Category: ગુજરાત

  • અંબાજીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નશામાં ધુત તત્વોનો પોલીસ-PCR વાન પર હુમલો, લાકડી-પથ્થરો વડે તૂટી પડ્યા;

     

    અંબાજીમાં પોલીસ પર હુમલાથી ચકચાર

    યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વોર્ડ નંબર 8 વિસ્તારમાં નશામાં ધુત અસામાજિક તત્વોએ માત્ર એક નાગરિકને જ નહીં પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને PCR વાનને પણ નિશાન બનાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

    અકસ્માત બાદ પૈસા પડાવવાનો પ્રયાસ

    સ્થાનિક રહીશ બદારામ પંચાલના જણાવ્યા મુજબ તેઓ પોતાની પત્ની સાથે હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી ઝડપભેર આવેલી બાઈક પર સવાર ત્રણ શખ્સોએ તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ ત્રણેય યુવકો નીચે પડી ગયા હતા અને બાદમાં બદારામ પંચાલને પકડીને પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે ત્રણેય વ્યક્તિઓ નશાની હાલતમાં હતા. તેઓ કોઈ રીતે બચીને નજીકના એક ઘરમાં ઘૂસી ગયા હતા.

    પોલીસ પહોંચી તો પોલીસ પર જ હુમલો

    ઘટનાની જાણ થતાં જ પોલીસ-PCR વાન સ્થળ પર પહોંચી હતી. પરંતુ આરોપીઓએ પોલીસને જોઈને ઉશ્કેરાટભર્યું વર્તન શરૂ કર્યું હતું. તેમણે હાથમાં રહેલી લાકડીઓ અને પથ્થરો વડે PCR વાન તેમજ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. વાયરલ વીડિયોમાં આરોપીઓ પોલીસને ધમકાવતા, ગાળો આપતા અને પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જ્યું છે.

    વીડિયો વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ

    ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિ વીડિયોમાં કહેતો સંભળાય છે કે તેને ડર લાગી રહ્યો છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

    બે આરોપીની અટકાયત, એક ફરાર

    પોલીસ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોર ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીની શોધખોળ હજુ પણ ચાલુ છે.

    સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલ

    સ્થાનિક લોકોનું કહેવું છે કે અંબાજીમાં પોલીસ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવા બનાવો બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ અને PCR વાન જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 17,350 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો: જામનગરનો 9 વર્ષનો વિહાન દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો

    17,350 ફૂટ ઊંચા શિખર પર જામનગરના વિહાનનો વિજય

    જામનગરના માત્ર 9 વર્ષ અને 4 મહિનાના બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી નજીક આવેલા 5,289 મીટર (આશરે 17,350 ફૂટ) ઊંચા ફ્રેન્ડશીપ પીકને સફળતાપૂર્વક સર કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. આ સિદ્ધિ સાથે વિહાન દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે.

    અગાઉનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

    વિહાને અગાઉના 10 વર્ષ અને 2 મહિનાની ઉંમરના પર્વતારોહકનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ સિદ્ધિ માત્ર જામનગર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.

    ટેકનિકલ અને જોખમી પર્વતારોહણ મિશન

    ફ્રેન્ડશીપ પીક ટેકનિકલ રીતે પડકારજનક શિખર માનવામાં આવે છે. આ અભિયાન માટે વિહાને ખાસ પર્વતારોહણ તાલીમ લીધી હતી. બરફ અને ગ્લેસિયર વિસ્તારમાં ચાલવાની પ્રેક્ટિસ ઉપરાંત દોરડા, આઈસ એક્સ અને ક્રેમ્પોન્સ જેવા વિશેષ સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી હતી.

    કાતિલ ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે ચડાણ

    શિખર સર કરતી વખતે વિહાને માઈનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવતી ઠંડી અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા ગંભીર પડકારોનો સામનો કર્યો હતો. બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો અને બદલાતા હવામાન વચ્ચે પણ તેણે હિંમત અને ધીરજ ગુમાવી નહીં.

    શિખર પર લહેરાવ્યો તિરંગો

    અંતિમ ચડાણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ વિહાને 17,350 ફૂટની ઊંચાઈએ પહોંચીને ભારતનો તિરંગો ગર્વભેર લહેરાવ્યો હતો. આ ક્ષણ તેના પરિવાર, માર્ગદર્શકો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બની રહી.

    અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત

    નાની ઉંમરથી જ પર્વતારોહણ પ્રત્યે ઝનૂન ધરાવતો વિહાન હિમાલયના અનેક ટ્રેક અને શિખરો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. તેની આ સિદ્ધિ દેશભરના બાળકો અને યુવાનોને સાહસ, સંકલ્પ અને આત્મવિશ્વાસનો સંદેશ આપે છે.

    ગુજરાતમાં ખુશીનો માહોલ

    વિહાનની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

  • કડીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી: શેરા સિરામિક કંપની ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

    કડીમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

    12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કડી શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કડી આયુર્વેદ હોસ્પિટલ અને કડી નગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠળ શેરા સિરામિક કંપની ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓ, નાગરિકો તેમજ આરોગ્યપ્રેમી લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો.

    યોગ શિક્ષકે વિવિધ આસનો કરાવ્યા

    કાર્યક્રમ દરમિયાન યોગ શિક્ષક મૌલીકા પટેલે ઉપસ્થિત લોકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ યોગાસનો કરાવી નિયમિત યોગ જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી.

    સ્વસ્થ જીવન માટે યોગ જરૂરી

    યોગ શિક્ષક દ્વારા જણાવાયું હતું કે નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. યોગ માત્ર કસરત નહીં પરંતુ નિરોગી જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.

    ‘યોગ અપનાવો, સ્વસ્થ જીવન બનાવો’નો સંદેશ

    કાર્યક્રમ દરમિયાન “યોગ અપનાવો, સ્વસ્થ જીવન બનાવો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકોને નિયમિત યોગ સાથે જોડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ઉત્સાહપૂર્વક જોડાયા ઉપસ્થિત લોકો

    યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સ્વસ્થ અને તણાવમુક્ત જીવન માટે યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • ‘બેગ લઈને ઘરે આવું છું’ કહી નીકળેલો યુવક મૃત મળ્યો: SG હાઇવે પર હિટ એન્ડ રન, પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી

    માતાને છેલ્લો ફોન, અડધા કલાકમાં મોતના સમાચાર

    અમદાવાદના એસજી હાઇવે પર પકવાન બ્રિજ પાસે હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોલા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અક્ષય ગજ્જરનું અજાણ્યા વાહનની ટક્કરથી કરુણ મોત થયું છે. મૃત્યુ પહેલાં અક્ષયે પોતાની માતાને ફોન કરીને કહ્યું હતું કે, “હું બેગ લઈને ઘરે આવું છું.” પરંતુ આ વાતના માત્ર અડધા કલાક બાદ તેનો લોહીલુહાણ મૃતદેહ પકવાન બ્રિજ પરથી મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

    ‘બેગ બાઇક પર નહીં આવે, ઉબેર કરીને આવું છું’

    મળતી માહિતી મુજબ અક્ષય ગજ્જર મોડીરાત્રે પોતાના મિત્ર સાથે માતા અલકાબેનના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાના ભાઈની જાવા બાઇક લઈને બેગ લેવા માટે નીકળ્યો હતો. રાત્રે લગભગ 2:23 વાગ્યે તેણે માતાને ફોન કરીને જણાવ્યું હતું કે બેગ મોટી હોવાથી બાઇક પર લાવી શકાશે નહીં અને તે ઉબેર બુક કરીને ઘરે આવશે. આ વાતચીત બાદ પરિવાર તેના ઘરે પરત આવવાની રાહ જોઈ રહ્યો હતો.

    પકવાન બ્રિજ પર સર્જાયો ભયાનક અકસ્માત

    પ્રાથમિક તપાસ મુજબ રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ પકવાન બ્રિજ ઉપર અજાણ્યા વાહનચાલકે અક્ષયને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અક્ષયને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

    સવારે પોલીસનો ફોન આવતા પરિવાર પર તૂટી પડ્યું દુઃખ

    રાત્રે અક્ષયનો ફોન મળ્યા બાદ પરિવાર નિરાંતે હતો. પરંતુ સવારે લગભગ 6 વાગ્યે અક્ષયની માતાને પોલીસનો ફોન આવ્યો અને અકસ્માતની જાણ કરવામાં આવી. પરિવારજનો તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં અક્ષયનો મૃતદેહ જોઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

    પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

    હાલમાં એસજી-2 ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પકવાન બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્ર કરીને અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પોલીસનું માનવું છે કે CCTV ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવામાં મહત્વની મદદ મળશે.

    શહેરમાં ફરી ઉઠ્યા રોડ સલામતીના સવાલો

    આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં વધતા હિટ એન્ડ રનના બનાવો અને રાત્રિના સમયે બેફામ વાહનચાલન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.પરિવારજનો અને સ્થાનિક લોકો આરોપી વાહનચાલકને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

  • રાજકોટમાં 2.47 કરોડની સનસનાટીભરી લૂંટ: વૃદ્ધને બંધક બનાવી રોકડ-સોનું અને રાયફલ લૂંટી ફરાર

    રાજકોટમાં મધરાતે 2.47 કરોડની ધાડથી ચકચાર

    રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં મધરાતે કરોડોની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં ઘૂસેલા બુકાનીધારી લૂંટારાઓએ તેમને બંધક બનાવી રૂ.2.47 કરોડની રોકડ, સોનાના દાગીના, રાયફલ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી.

    મોઢે ડૂચો દઈ વૃદ્ધને બનાવ્યા બંધક

    માહિતી મુજબ ગત રાત્રે આશરે દોઢ વાગ્યે 4થી 5 બુકાનીધારી શખ્સો દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. અવાજ થતાં જાગી ગયેલા જીતેન્દ્રસિંહ જાડેજાને એક લૂંટારાએ લોખંડની પાઇપ સાથે કાબૂમાં લઈ મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ અન્ય શખ્સોએ ઘરની તિજોરી અને કબાટ તોડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી.

    2.47 કરોડ રોકડા, સોનું અને રાયફલની લૂંટ

    લૂંટારાઓ ઘરમાંથી અંદાજે રૂ.2 કરોડ 47 લાખની રોકડ રકમ, અંદાજે રૂ.2 લાખના સોનાના દાગીના, બાર બોરની લાઇસન્સવાળી રાયફલ તેમજ મોબાઇલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.લૂંટ બાદ આરોપીઓ વૃદ્ધને એક રૂમમાં પૂરીને નાસી છૂટ્યા હતા.

    દીકરાને ફોન કરી ઘટનાની જાણ કરી

    લૂંટારાઓ ભાગી ગયા બાદ જીતેન્દ્રસિંહ જાડેજાએ કોઈ રીતે રૂમનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ અન્ય રૂમમાં રહેલા પત્નીના મોબાઇલ ફોનથી રાજકોટમાં રહેતા તેમના પુત્ર જયવિરસિંહ જાડેજાને ઘટનાની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક શાપર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

    પેટ્રોલ પંપ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો પરિવાર

    જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ ચલાવે છે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જમીન વેચાણના વ્યવહારોને કારણે મોટી રકમ ઘરમાં રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

    રેકી બાદ ધાડ પાડવામાં આવી હોવાની આશંકા

    પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટ પાછળ જાણભેદુઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની માહિતી અને વૃદ્ધ એકલા રહેતા હોવાની જાણકારી આરોપીઓને પહેલેથી જ હોવાની શક્યતા સામે આવી છે. જેથી લાંબા સમયથી રેકી કરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

    પારડી નજીક શકમંદો CCTVમાં કેદ

    લૂંટની જાણ થતાં જ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ઉપરાંત CCTV ફૂટેજની તપાસ દરમિયાન પારડી નજીક કેટલાક શકમંદો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

    પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં

    આ સમગ્ર મામલે રૂરલ SOG, LCB, શાપર પોલીસ અને ગોંડલ DYSPની ટીમો આરોપીઓની શોધમાં લાગી ગઈ છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે આરોપીઓને ઝડપવા માટે તમામ તકનિકી અને માનવ આધારિત તપાસ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે ભેદ ઉકેલાશે.

    ભોગ બનનારનો ચોંકાવનારો ખુલાસો

    જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, “દરવાજો તોડી ચાર-પાંચ લોકો ઘરમાં ઘૂસ્યા હતા. મને મુક્કો મારીને પાડી દીધો અને મોઢે ડૂચો દઈ દીધો. ત્યારબાદ રોકડ, સોનું, રાયફલ અને મોબાઇલ લઈને ફરાર થઈ ગયા.”

  • ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી આપશે Re-NEET પરીક્ષા, ડ્રોન સર્વેલન્સથી લઈને લાઈવ મોનિટરિંગ સુધી કડક વ્યવસ્થા

    પેપર લીક બાદ ફરી યોજાશે NEET પરીક્ષા

    NEET-UG પેપર લીક વિવાદ બાદ હવે 21 જૂને દેશભરમાં Re-NEET પરીક્ષા યોજાવા જઈ રહી છે. ગુજરાતના 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં લાખો ઉમેદવારો ફરી એકવાર પરીક્ષામાં બેસશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    અમદાવાદના 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ

    અમદાવાદ શહેરમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોનું કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 8 ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પેપરના પરિવહન માટે પોલીસ એસ્કોર્ટ આપવામાં આવશે અને NTAની ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે.

    સાયબર અને ક્રાઈમ બ્રાન્ચ પણ રહેશે એલર્ટ

    પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી ન ફેલાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ સતત મોનિટરિંગ કરશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર પણ કાર્યરત રહેશે.

    વિદ્યાર્થીઓ માટે દોડશે સ્પેશિયલ ટ્રેનો

    પશ્ચિમ રેલવે દ્વારા NEET ઉમેદવારોની વધારાની મુસાફરીને ધ્યાનમાં રાખીને ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મણિનગર – બાંદ્રા ટર્મિનસ
    ઓખા – ગાંધીનગર કેપિટલ
    ભાવનગર ટર્મિનસ – ગાંધીગ્રામ
    રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે.

    રેલવે સ્ટેશન પર હેલ્પડેસ્ક શરૂ

    વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને ટ્રેન, સમયપત્રક અને મુસાફરી અંગે માર્ગદર્શન આપવા માટે રેલવે કર્મચારીઓ તૈનાત રહેશે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને અનેક સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવશે.

    રાજકોટમાં 12 કેન્દ્રો પર 5330 ઉમેદવારો

    રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 12 પરીક્ષા કેન્દ્રો પર 5330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્નપત્રો એરફોર્સ મારફતે હવાઈ માર્ગે પહોંચાડવામાં આવશે. CISFના જવાનો અને સ્થાનિક પોલીસની સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રો કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે. દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે.

    સુરતમાં 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ

    સુરત જિલ્લામાં કુલ 22 કેન્દ્રો પર 10,301 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને બપોરે 1:30 વાગ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટલ ડિટેક્ટર, બાયોમેટ્રિક ચકાસણી અને કડક સુરક્ષા તપાસ બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે.

    વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી

    પેપર લીક બાદ યોજાઈ રહેલી Re-NEET પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ મોટી કસોટી સમાન બની છે. ડ્રોન સર્વેલન્સ, લાઈવ મોનિટરિંગ, CISF સુરક્ષા, સાયબર વોચ અને સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વચ્ચે આ વખતે પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા યોજવાનો તંત્રનો મોટો પડકાર રહેશે.

  • સતલાસણા ના ભાણવાસ ડેરીમાં દાદાગીરીનો દૂધિયો વિસ્ફોટ! પશુપાલકોએ રસ્તા પર ઢોળ્યું દૂધ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

    અહેવાલ : મૂળજીભાઈ ગોસાઈ (સતલાસણા)

    મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાયો છે. ડેરીના સંચાલન અને વહીવટ સામે નારાજ થયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

    મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી ભાણવાસ ગામના અનેક પશુપાલકોનું દૂધ સ્થાનિક ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ અંદાજે 300 થી 400 લીટર દૂધ વેચાણ વગર રહી જતું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ન સ્વીકારાતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન તેમનો મુખ્ય વ્યવસાય અને આવકનો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં ડેરી દ્વારા દૂધ લેવામાં ઇનકાર કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પરિણામે કેટલાક પશુપાલકોને ખાનગી વાહનો ભાડે કરીને અન્ય સ્થળે દૂધ મોકલવાની ફરજ પડી હતી. જોકે વધતા ખર્ચ અને મુશ્કેલીઓના કારણે આખરે પશુપાલકોએ ડેરી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

    વિરોધ દરમિયાન રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડેરી આગળ દૂધની નદીઓ વહેતી જોવા મળતા સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે તેમની વારંવારની રજૂઆતો છતાં ડેરીના જવાબદારો દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

    વિવાદનું મુખ્ય કારણ ડેરીના સંચાલન અને વહીવટી વ્યવસ્થા હોવાનું પણ પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલકોના આક્ષેપ મુજબ છેલ્લા લગભગ 40 વર્ષથી ડેરીના સભાસદો અને પ્રમુખપદમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. નિયમો મુજબ નિશ્ચિત સમયગાળાએ ચૂંટણી અને વહીવટી ફેરબદલ થવા જોઈએ, પરંતુ ભાણવાસ ડેરીમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલી ડેરીની બેઠકમાં કેટલાક સભ્યોએ આ મુદ્દો ઉઠાવી વહીવટી પારદર્શિતા અને નિયમિત ચૂંટણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને રજૂઆત કરનારા કેટલાક લોકોને બેઠકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ઘટનાને પગલે ગામમાં ડેરીના વહીવટ સામે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે ડેરી જેવી સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરતી હોય છે, પરંતુ જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે તો સહકારી માળખા પર જ પ્રશ્નો ઉભા થાય છે.

    હાલ પશુપાલકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાના સહકારી વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે જ ડેરીના વહીવટ, સભાસદોની પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

    ભાણવાસ ગામમાં સર્જાયેલા આ વિવાદ બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને પશુપાલકોની સમસ્યાનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ગામના પશુપાલકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની સાથે ન્યાય થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

  • હવે દરરોજ 2 કલાક જનતાની ફરિયાદ સાંભળશે ગુજરાત પોલીસ, DGP મલિકનો મોટો નિર્ણય

    જનતાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે પોલીસ તંત્રની નવી પહેલ
    ગુજરાતમાં સામાન્ય નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો માટે ઉચ્ચ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે રાજ્યભરના પોલીસ અધિકારીઓ દરરોજ નક્કી કરેલા સમય દરમિયાન લોકોની ફરિયાદો સાંભળશે અને તેના ઝડપી નિકાલ માટે કાર્યવાહી કરશે. પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.
    ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે બપોરનો સમય નક્કી
    નવી સૂચના મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહેવાનું રહેશે. આ સમય દરમિયાન તેઓ મુલાકાતે આવતા અરજદારોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત મામલાઓમાં જરૂરી સૂચનાઓ આપશે. જો કોઈ કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના અન્ય જવાબદાર અધિકારી દ્વારા અરજી સ્વીકારીને તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
    પોલીસ સ્ટેશન સ્તરે પણ જનસંપર્ક વધશે
    પોલીસ સ્ટેશન કક્ષાએ પણ વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. PI અને અન્ય થાણા અધિકારીઓ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની ફરિયાદો સાંભળશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે જ અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે અને લોકોને વારંવાર ઉચ્ચ કચેરીઓ સુધી જવું નહીં પડે.
    ફરિયાદોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી
    DGP દ્વારા ફરિયાદોના નિકાલ માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક અને વૈવાહિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ છ અઠવાડિયામાં લાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય સામાન્ય અરજીઓ અને રજૂઆતોનો નિકાલ 15 દિવસની અંદર પૂર્ણ કરવાનો રહેશે.
    દરેક અરજીની રહેશે નોંધ, ગુનો જણાશે તો FIR ફરજિયાત
    નવી વ્યવસ્થા હેઠળ તમામ કચેરીઓમાં અરજદારોની વિગતો નોંધવા માટે વિશેષ રજિસ્ટર જાળવવામાં આવશે. અરજી મળ્યાની તારીખથી લઈને તેની ઉપર થયેલી કાર્યવાહી સુધીની તમામ વિગતો તેમાં નોંધાશે. જો કોઈ અરજીની તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવશે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
    પોલીસ-જનતા વચ્ચેનો અંતર ઘટાડવાનો પ્રયાસ
    DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને અરજીઓની તપાસ સંપૂર્ણ તટસ્થતા અને ન્યાયસંગત રીતે કરવા જણાવ્યું છે. પોલીસ વિભાગને આશા છે કે આ નવી વ્યવસ્થાથી જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે, ફરિયાદોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને લોકો માટે પોલીસ તંત્ર વધુ સુલભ બનશે.
  • ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત,15 જૂન બાદ વરસાદની ગતિવિધિ તેજ બનશે

    અમદાવાદમાં ફરી સૌથી વધુ ગરમી નોંધાઈ
    ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને ઉકળાટથી લોકો હજુ પણ ત્રસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 3.1 ડિગ્રી વધુ છે. સતત સાતમા દિવસે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.
    આગામી 7 દિવસ ગરમીમાં મોટો ફેરફાર નહીં
    હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ધીમે ધીમે વધશે.
    11થી 13 જૂન: દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા
    આ સમયગાળા દરમિયાન વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત પૂરતો મર્યાદિત રહેશે. જે જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે: સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી , દમણ, દાદરા અને નગર હવેલી, ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
    14 જૂનથી વરસાદનો વિસ્તાર વધશે
    14 જૂનથી દક્ષિણ ગુજરાત ઉપરાંત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ચોમાસા પૂર્વની ગતિવિધિઓ વધુ સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    15થી 17 જૂન: ગુજરાતના વધુ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી
    હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 15 જૂન બાદ વરસાદનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે.
    વરસાદની સંભાવના ધરાવતા વિસ્તારો:
    ઉત્તર અને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર
    આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
    ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
    દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના હરનાઈ અને સોલાપુર વિસ્તારો ઉપરાંત કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં સક્રિય છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના વધુ વિસ્તારોમાં આગળ વધશે. ગુજરાતના વાતાવરણમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
    ગરમીથી રાહત માટે હજુ રાહ જોવી પડશ
    જોકે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થશે, તેમ છતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ હજુ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.
  • પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ ઇંધણ આવ્યું! દિલ્હીમાં શરૂ થયો દેશનો પહેલો E85 ફ્લેક્સ ફ્યુઅલ પંપ

    દિલ્હીમાં E85 ફ્લેક્સ ફ્યુઅલની શરૂઆત
    દેશમાં વૈકલ્પિક અને સસ્તા ઇંધણ તરફના મોટા પગલા તરીકે દિલ્હીમાં પ્રથમ E85 ફ્લેક્સ ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઇન્ડિયન ઓઇલના પૂસા રોડ આઉટલેટ પર આ નવી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.
    આ નવા ઇંધણની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં આશરે ₹20 પ્રતિ લિટર ઓછી છે. જેના કારણે વાહનચાલકોને સીધો આર્થિક ફાયદો મળશે અને દેશની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા પણ ઘટશે.
    કેટલી છે E85 ફ્યુઅલની કિંમત?
    દિલ્હીમાં E85 ફ્લેક્સ ફ્યુઅલનો ભાવ ₹82.12 પ્રતિ લિટર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે હાલ વેચાતા E20 પેટ્રોલની સરખામણીએ આ કિંમત નોંધપાત્ર રીતે ઓછી છે.
    ગ્રાહકોને કોઈ ગેરસમજ ન થાય તે માટે E85 ફ્યુઅલ ડિસ્પેન્સર પર વિશેષ બ્રાન્ડિંગ અને અલગ ઓળખ માટે ખાસ લેબલિંગ કરવામાં આવશે.
    2027 સુધીમાં 5000 પંપ શરૂ કરવાનો લક્ષ્યાંક
    હાલ દિલ્હીમાં શરૂ થયેલું આ સ્ટેશન દેશનું પ્રથમ E85 ફ્યુઅલ સ્ટેશન છે, પરંતુ સરકાર તેને મોટા પાયે વિસ્તરાવવા તૈયારી કરી રહી છે.
    પ્રથમ તબક્કામાં દિલ્હી-NCR અને મુંબઈ-પુણે-નાગપુર જેવા મહત્વના કોરિડોરમાં 50થી 100 સ્ટેશન શરૂ કરવામાં આવશે.
    સરકારના રોડમેપ મુજબ:
    વર્ષ 2026ના અંત સુધીમાં લગભગ 500 E85 પંપ કાર્યરત કરાશે.
    વર્ષ 2027ના અંત સુધીમાં દેશભરમાં 5000 પંપ શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
    મુખ્ય શહેરો અને હાઈવે નેટવર્કને પ્રાથમિકતા અપાશે.
    E85 ફ્લેક્સ ફ્યુઅલ શું છે?
    હાલ દેશમાં ઉપલબ્ધ મોટાભાગનું પેટ્રોલ E20 કેટેગરીનું છે, જેમાં: 20% ઇથેનોલ, 80% પેટ્રોલ હોય છે. જ્યારે E85 ફ્યુઅલમાં: 85% ઇથેનોલ, 15% પેટ્રોલ મિશ્રિત હોય છે. સરકાર ભવિષ્યમાં E100 એટલે કે સંપૂર્ણ ઇથેનોલ આધારિત ઇંધણ તરફ આગળ વધવાની યોજના ધરાવે છે.
    ઇથેનોલથી શું ફાયદો થશે?
    ઇથેનોલ શેરડી, મકાઈ, અનાજ અને કૃષિ આધારિત કાચા માલમાંથી બનાવવામાં આવે છે. તેના કારણે:
    ઇંધણની કિંમત ઓછી રહે છે
    ખેડૂતોને વધારાની આવક મળે છે
    વિદેશી ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટે છે
    કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે
    પર્યાવરણને ઓછું નુકસાન પહોંચે છે
    દરેક વાહનમાં ઉપયોગ કરી શકાશે નહીં
    E85 ફ્યુઅલનો ઉપયોગ સામાન્ય પેટ્રોલ વાહનોમાં શક્ય નથી.
    આ ઇંધણ માટે ખાસ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા એન્જિનની જરૂર પડે છે. હાલમાં ભારતીય બજારમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો મર્યાદિત પ્રમાણમાં છે, પરંતુ આગામી વર્ષોમાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓ આવી ગાડીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
    સરકારનું ધ્યાન ક્રૂડ આયાત ઘટાડવા પર
    વૈશ્વિક સ્તરે વધતી ક્રૂડ ઓઇલની કિંમતો અને મધ્ય પૂર્વમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત વૈકલ્પિક ઇંધણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
    ભારત પોતાની જરૂરિયાતના લગભગ 90 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેથી ઇથેનોલ આધારિત ઇંધણને પ્રોત્સાહન આપીને આયાત ખર્ચ ઘટાડવો સરકારની મહત્વની પ્રાથમિકતા બની છે.
    ઊર્જા ક્ષેત્રમાં મોટો બદલાવ
    E85 ફ્લેક્સ ફ્યુઅલની શરૂઆતને ભારતના ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં જો ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની સંખ્યા વધશે તો સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલનો સસ્તો અને પર્યાવરણમિત્ર વિકલ્પ ઉપલબ્ધ થઈ શકશે.