ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 2102ના એન્જિનમાં ઉડાન ભર્યાના થોડા સમય બાદ ટેક્નિકલ ખામીની જાણ થતાં ફ્લાઇટને ગોવા તરફ પરત વાળવામાં આવી હતી. ફ્લાઇટે સવારે આશરે 9:16 વાગ્યે ઉડાન ભરી હતી અને 9:30 વાગ્યે ગોવાના મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, પરત ફરવાનું શરૂ કર્યું ત્યારે વિમાન આશરે 14 હજાર ફૂટની ઊંચાઈએ હતું.
મુસાફરોને ટેક્નિકલ ખામીની જાણ નહોતી
ફ્લાઇટમાં કેટલા મુસાફરો સવાર હતા અને એન્જિનમાં કયા પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી તેની વિગતવાર માહિતી હાલ સામે આવી નથી. મળતી માહિતી મુજબ, ફ્લાઇટમાં સવાર મુસાફરોને ટેક્નિકલ ખામી અંગે જાણ કરવામાં આવી ન હતી. જોકે, પાઇલટ્સે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી.
SOP મુજબ પાઇલટે ફ્લાઇટને ગોવા પરત વાળી
ઘટના અંગે ઈન્ડિગોએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2026ના રોજ નોર્થ ગોવાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટ 6E 2102માં ઉડાન ભર્યાના થોડા સમય બાદ ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. એરલાઇનના જણાવ્યા મુજબ, SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
મનોહર એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ
ટેક્નિકલ ખામીની જાણ થયા બાદ પાઇલટ્સે વિમાનને પાછું મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળ્યું હતું. ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હાલ એન્જિનમાં સર્જાયેલી ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Leave a Reply