Category: Today Focus

  • મોડાસા કલેકટર કચેરી ખાતે OBC સમાજનો દૃઢ અવાજ સરકારી ભરતીના નિયમોમાં સુવ્યવસ્થિત સુધારા અને વસ્તી આધારિત અનામત માટે રાજ્યવ્યાપી આવેદન અભિયાન

    રિપોર્ટર : દિપક પરમાર (ઘડિયા)

    રાજ્યમાં એક તરફ સરકાર રોજગાર માટેની વિવિધ ભરતી પ્રક્રિયાઓને ઝડપ આપવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ OBC સમાજ સરકાર દ્વારા લાદવામાં આવતા “અન્યાયકારી અને અસંગત” નિયમો સામે મક્કમ અવાજ ઉઠાવી રહ્યો છે. આજ રોજ મોડાસા કલેકટર કચેરી ખાતે OBC સમાજના આગેવાનો રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે કલેકટર મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર સોંપ્યું.

    મુખ્ય ત્રણ મુદ્દા જેઓને કેન્દ્રમાં રાખીને આવેદન આપવામાં આવ્યું:

    1️⃣ પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ દાખલ કરવાની માંગ — “યુવાનોની મહેનતનો ન્યાય

    પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડ પાસ કરનાર ઉમેદવારોને મળવા યોગ્ય માર્ક્સનો હિસાબ ભરતી સિસ્ટમમાં યોગ્ય રીતે દાખલ થાય તેવી OBC સમાજની મુખ્ય માંગ છે.

    ઉમેદવારોનું કહેવું છે કે, વર્તમાન વ્યવસ્થા “અસ્પષ્ટ” અને “એકતરફી” હોવાથી ઘણા યુવાઓ યોગ્ય માર્ક્સ મળ્યા વગર બહાર થઈ જાય છે.

    આ મુદ્દો છેલ્લાં કેટલાક સમયથી રાજ્યભરમાં ગરમાયો છે, અને આજે મોડાસામાં તેનો જોરદાર પ્રતિબિંબ જોવા મળ્યો.

    2️⃣ સરકારી ભરતીઓમાં OBC સમાજને થતા અન્યાયકારી નિયમોમાં સુધારાની માંગ

    આવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે:

    OBC વર્ગ માટેની પ્રમાણપત્ર પ્રક્રિયા,

    મેરિટ ગણતરીની પદ્ધતિ,

    અને ખાસ કરીને કેટેગરી મુજબની લાયકાતમાં અસંગતતાઓ,

    OBC સમાજને રોજગારની દોડમાં પાછળ ધકેલી રહી છે.

    સમાજના આગેવાનોનું માનવું છે કે, “યુવાનોને રોજગારની સ્પર્ધામાં સમાન તક આપી શકાય એવું પારદર્શક માપદંડ આજે સમયની માંગ છે.”

    યુવા પેઢીનું ભવિષ્ય જોખમમાં હોય ત્યારે સમાજ મૌન નહીં રહે એવી ચેતવણી પણ આવેદનમાં આપવામાં આવી.

    3️⃣ વસ્તી આધારિત અનામત અમલમાં લાવવા અંગેની રાજ્યવ્યાપી માંગ

    OBC સમાજનું સ્પષ્ટ કહેવું છે કે—

    “વસ્તી જેટલી, અનામત એટલી”

    અને આ સૂત્રના આધારે રાજ્ય સરકારે વાસ્તવિક વસ્તીનો આંકડો ધ્યાને લઈ અનામત વધારી તેવી તાત્કાલિક માગણી છે.

    આ મુદ્દો માત્ર અરવલ્લી નહિ, પરંતુ સમગ્ર રાજ્યમાં OBC સમાજના હકો અને વાજબી અધિકારોના રક્ષણ માટેના મુખ્ય એજન્ડા તરીકે ઉભર્યો છે.

    મોડાસામાં આગેવાનોની ઉપસ્થિતિ — સંકલ્પ, સંગઠન અને સંદેશ

    આવેદન સોંપવા માટે ઉપસ્થિત આગેવાનોમાં સામેલ હતા:

    એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ (BKTS)

    એડવોકેટ રાજેશભાઈ

    એડવોકેટ નરેશભાઈ

    રમેશસિંહ ઠાકોર

    નિલેશસિંહ ઝાલા

    સંજયસિંહ ઝાલા

    આગેવાનોનું કહેવું છે કે—

    “સરકાર રોજગારની વાત કરે છે, પરંતુ નિયમો એવી રીતે ઘડાય છે કે OBC સમાજના હજારો યુવાનો રોજ આગળ વધતા અટકાઈ જાય છે. અમે ન્યાય માંગીએ છીએ, કોઈ વિશેષાધિકાર નહીં.”

    રાજ્યવ્યાપી તબક્કાવાર દબાણની શરૂઆત?

    મોડાસા ખાતે આપવામાં આવેલ આવેદન માત્ર એક વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ રાજ્યભરના OBC સમાજના ઉગ્ર ભાવ અને સંકલ્પનો જાહેર સંદેશ છે.

    આગેવાનોની સૂચના અનુસાર, આવેદનપ્રક્રિયા આગામી દિવસોમાં જિલ્લા-જિલ્લામાં વધુ મજબૂત બનાવાશે અને જરૂર પડે તો રાજ્યસ્તરીય આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે.

    વહીવટી તંત્રની પ્રતિસાદભાવ તપાસ હેઠળ

    કલેકટરશ્રી દ્વારા આવેદન પ્રાપ્ત કરી તેને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ OBC સમાજ હવે માત્ર “ફાઇલ આગળ ધપાવવાનું” નહીં, પણ નિર્ણયાત્મક ન્યાય અપેક્ષી રહ્યો છે.

  • કુણી ગામના SBI એટીએમ ફરી ચર્ચામાં! બેંક બંધ થાય ત્યારે એટીએમ પણ તાળાબંધ – ગ્રાહકો 8 કિમી દૂર પૈસા ઉપાડવા મજબૂર

    રિપોર્ટર: હસમુખભાઈ નાયક, કુણી – ખેડા ગળતેશ્વર

    🔒 SBI એટીએમ રાત્રે બંધ – 🏃‍♂️ ગ્રાહકોને 8 કિમી લાંબી દોડ! 🚫 ઇમર્જન્સીમાં પૈસા ઉપાડવામાં ભારે મુશ્કેલી

    ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા મુકાયેલ એટીએમ મશીન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. વર્ષોથી ચાલતી આવતી સમસ્યા છતાં આજે પણ રાત્રિના સમયે ગ્રાહકો એટીએમ સેવા મેળવી શકતા નથી, કારણ કે બેંક બંધ થાય ત્યારે એટીએમ કેબિનને પણ તાળા મારી દેવામાં આવે છે.

    કુણી ગામમાં લાંબા સમય પહેલાં SBI દ્વારા એટીએમ મશીન મૂકવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે એટીએમ બેંકની અંદર મુકાયેલ હોવાથી ગ્રાહકો માત્ર બેંકના સમય દરમિયાન જ પૈસા ઉપાડી શકતા હતા. ગ્રાહક રજૂઆતો બાદ એક વર્ષ પહેલાં એટીએમને બહારના કેબિનમાં મૂકવામાં આવ્યું હતું.

    પરંતુ હાલ ફરી એક જેવી સમસ્યા ઊભી થઈ છે—
    બેંક સાંજે બંધ થાય ત્યારે એટીએમ કેબિનને પણ તાળાબંધ કરી દેવામાં આવે છે, જેના કારણે રાત્રિ સમયે ઇમર્જન્સીમાં રૂપિયા ઉપાડવાની જરૂર પડે તો ગ્રાહકો મુશ્કેલીઓમાં મુકાય છે.

    કુણી ગામના લોકોને રાત્રિ સમયે 8 કિલોમીટર દૂર થમૅલ, સેવાલિયા અથવા બાલાસિનોર સુધી જઈને પૈસા ઉપાડવા પડે છે, જે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓ માટે મોટી સમસ્યા છે.

    સ્થાનિક ગ્રાહકોએ અનેક વખત બેંક મેનેજરને રજૂઆત કરી હતી. તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે:
    “હાલ અમારી પાસે રાત્ર્રી સુરક્ષા વ્યવસ્થા (Security Arrangement) નથી. બેંક મેનેજમેન્ટ સુરક્ષા ગોઠવશે ત્યાર પછી એટીએમ રાત્રે ખુલ્લું રાખી શકાશે.”

    પરંતુ લાંબા સમયથી બેંક દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ નથી.
    અત્યારે પ્રશ્ન એ છે કે—
    આ સમસ્યા ક્યારે દૂર થશે?
    ગ્રાહકોને 24×7 એટીએમ સેવા ક્યારે મળશે?

  • થરાદમાં પોલીસ પરિવારોનો ગર્જનાટ — ખાખી પર મળેલ ધમકી સામે જનઆક્રોશ

    રિપોર્ટર : કિરણ ચૌધરી, વાવ-થરાદ જિલ્લો

    જાહેર રેલીમાં મહિલાઓ, વેપારીઓ, પોલીસ પરિવારોનો ઉમળકો; જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું.

    વાવ-થરાદ :
    ખાખીધારી પોલીસસદસ્યોને મળેલી ગર્ભિત ધમકીનાં મામલે આજે થરાદમાં પોલીસ પરિવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતર્યા. શહેરમાં તંગદિલીનું માહોલ વચ્ચે પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મહિલા સંગઠન, વેપારી સંગઠન, દુકાનદારો અને પોલીસ કર્મચારીઓના પરિવારો હાજર રહ્યાં.

    આ રેલી દરમિયાન “જીગ્નેશ મેવાણી હાય હાય” ના નારા ગુંજ્યાં હતાં. સાથે જ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મહિલા અને વેપારી સંગઠનોએ આવેદનપત્ર પાઠવી સરકારને પગલાં લેવા વિનંતી કરી હતી.

    પટ્ટા ઉત્તરાવી દેવાના નિવેદનને લઈને ઉદ્ભવેલા વિવાદે સ્થાનિક સ્તરે ઉગ્રતા ફેલાવી છે. લોકોને લાગે છે કે આ પ્રકારના નિવેદનો ખાખીનો અપમાન કરે છે, જેના કારણે પોલીસ પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

    સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા અધિકારીઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે.
    આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રહી હતી પરંતુ લોકોએ પોતાની ભાવનાઓ સશક્ત રીતે વ્યક્ત કરી હતી.

  • બારડોલીના વાંકાનેર ગામે એલ.સી.બી.ની ધમાકેદાર રેડ: વરલી મટકા જુગારખાનામાંથી 13 શખ્સ ઝડપાયા

    રીપોર્ટર: તુષાર કમાણી, સુરત

    સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે બારડોલી તાલુકાના વાંકાનેર ગામના વાડી ફળીયા વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકા જુગાર પર સફળ રેડ કરી મોટી કાર્યવાહી અંજામ આપી છે. મુંબઈથી ચલાવાતું આ વરલી મટકા સર્કિટ અહીંથી ઑપરેટ થતું હોવાની માહિતીના આધારે પોલીસે છાપો મારી જુગાર રમાડનાર તેમજ જુગાર રમનાર સહિત કુલ 13 શખ્સોને ઝડપી પાડ્યા છે.

    કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા, મોબાઇલ ફોન, બાઈક, ટેબલેટ, લેપટોપ સહિત કુલ રૂ. 3,96,260 નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

  • ધારીથી દલખાણીયા ચેકપોસ્ટ સુધી રૂ. 35 કરોડના નવા રોડનું ખાતમુહૂર્ત

    અહેવાલ — પંકજ તેજાણી, ધારી

     

    ધારી તાલુકાના દલખાણીયા ખાતે નવી રોડવેએના નિર્માણ કાર્યનો શુભારંભ; જિલ્લા આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર

    ધારી તાલુકાના દલખાણીયા ખાતે ધારીથી દલખાણીયા ચેકપોસ્ટ સુધી રૂ. 35 કરોડના ખર્ચે બનેલા નવા રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. આ રોડ તૈયાર થવાથી ધારી–દલખાણીયા માર્ગ પર પરિવહન વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.

    કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી, ધારી તાલુકા ભાજપ અધ્યક્ષ મૃગેશભાઈ કોટડીયા, જિલ્લા પંચાયતના આગેવાનો, પક્ષના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    નવા રોડના નિર્માણ બાદ ગ્રામ્ય વિસ્તારોના રોજિંદા સંચાર, વેપાર-વ્યવહાર અને વિકાસના કાર્યોને નવો વેગ મળશે એવી સ્થાનિક આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.

  • મહીસાગર જિલ્લામાં ચાર માર્ગીય હાઇવેનું કામ શરૂ — મુસાફરોમાં ખુશીની લહેર

    દિલીપભાઈ બારીઆ મહીસાગર

    મહીસાગર:
    મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા લુણાવાડાથી સંતરામપુર તરફ જતા મુખ્ય હાઇવેના વિસ્તરણનું મહત્વપૂર્ણ કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ રાફઈ ગામથી લુણાવાડા તરફના માર્ગ પર ફોર લેન (ચાર માર્ગીય) રસ્તા બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

    આ હાઇવે મહીસાગરનું એક મુખ્ય જોડાણ માર્ગ છે, જે લુણાવાડા – સંતરામપુર – બાસવાડા – દાહોદ – કડાણા – રાજસ્થાન જેવા વિસ્તારોને જોડે છે. આ કારણે આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર રહેતો હોય, વર્ષોથી માર્ગના વિસ્તરણની માંગ ઉઠતી હતી.

    વિભાગે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરતાં સ્થાનિકો, વાહનચાલકો અને મુસાફરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરલેન માર્ગ તૈયાર થયા બાદ આ વિસ્તારમાં મુસાફરી વધુ આરામદાયક, ઝડપી અને સુરક્ષિત બનવાની શક્યતાઓ વધી ગઈ છે.

    સરકારની યોજનામાં આ માર્ગ પર આગલા સમયમાં વધુ સુવિધાઓ — જેમ કે ડિવાઇડર, સ્ટ્રિટલાઇટ્સ, સેફ ઝોન, સર્વિસ રોડ તથા અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર — ઉમેરવાની પણ તૈયારી છે.

    સ્થાનિકોમાંથી મળતી પ્રતિક્રિયા મુજબ, આ વિકાસ કાર્ય પૂર્ણ થતાં વેપાર, પ્રવાસન અને રોજગારની નવી તકો પણ વધશે.

  • ભરૂચ: સાંસદ મનસુખ વસાવાની પશ્ચિમ રેલવે GM સાથે બેઠક — ભરૂચને વંદે ભારત સહિત 4 ટ્રેનોના સ્ટોપેજ માટે ઉગ્ર રજૂઆત

    રિપોર્ટર : મહુલ પટેલ, ભરૂચ

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રેલવેના અનેક પેન્ડિંગ મુદ્દાઓ ઉપરાંત ભરૂચ ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે સાંસદે તીવ્ર અને દ્રઢ રજૂઆત કરી હતી.

    સાંસદે ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લાનાં રેલવે સ્ટેશનો પર ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

    સાંજે 6 થી 9 વચ્ચે અપ-ડાઉન કરનાર નોકરિયાત વર્ગની મોટી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સમય દરમિયાન રેગ્યુલર ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા અને નવી ટ્રેનો શરૂ કરવા પણ સાંસદે માંગ કરી હતી. અંકલેશ્વર–ભરૂચ રેલવે સ્ટેશનો પરનાં અધૂરાં કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ GMને તાકીદ કરવામાં આવી.

    કઈ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગણી કરાઈ?

    વંદે ભારત

    સૂર્યનગરી એક્સપ્રેસ

    ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ

    મેમુ ટ્રેન

  • આંકોલવાડી કન્યા શાળા અને શિક્ષક નિશાંતભાઈ મહેતાને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સમાં ગૌરવપૂર્ણ સ્થાન

    રીપોર્ટર: મયુર મહેતા તલાલા ગીર

    ગીરસોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામ માટે ગૌરવનો ક્ષણ સર્જાયો છે. પ્લાસ્ટિક મુક્ત શાળા–પ્લાસ્ટિક મુક્ત ગામ–પ્લાસ્ટિક મુક્ત દેશ અભિયાન અંતર્ગત અનોખું અને વાસ્તવિક જીવનમાં અમલયોગ્ય કાર્ય પાર પાડવા બદલ આંકોલવાડી કન્યા શાળા તથા શિક્ષક શ્રી નિશાંતભાઈ એમ. મહેતાને પ્રતિષ્ઠિત World Wide Book of Recordsમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

    1500 જેટલી પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરી અનોખી પહેલ

    શિક્ષક નિશાંતભાઈએ શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ વિષે જાગૃતિ ફેલાવતા અને સાથે–સાથે પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની જંગી અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન દરમ્યાન લગભગ 1500 જેટલી પ્લાસ્ટિક બોટલો સચોટ આયોજન સાથે એકત્રિત કરવામાં આવી હતી.

    વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનું નુકસાન, પર્યાવરણને થતા જોખમ અને રિસાયકલિંગની મહત્વતાની સમજ અપાવી આ અભિયાનને એક સામાજિક આંદોલન તરીકે ઉભું કરવામાં આવ્યું હતું.

    ગીરસોમનાથ જિલ્લાના નામે ઉમેરાયું ગૌરવ

    આ અનોખી કામગીરીને આંતરરાષ્ટ્રીય મંચે માન્યતા મળતાં ગીરસોમનાથ જિલ્લાનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય પાટિયામાં ઝગમગી ઉઠ્યું છે. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

    શાળાની ટુકડી બને પર્યાવરણ રક્ષક

    આંકોલવાડી કન્યા શાળા હવે “પર્યાવરણ મૈત્રી શાળા” તરીકે ઓળખાવા લાગી છે. વિદ્યાર્થીઓએ માત્ર બોટલ એકત્રિત નહિ કરી, પણ ગામમાં ઘેરઘેર જઈ

    સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમ,

    પ્લાસ્ટિકના વિકલ્પો,

    સ્વચ્છતા અને રિસાયકલિંગ અંગે

    જાગૃતિ ફેલાવી હતી.

    સમાજને પ્રેરણા આપતું ઉદાહરણ

    શિક્ષક નિશાંતભાઈ મહેતાની આગેવાનીમાં ચાલેલું આ અભિયાન બતાવે છે કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓની ટુકડી સમાજમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. આ સિદ્ધિ માત્ર રેકોર્ડ પૂરતી નથી, પરંતુ પર્યાવરણ માટેની હકારાત્મક વિચારસરણી અને જવાબદારીનો સંદેશ આપે છે.

    વિશેષ તરીકે, આ માન્યતા પ્રાપ્ત થવાથી શાળાએ આગામી દિવસોમાં વધુ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

  • સાબરકાંઠામાં મતદાર યાદી સઘન સુધારણા: તમામ મતદાન મથકો પર 22–23 નવેમ્બરે ખાસ કેમ્પો

    રિપોર્ટર: કુલદીપ ભાટીયા, સાબરકાંઠા

    સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદીને વધુ ચોક્કસ, પારદર્શક અને ભૂલરહિત બનાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા “મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ” અંતર્ગત આગામી 22 અને 23 નવેમ્બર 2025ના રોજ તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પો યોજાશે. આ અભિયાનનો હેતુ 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે પાત્ર મતદારોનો 100% સમાવેશ કરાવવાનો છે.

    પાત્ર મતદારો છૂટી ન જાય, અને અપાત્રનો સમાવેશ ન થાય—ચૂંટણી પંચની પ્રાથમિકતા

    મતદાર યાદીમાં અનેક વખત મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જુદી જગ્યાએ નામ ધરાવતા લોકોના નામ યથાવત રહેતા હોય છે. આ સ્થિતિને નિવારવા માટે ચૂંટણી પંચે આ સઘન અભિયાન ચલાવ્યું છે, જેમાં આવા “ડુપ્લિકેટ” અને “અપાત્ર” નામોને યાદીમાંથી દૂર કરાશે. સાથે–સાથે નવા પાત્ર નાગરિકો, ખાસ કરીને 18 વર્ષ પૂરા કરનારા યુવાનોને મતદાર યાદીમાં જોડવા માટે પ્રોત્સાહિત પાડવામાં આવશે.

    ખાસ કેમ્પોમાં બી.એલ.ઓની હાજરી — સમય: સવારે 9 થી બપોરે 1

    જિલ્લાના દરેક મતદાન મથક પર બંન્ને દિવસો દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 9.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી હાજર રહેશે. તેઓ મતદારોને નીચેની બાબતોમાં માર્ગદર્શન અને સહાયતા કરશે:

    ફોર્મ-6 (નવું નામ ઉમેરવા), ફોર્મ-7 (નામ કમી કરાવવા), ફોર્મ-8 (સુધારા) ભરવાની મદદ

    મતદાર યાદીમાં પોતાના નામની પુષ્ટિ

    2026ની સુધારેલી યાદીમાં શામેલ થવા જરૂરી પુરાવા અંગે માર્ગદર્શન

    ઓળખપત્ર, સરનામા પુરાવા વગેરે ચકાસણી

    નવા મતદારો માટે વિશેષ તક

    જેઓનું નામ 2025ની અથવા અગાઉની મતદાર યાદીમાં ન હોઈ, એ નાગરિકો માટે આ ખાસ દિવસો મતદાર બનીને લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની મહત્વપૂર્ણ તક છે. 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાઓ માટે BLO તમામ માર્ગદર્શન અને ફોર્મ ભરી લેવામાં સહાયતા કરશે.

    ચૂંટણી વ્યવસ્થાની પારદર્શકતા વધારવાનો પ્રયાસ

    મતદાર યાદીની ભૂલમુક્તતા ચૂંટણી પ્રણાલીની પાયાની બાબત છે. ખોટી અથવા અધૂરી યાદી મતદાનના હક્કને પ્રભાવિત કરે છે. તે કારણે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા વ્યાપક તૈયારીઓ શરૂ કરાઈ છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા અને શાસકીય તંત્રને પણ સક્રિય રીતે કેમ્પોમાં સહકાર આપવા સૂચના અપાઈ છે.

    સ્થાનિક મતદારોમાં પણ ખાસ કેમ્પ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી પેન્ડિંગ સુધારાઓ તેમજ નવા નામ ઉમેરાવાના કામો હવે સરળતાથી થઈ શકશે.

  • મહીસાગર: ગ્રામ્ય રસ્તાઓ પર જંગલી વનસ્પતિઓની સાફ–સફાઈ શરૂ, વાહનચાલકોને મળી રાહત

    રિપોર્ટર: દિલીપભાઈ બારીઆ, મહીસાગર

    મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે અંતે ગ્રામ્ય રસ્તાઓ પર ઉગેલા જંગલી ઝાડ–ઝાંખરા અને વનસ્પતિઓને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી લુણાવાડા તાલુકાના વરધરી, ઢેસિયા, ભલાડા સહિતના વિસ્તારોમાં રસ્તાઓની બાજુએ ઊગી આવેલા ઝાંખરાઓને કારણે વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી હતી.

    આ જંગલી વનસ્પતિઓ રસ્તા પર વળાંક સમયે દૃશ્યાવલિ ઢાંકી દેતી હોવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી. ઘણા સ્થળોએ તો બે વાહનો ક્રોસિંગ સમયે “તું તુ મેં મે” જેવી પરિસ્થિતિ સર્જાતી હતી.

    પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈ ઝાડી–ઝાંખરા કટિંગ અને સાફ–સફાઈની કામગીરી હાથ ધરી છે. હાલમાં અનેક સ્થળોએ મશીનરીની મદદથી ઘાસ–ઝાંખરા દૂર કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

    સ્થાનિક રહેવાસીઓ અનુસાર, ઘણા સમયથી આ રસ્તાઓ જોખમી બની ગયા હતા. હવે સાફ–સફાઈ શરૂ થતાં આવનજાવન સરળ બનશે અને અકસ્માતના જોખમમાં ઘટાડો થશે એવી આશા છે.