તાલાળામાં સ્ટેટ હાઈવે બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં — વૈકલ્પિક માર્ગ માટે કોઈ સાઈન બોર્ડ નથી, તંત્રની બેદરકારી સામે આવી

SHARE:

રિપોર્ટર : મયુર મહેતા, તાલાળા–ગીર

ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્ટેટ હાઈવેના ચાલતા રોડ વર્કને કારણે વાહન વ્યવહારમાં ભારે અવરોધ ઊભો થયો છે. તાલાળા–શાસન વચ્ચેના 15 કિલોમીટરનો સ્ટેટ હાઈવે હાલમાં સંપૂર્ણપણે ઊખેડી નાખવામાં આવ્યો છે અને નવીકરણનું કામ ચાલી રહ્યું છે. શહેરની અંદર જ 2 કિમી લાંબો સીસી રોડ પણ બાંધકામ હેઠળ હોવાથી શહેરમાં આવન-જાવન વધુ મુશ્કેલ બન્યું છે.

જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંમાં રોડ વ્યવહાર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામું અનુસાર, તાલાળા થી શાસન તરફ જવાનું ટ્રાફિક બંધ રાખવામાં આવ્યું છે અને લોકોને વૈકલ્પિક માર્ગ તરીકે તાલાળા–સમરેચી–ચિત્રાવડ–હરીપુર થઈ મેંદરડા વાળી સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

પરંતુ આ સમગ્ર જાહેરનામાની સૌથી મોટી ખામી એવી સામે આવી છે કે તંત્રે વૈકલ્પિક માર્ગ દર્શાવતા કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ અથવા માર્ગદર્શક ચિન્હો સ્થળ પર મૂક્યા જ નથી. જેના કારણે દીઠે સોમનાથ, ઉના, કોડીનાર, અને દીવ તરફથી આવતા વાહન ચાલકો ભટકી જાય છે, ગૂંચવણમાં પડે છે અને કલાકો સુધી યોગ્ય રસ્તો શોધવામાં વેડફાતા હોવાનું સામે આવી રહ્યું છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર અને માર્ગ & મકાન વિભાગે રોડ વર્ક શરૂ કરતાં પહેલાં કોઈ યોગ્ય આયોજન કર્યું નથી. ખાસ કરીને લાંબા રૂટ પરથી આવતા વાહનચાલકોને માર્ગદર્શન આપવા સાઈન બોર્ડની તાત્કાલિક જરૂર હતી. પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે મુસાફરોને તકલીફ ભોગવવી પડી રહી છે.

ઘણાં વાહનચાલકો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે રોડ બંધ કરવાનો નિર્ણય તો લેવાયો છે, પણ વૈકલ્પિક માર્ગનો અમલ કાગળ પર જ રહેલો છે. હાઈવે પરથી ટ્રાફિક વળતર આપવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સંકેત ન હોવાને કારણે પ્રવાસીઓ સમરેચી કે ચિત્રાવડ કયા માર્ગે વળવું તે જાણી શકતા નથી.

સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો પણ કહી રહ્યા છે કે રોડ વર્ક અને ડાયવર્ઝનથી તેમને વ્યવસાયમાં ભારે નુકસાન થઈ રહ્યું છે.

“રોડ વર્ક તો સારું છે, પરંતુ લોકોની તકલીફ ન થાય તે માટે તૈયારી જરૂરી હતી,” એવું અનેક વેપારીઓનું કહેવું છે.

જાહેરનામા બહાર પાડનાર તંત્ર તરફથી હાલ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આવ્યું નથી કે સાઈન બોર્ડ ક્યારે મૂકવામાં આવશે. બીજી તરફ, મુસાફરો માંગ કરી રહ્યા છે કે તંત્રે તાત્કાલિક ડાયવર્ઝન પોઈન્ટે સાઈન બોર્ડ સ્થાપિત કરે, જેથી આવનજાવન સરળ બને અને ગૂંચવણ નહીં સર્જાય.

તાલાળા–શાસન રોડ વર્ક આગામી દિવસોમાં પૂર્ણ થશે તેવી આશા છે, પરંતુ તંત્ર તરફથી યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપનની માંગ દિવસેને દિવસે તીવ્ર બની રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!