પેટ્રોલ-ડીઝલમાં ₹3નો વધારો, ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક ઝટકો

રાત્રે જ અમલમાં આવ્યા નવા ભાવ
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોડી રાત્રે વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે. નવા દર મુજબ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ₹97.50 અને ડીઝલનો ભાવ ₹93.29 સુધી પહોંચી ગયો છે.

રાત્રે 3 વાગ્યે મળ્યો આંચકો
સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર મધરાતે 12 વાગ્યે લાગુ થાય છે, પરંતુ આ વખતે પેટ્રોલ પંપ સંચાલકોને રાત્રે 3 વાગ્યે નવા ભાવ લાગુ કરવાની સૂચના અપાઈ હતી. અચાનક લેવાયેલા આ નિર્ણયથી વહેલી સવારે પેટ્રોલ ભરાવવા આવેલા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

સુરતમાં ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ
ભાવ વધારા બાદ સુરતના વરાછા, કતારગામ, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક ખાલી થવાને કારણે ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. કેટલાક પંપ પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ થતું હોવાથી સામાન્ય ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરામાં સરકારી વાહનમાં ડીઝલ ભરાયું
વડોદરાના એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનમાં ટેમ્પો ભરી ડીઝલ લઈ જવાતું જોવા મળ્યું હતું. આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી.

લોકોમાં સરકાર સામે રોષ
ભાવ વધારા બાદ વાહનચાલકો અને નોકરિયાત વર્ગમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ કહ્યું કે ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો ડોઝ શરૂ થઈ ગયો છે. તો કેટલાકે ઇંધણના ભાવ પ્રમાણે પગાર વધારાની પણ માંગ કરી હતી.

ગૃહિણીઓ અને મધ્યમવર્ગ પર અસર
દૈનિક ઉપયોગ માટે વાહનો પર નિર્ભર મધ્યમવર્ગ અને નોકરીયાત લોકો માટે આ ભાવ વધારો સીધી અસરકારક બન્યો છે. ઘણા લોકોએ વધતી મોંઘવારી વચ્ચે ઘરખર્ચનું બજેટ ખોરવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જવાબદાર ગણાવાઈ
પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં વધારા અને વૈશ્વિક તણાવને આ ભાવવધારાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે સરકાર લાંબા સમયથી નુકસાન સહન કરી રહી હતી.

સરકારે આપ્યું આશ્વાસન
ડીલર એસોસિયેશન તરફથી જણાવાયું છે કે હાલ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોમાં ગભરાટ ફેલાવાની જરૂર નથી. આગામી દિવસોમાં પરિસ્થિતિ પ્રમાણે વધુ નિર્ણય લેવાઈ શકે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *