કે દીકરીઓના વિકાસ માટે અનેક સારા ક્ષેત્રો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે ગાયન ક્ષેત્રમાં ઘણી વખત દીકરીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી હોય છે અને તેથી વાલીઓએ સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જોઈએ. તેમણે વાલીઓને દીકરીઓના ભવિષ્ય માટે યોગ્ય માર્ગ પસંદ કરવાની અપીલ કરી હતી.
લાલુ માલવિયાનું ચર્ચાસ્પદ નિવેદન
પાટીદાર સમાજના લોકગાયક લાલુ માલવિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેમના મત પ્રમાણે આવી ઘટનાઓની સીધી અસર સમગ્ર સમાજ અને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય કલાકારોની પ્રતિષ્ઠા પર પડે છે. તેમણે કહ્યું કે સમાજના એક જવાબદાર સભ્ય તરીકે તેઓ વાલીઓને જાગૃત થવાની અપીલ કરી રહ્યા છે.
સમાજ અને કલાકારોની છબી અંગે ચિંતા
લાલુ માલવિયાના જણાવ્યા પ્રમાણે, ગાયન ક્ષેત્રમાં કાર્યરત અનેક કલાકારો વર્ષોથી મહેનત અને પ્રામાણિકતા સાથે કામ કરી રહ્યા છે. પરંતુ કેટલીક વ્યક્તિગત ઘટનાઓના કારણે સમગ્ર ક્ષેત્રને લઈને સમાજમાં ખોટો સંદેશ જાય છે. તેમણે સમાજ હિતમાં વાલીઓ અને વડીલોને દીકરીઓના ભવિષ્ય અંગે વિચારપૂર્વક નિર્ણય લેવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ
રિદ્ધિ રાજપરાના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સમાજની પરંપરાઓ અને મૂલ્યોની દલીલ કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દાએ પાટીદાર સમાજમાં ફરી એકવાર પ્રેમલગ્ન, કલાકાર જીવન અને સામાજિક જવાબદારી અંગે ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે.