Blog

  • અમદાવાદમાં બિલ્ડિંગ મંજૂરીના નિયમો કડક: વરસાદી પાણીનું નેટવર્ક નહીં હોય તો પ્રોજેક્ટ અટકી શકે

    અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ્સનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. શહેરના વિસ્તારોમાં ઝડપથી થઈ રહેલા બાંધકામ વચ્ચે હવે બિલ્ડરો માટે નિયમોનું પાલન વધુ મહત્વનું બનશે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા વિના બિલ્ડિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવાના મામલે તંત્ર કડક અભિગમ અપનાવી રહ્યું છે. હવે કોઈ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નેટવર્ક ઉપલબ્ધ નહીં હોય તો તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની મંજૂરી અટકી શકે છે. નવી બિલ્ડિંગ મંજૂરી પ્રક્રિયામાં ડ્રેનેજ તેમજ સ્ટોર્મ વોટર એટલે કે વરસાદી પાણીના નેટવર્કને પણ ધ્યાનમાં લેવામાં આવશે. માત્ર બાંધકામ માટેની જગ્યા અને અન્ય જરૂરી મંજૂરીઓ પૂરતી નહીં રહે, પરંતુ પ્રોજેક્ટ જે વિસ્તારમાં બની રહ્યો છે ત્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી યોગ્ય છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ નિર્ણય પાછળ ચોમાસા દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સર્જાતી જળભરાવની સ્થિતિને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.

    બોપલ, ઘુમા અને શેલામાં 5 દિવસ સુધી પાણી ભરાયા

    તાજેતરમાં બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. 23 અને 24 જુલાઈના રોજ આ વિસ્તારોમાં આશરે 10થી 18 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેના પગલે લગભગ 300 જેટલા સ્થળોએ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને લાંબો સમય લાગ્યો હતો.

    બોપલ અને ઘુમાની અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું. આ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં અંદાજે ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે શેલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની હતી અને પાણી કાઢવામાં લગભગ પાંચ દિવસનો સમય લાગ્યો હતો.

    15 વર્ષથી શેલામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન

    શેલાનું ઉદાહરણ આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે શેલાને વર્ષ 2009માં ઓડામાં સામેલ કરવામાં આવવાનું હતું. તેમ છતાં, લાંબા સમય બાદ પણ અહીં વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા ઉભી થઈ નથી. પરિણામે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની જાય છે.

    134 કરોડના સ્ટોર્મ વોટર અને 240 કરોડના ડ્રેનેજ પ્લાન

    ઘુમા, શેલા, ગોધાવી અને મણિપુર જેવા વિસ્તારોમાં જળભરાવની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2024માં ઓડાએ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ વિસ્તારો માટે આશરે 134 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર નેટવર્ક અને 240 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.

    હવે વરસાદી પાણીના નિકાલના નેટવર્કને બિલ્ડિંગ મંજૂરી સાથે જોડવાનો અભિગમ અપનાવવામાં આવતા બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારોમાં બાંધકામની મંજૂરી પ્રક્રિયા પર તેની સીધી અસર જોવા મળી શકે છે. એક તરફ શહેરમાં સતત વધી રહેલા બાંધકામ અને બીજી તરફ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા વચ્ચે તંત્રનો આ નિર્ણય જળભરાવની સમસ્યા ઘટાડવા માટે કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

     

  • LPG e-KYC માટે 16 ઓગસ્ટની ડેડલાઇન, જાણો ઘરે બેઠા કેવી રીતે પૂર્ણ કરશો પ્રક્રિયા

    LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે હજુ સુધી LPG કનેક્શનની e-KYC કરાવી નથી, તો 16 ઓગસ્ટ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. ઇન્ડેન, HP અને ભારત ગેસના ગ્રાહકોને કંપનીઓ દ્વારા SMS અને સોશિયલ મીડિયા મારફતે e-KYC પૂર્ણ કરવા માટે એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

    16 ઓગસ્ટની ડેડલાઇન ભૂલશો નહીં

    ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર e-KYCને લઈને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ગ્રાહકોને નિર્ધારિત સમયમર્યાદામાં e-KYC પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.ગ્રાહકોને છેલ્લી તારીખની રાહ જોયા વગર e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી LPG કનેક્શન સંબંધિત સેવાઓમાં મુશ્કેલી ન સર્જાય.

    LPG સિલિન્ડરના ભાવ કેટલા?

     14 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં એક સિલિન્ડરનો ભાવ ₹942, કોલકાતામાં ₹968, મુંબઈમાં ₹941.50 અને ચેન્નઈમાં ₹957.50 હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પાત્ર લાભાર્થીઓને દર વર્ષે ચાર LPG સિલિન્ડરના રિફિલ પર ₹300ની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સબસિડી આપવામાં આવે છે.

    ઘરે બેઠા પણ કરી શકાશે e-KYC

    LPG ગ્રાહકો ઘરે બેઠા પણ e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઇન્ડેનના ગ્રાહકો માટે IndianOil One એપ મારફતે e-KYC કરવાની સુવિધા ઉપલબ્ધ છે.આ ઉપરાંત ગ્રાહકો પોતાના LPG ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને અથવા સિલિન્ડરની ડિલિવરી કરવા આવતા કર્મચારી મારફતે પણ e-KYC કરાવી શકે છે.જો તમે હજુ સુધી LPG e-KYC પૂર્ણ કરી નથી, તો છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી લેવી વધુ યોગ્ય રહેશે.

  • અમદાવાદ ન્યૂ રાણીપમાં PCBનો દરોડો: ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો પર્દાફાશ, ₹38.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં PCB દ્વારા મોટી કાર્યવાહી કરીને રહેણાંક ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કલાસાગર હાઈટ્સના બ્લોક નંબર H/501માં PCBની ટીમે દરોડો પાડીને રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ ₹38,15,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    PCBની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પાંચમા માળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર કેટલાક લોકો જુગાર રમતા મળી આવતા પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

    પોલીસની પૂછપરછમાં ફ્લેટ માલિક ગૌતમ કાંતિ પટેલે બહારથી લોકોને બોલાવી પોતાના ફ્લેટમાં જુગાર રમાડતો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિ પાસેથી ₹12 હજાર લઈને જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે.

    રોકડ સહિત વાહનો અને મોબાઈલ જપ્ત

    પોલીસે સ્થળ પરથી ₹3,55,100 રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત જુગારમાં રકમ હારી ગયા બાદ ગીરવે મૂકીને ફરી રમવા માટે ઉપયોગમાં લેવાતા 10 મોબાઈલ ફોન, 3 ફોર-વ્હીલર અને 1 ટુ-વ્હીલર પણ કબજે કરવામાં આવ્યા છે.

    દરોડા દરમિયાન જુગાર રમવાના 104 પાના, 13 કોરા ચેક સ્લિપ, 4 ગાદલા, એક એલ્યુમિનિયમનું તગારું અને પુરાવા તરીકે એક લાઇટ બિલ પણ મળી આવ્યું હતું.

    PCBએ કુલ ₹38.15 લાખના મુદ્દામાલ સાથે ફ્લેટ માલિક સહિત અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

     

  • દિલ્હી NDAની ‘મંગલ મિલન’ બેઠકમાં ‘વંદે માતરમ’ના નારા, PM મોદી સહિત નેતાઓએ લહેરાવ્યો તિરંગો

    રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે NDAના સાંસદોની ‘મંગલ મિલન’ બેઠકની શરૂઆત ‘વંદે માતરમ’ના નારા સાથે થઈ હતી. સંસદ પુસ્તકાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત NDAના અન્ય નેતાઓ તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.બેઠક દરમિયાન સંસદના આગામી કામકાજ અને NDAની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. NDA સાંસદોએ સંસદ પરિસરમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ઝારખંડ સરકાર સામે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

    NDA સાંસદો દ્વારા સંસદમાં પોસ્ટરો સાથે પહોંચવાની પણ તૈયારી કરવામાં આવી હતી. જેમાં સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવા છતાં વિપક્ષ સંસદમાં ચર્ચાથી દૂર રહેતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

    ગત અઠવાડિયે મળેલી ‘મંગલ મિલન’ બેઠક બાદ ભાજપના સાંસદોએ સરકારની સિદ્ધિઓ, રોજગાર, રમતગમત, આર્થિક વિકાસ અને સંસદીય કામગીરી અંગે વાત કરી હતી. ભાજપ સાંસદ દિનેશ શર્માએ ભારતની રોજગાર સ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો હતો અને સરકારની નીતિઓના પરિણામે 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું.

    ભાજપ સાંસદ મનોજ તિવારીએ બેઠકમાં વિવિધ વિકાસ યોજનાઓ અને સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે વિપક્ષ પર સંસદીય કાર્યવાહી ખોરવવાનો આરોપ પણ લગાવ્યો હતો. NDA સાંસદોએ જરૂરી બિલો પસાર થાય તે માટે સંસદની કાર્યવાહી દરમિયાન પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો હોવાનું પણ જણાવાયું હતું.

    ‘મંગલ મિલન’ બેઠકનો હેતુ શું?

    ‘મંગલ મિલન’ બેઠકને NDA સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠકના નવા સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ NDAના સાથી પક્ષો વચ્ચે સંકલન વધારવાનો, સંસદના કામકાજ માટે ફ્લોર સ્ટ્રેટેજી તૈયાર કરવાનો અને વિવિધ મુદ્દાઓ પર સાથી પક્ષો વચ્ચે વધુ સારી રીતે ચર્ચા તથા સર્વસંમતિ બનાવવાનો છે.

    બેઠકમાં NDAના વિવિધ સાથી પક્ષોના સાંસદોની ભાગીદારી વધારવા સાથે સંસદીય કામગીરીમાં તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે.

  • ગુજરાતમાં મેઘમહેરનો કહેર! 81 તાલુકામાં વરસાદ, શહેરા-કોઠંબામાં જળબંબાકાર

    ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5 ઇંચ જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    કોઠંબામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
    મહીસાગરના કોઠંબામાં છેલ્લા બે કલાક દરમિયાન જ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલના શહેરામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

    13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
    હવામાન વિભાગ દ્વારા બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને 41 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા છે.

    અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
    જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    અમદાવાદ-ગાંધીનગરમાં પણ મેઘમહેર
    અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં શહેરમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરા સહિતના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું.વરસાદના કારણે સોલા, એસ.જી. હાઇવે અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હતી, જેના પગલે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

    13 ઓગસ્ટ બાદ ફરી વરસાદનું જોર વધવાની શક્યતા
    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદની શક્યતા છે.
    14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સર્જાનારી લો-પ્રેશર સિસ્ટમની અસરથી 17થી 19 ઓગસ્ટ અને 22થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી ઝાપટાંનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.
    આ ઉપરાંત 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત બાદ પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

     

  • ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ

    ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

    ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ
    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. જોકે હવે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગાજવીજ, તેજ પવન અને સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક હવામાન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

    8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા
    હવામાન વિભાગના અનુમાન મુજબ 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    • ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય
    • 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ
    • સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આગાહી
    • ગાજવીજ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા
    • માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
    • રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 16% વધુ વરસાદ નોંધાયો

    7 ઓગસ્ટે આ વિસ્તારોમાં વરસાદ
    7 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે.

    30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
    આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

    રાજ્યમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ
    ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી 480.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 416 મિમી રહે છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં લગભગ 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સક્રિય હવામાન સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

  • બેંક ઓફ બરોડા અને DRDOનો ડેટા લીક: તમારી વ્યક્તિગત માહિતી કેટલા જોખમમાં? જાણો સમગ્ર મામલો

    દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક ગણાતી બેંક ઓફ બરોડા સાથે જોડાયેલા સંભવિત ડેટા લીકના દાવાએ બેંકિંગ અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં ચિંતા વધારી છે. એક સાયબર હુમલાખોરે દાવો કર્યો છે કે તેણે બેંકનો અંદાજે 1TB સંવેદનશીલ ડેટાપોતાના કબજામાં લીધો છે અને તે ડાર્ક વેબ પર ઉપલબ્ધ કરાવ્યો છે. જો કે, બેંક ઓફ બરોડાએ આ દાવા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે બેંકની કોર બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેંકના જણાવ્યા મુજબ આ ઘટના માત્ર એક કર્મચારીના ઈ-મેલ એકાઉન્ટ સાથે સંબંધિત છે અને સમગ્ર બેંકિંગ સિસ્ટમ પર તેની કોઈ અસર થઈ નથી.

    બેંક ઓફ બરોડા અને DRDOનો ડેટા લીક: તમારી વ્યક્તિગત માહિતી કેટલી સુરક્ષિત?

    બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, KYC વિગતો, સરનામું, મોબાઇલ નંબર અને અન્ય વ્યક્તિગત માહિતી આજના ડિજિટલ યુગમાં સૌથી કિંમતી સંપત્તિ બની ગઈ છે. તાજેતરમાં બેંક ઓફ બરોડા અને DRDO સાથે જોડાયેલા ડેટા લીકના અહેવાલોએ દેશભરમાં સાયબર સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડેટા લીક થવાની સૌથી મોટી પાછળનું કારણ માનવીય ભૂલો, નબળી સુરક્ષા વ્યવસ્થા અને હેકર્સ દ્વારા કરવામાં આવતા ફિશિંગ હુમલા છે.

    બેંક ઓફ બરોડાનો ડેટા કેવી રીતે લીક થયો?

    પ્રાથમિક માહિતી મુજબ, બેંક ઓફ બરોડાની સંપૂર્ણ બેન્કિંગ સિસ્ટમ હેક થઈ નહોતી. પરંતુ એક કર્મચારીનું ઈ-મેલ એકાઉન્ટ હેક થતાં તેની સાથે જોડાયેલા શેર ડ્રાઇવ અને KYC સંબંધિત દસ્તાવેજો સુધી હેકર્સ પહોંચી ગયા હતા. ત્યારબાદ આ ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.

    DRDOના ડેટા અંગે શું માહિતી?

    DRDOના ડેટા લીક મામલે તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં તેને સંભવિત સ્ટેટ-સ્પોન્સર્ડ સાયબર એટેક તરીકે જોવામાં આવી રહ્યો છે. આવા હુમલાઓમાં વિદેશી એજન્સીઓ અથવા સંગઠનો મહત્વપૂર્ણ ટેક્નિકલ અને રક્ષણાત્મક માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

    સાયબર સુરક્ષા માટે રાખો આ બાબતોનું ધ્યાન

    • અજાણી લિંક અથવા ઈ-મેલ અટેચમેન્ટ પર ક્લિક ન કરો.
    • દરેક એકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખો.
    • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્રિય કરો.
    • OTP, CVV અથવા પાસવર્ડ કોઈની સાથે શેર ન કરો.
    • બેંક અથવા સરકારી સંસ્થાના નામે આવતા શંકાસ્પદ કોલથી સાવચેત રહો.
    • નિયમિત રીતે પાસવર્ડ બદલો અને સોફ્ટવેર અપડેટ રાખો.

    ડાર્ક વેબ શું છે?

    ડાર્ક વેબ ઇન્ટરનેટનો એવો ભાગ છે જ્યાં સામાન્ય સર્ચ એન્જિનથી પહોંચી શકાતું નથી. અહીં ચોરાયેલો ડેટા, ગેરકાયદેસર માહિતી અને અન્ય ગેરકાયદેસર વ્યવહારો થતા હોવાના અહેવાલો મળતા રહે છે. હેકર્સ અહીં બેંકિંગ, KYC અને વ્યક્તિગત માહિતી વેચવાનો પ્રયાસ કરે છે.

    ડેટા લીકથી તમને શું જોખમ?

    જો વ્યક્તિગત માહિતી હેકર્સ સુધી પહોંચે તો તેઓ તેનો ઉપયોગ કરીને ફિશિંગ, સોશિયલ એન્જિનિયરિંગ, નકલી બેંક કોલ, OTP ફ્રોડ અને અન્ય ઓનલાઈન ઠગાઈ કરી શકે છે. તેથી કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવી અને પોતાની વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરવી અત્યંત જરૂરી છે.

    સરકાર શું કરી રહી છે?

    ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારી CERT-In (Computer Emergency Response Team-India) જેવી એજન્સીઓ સંભાળે છે. આવી એજન્સીઓ સાયબર હુમલાની તપાસ, અસરનું મૂલ્યાંકન અને સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરે છે.

  • વડોદરા SSG હોસ્પિટલમાંથી ફરાર થયેલો પોક્સો કેસનો આરોપી 11 કલાકમાં ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ પાસેથી દબોચ્યો

    વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ અને પોક્સો કેસનો આરોપી ગોવિંદ રમેશભાઈ મહોણીયા ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલતાં જ પોલીસ કર્મચારીને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થઈ ગયો હતો. રાવપુરા પોલીસ અને ડ્રોનની મદદથી પાંચ કલાકની શોધખોળ બાદ પણ તે હાથ લાગ્યો નહોતો. આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે 11 કલાકમાં જ આરોપીને છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

    સારવાર દરમિયાન હાથકડી ખોલતા જ ભાગી ગયો
    પોલીસના જણાવ્યા અનુસાર, ગોવિંદ મહોણીયા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. ચામડીની તકલીફને કારણે 6 ઓગસ્ટે તેને પોલીસ જાપ્તા હેઠળ SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના વોર્ડ નંબર-5 પાસે ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતા આરોપીએ તકનો લાભ લઈ પોલીસ કર્મચારીને ધક્કો મારી ફિલ્મી અંદાજમાં ફરાર થઈ ગયો હતો.

    • વડોદરાની SSG હોસ્પિટલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
    • ઈન્જેક્શન આપવા હાથકડી ખોલતા પોલીસને ધક્કો મારી ભાગ્યો
    • ડ્રોન અને સર્ચ ઓપરેશન છતાં 5 કલાક સુધી હાથ લાગ્યો નહીં
    • હોસ્પિટલ નજીકની નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો આરોપી

    ડ્રોનથી શોધખોળ છતાં પોલીસને સફળતા મળી નહીં
    ફરાર થયા બાદ આરોપી હોસ્પિટલ નજીક આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હોવાની માહિતી મળતા રાવપુરા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. ડ્રોન કેમેરા અને જાહેર અનાઉન્સમેન્ટની મદદથી લગભગ પાંચ કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ આરોપી હાથ લાગ્યો નહોતો. ઘટનાને લઈને BNS કલમ 262 હેઠળ અલગ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

    ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
    બાદમાં તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પોતાના રહેઠાણ નજીક આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. છાણી કેનાલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રે આશરે 10:30 વાગ્યે આરોપી ત્યાં પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઘેરીને ઝડપી લીધો.

    આરોપીને ફરી પોલીસ કસ્ટડીમાં સોંપાયો
    ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી ફરાર થયેલો આરોપી 11 કલાકમાં જ ઝડપાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

  • શેહજાદ પૂનાવાલાના ભાજપ છોડ્યાના અહેવાલોથી રાજકીય ચર્ચા ગરમ, સત્તાવાર પુષ્ટિ બાકી

    શેહજાદ પૂનાવાલાને લઈને રાજકીય અટકળો તેજ

    ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ પાર્ટીને રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે ભાજપના શીર્ષ નેતૃત્વને પોતાનું રાજીનામું મોકલ્યું હોવાનું કહેવાય છે.
    જોકે, આ માહિતીની ભાજપ અથવા શેહજાદ પૂનાવાલા તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
    X બાયોમાંથી ભાજપનો ઉલ્લેખ હટાવ્યો
    અહેવાલો વચ્ચે શેહજાદ પૂનાવાલાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરનું બાયો અપડેટ કર્યું છે. નવા બાયોમાં ભાજપનો ઉલ્લેખ જોવા મળતો નથી.
    તેમણે પોતાના બાયોમાં પોતાને “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજીવન અનુયાયી” તરીકે વર્ણવ્યા છે અને ધર્મ, સંસ્કૃતિ તથા લેખક તરીકેની ઓળખ જાળવી રાખી છે.
    રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો હોવાનો દાવો
    મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે શેહજાદ પૂનાવાલાએ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે.
    જો કે, રાજીનામું સ્વીકારાયું છે કે નહીં અથવા તેમના ભવિષ્યના રાજકીય નિર્ણય અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
    2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા
    શેહજાદ પૂનાવાલાએ વર્ષ 2017માં કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
    તે સમયે તેમણે કોંગ્રેસના આંતરિક ચૂંટણી પ્રણાલીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ પાર્ટીના મુખ્ય ટીવી ડિબેટર્સ અને પ્રવક્તાઓમાં સામેલ રહ્યા હતા.
    પોડકાસ્ટમાં રાજકારણ છોડવાના સંકેતો આપ્યા હતા
    તાજેતરમાં એક પોડકાસ્ટમાં શેહજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ તેઓ સક્રિય રાજકારણમાંથી દૂર થવાનો વિચાર કરી રહ્યા હતા.
    તેમણે કહ્યું હતું કે તેઓ 2006થી સક્રિય રાજકારણમાં છે અને લાંબા સમયથી જાહેર જીવનમાં કાર્યરત છે. જોકે બાદમાં તેમણે મહત્વપૂર્ણ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકારણમાં યથાવત રહેવાનો નિર્ણય લીધો હોવાનું પણ જણાવ્યું હતું.
    સત્તાવાર નિવેદનની રાહ
    શેહજાદ પૂનાવાલાના રાજીનામાના અહેવાલોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે ભાજપ અથવા શેહજાદ પૂનાવાલા તરફથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આ અહેવાલોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
  • ઓડિશામાં મહાનદીનું રૌદ્ર સ્વરૂપ: 20 જિલ્લામાં પૂરનો કહેર, 7 લાખથી વધુ લોકો પ્રભાવિત

    મહાનદીમાં પાણીની સતત આવકથી ઓડિશામાં સ્થિતિ ગંભીર

    ઓડિશામાં ભારે વરસાદ બાદ મહાનદી અને તેની મુખ્ય શાખા કાઠજોડી નદીમાં પાણીની સતત આવકને કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. મુંડલી અને નરાજ બેરેજ નજીક જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી છે.
    અધિકારીઓના જણાવ્યા મુજબ મુંડલી ખાતે લાખો ક્યુસેક પાણીનો પ્રવાહ નોંધાયો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં ઘૂસ્યા પૂરના પાણી
    મહાનદીનું જળસ્તર વધતાં પ્રસિદ્ધ ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી પ્રવેશી ગયું, જેના કારણે મંદિર પ્રશાસને મા ભટ્ટારિકાની મૂર્તિને અસ્થાયી સ્થળે ખસેડી હતી.
    બડંબા વિસ્તારના કેટલાક ભાગોમાં તટબંધને નુકસાન પહોંચતાં ખેતીની જમીનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
    પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધબલેશ્વર, ભટ્ટારિકા અને સિંહનાથ પીઠ વિસ્તારમાં BNSની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.
    અનેક ગામો સંપર્કવિહોણા, બચાવ કામગીરી તેજ
    બાંકી-ડંપડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર 3થી 5 ફૂટ સુધી પાણી ફરી વળતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
    વહીવટી તંત્રે આઠગઢ, બાંકી, કટક સદર અને કટક શહેર વિસ્તારમાંથી હજારો લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
    પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF, ODRAF અને ફાયર સર્વિસની ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે.
    20 જિલ્લાના 1,458 ગામો પૂરથી પ્રભાવિત
    સરકારી માહિતી અનુસાર, ઓડિશાના 20 જિલ્લાના 100 બ્લોકમાં આવેલા 1,458 ગામો પૂરની અસર હેઠળ આવ્યા છે.
    પૂરની અસરથી:
    • 7 લાખથી વધુ લોકો પ્રભાવિત
    • 3 લોકોના મોત
    • 1,310 પશુઓના મૃત્યુ
    નોંધાયા હોવાનું તંત્રે જણાવ્યું છે.
    સૌથી વધુ અસર ભદ્રક જિલ્લામાં જોવા મળી છે, જ્યાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ઉપરાંત જાજપુર અને બાલેશ્વર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
    સરકારનું હવાઈ નિરીક્ષણ, વળતરની ખાતરી
    રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પુજારીએ ઉચ્ચ અધિકારીઓ સાથે હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું.
    તેમણે અધિકારીઓને સૂચના આપી કે પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી આર્થિક સહાય અને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
    હાલ રાજ્યમાં 520થી વધુ રાહત કેન્દ્રો કાર્યરત છે, જ્યાં અસરગ્રસ્ત લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.