રિપોર્ટર: મયુર મહેતા તાલાલા ગીર
ગીર સોમનાથ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કડક કાર્યવાહી હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક વધુ સફળ ટ્રેપ હાથ ધરાયો છે. તાલાલા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રેશન કાર્ડમાં E-KYC કરવાની પ્રક્રિયા માટે લાંચની માંગણી કર્યા બાદ ACBએ ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે.
ફરીયાદથી લઈને ટ્રેપ સુધીની સમગ્ર ઘટના
એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે રેશન કાર્ડમાં E-KYC અપડેટ કરવા માટે પુરવઠા શાખાના કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુરભાઈ વાસાભાઈ પટાટ (ઉ.વ. 40) દ્વારા રૂ. 1,200 લાંચની માંગણી કરવામાં આવી રહી છે. આ માંગણી તેની તરફથી કામ કરતા બે વ્યક્તિઓ—
અલ્પેશ ઈશ્વરદાસ દુધરેજીયા (ઉ.વ. 32) અને
સંજય ભુપતભાઈ વાજા (ઉ.વ. 31)
— દ્વારા ફરીયાદીને જણાવવામાં આવી હતી.
ફરીયાદી લાંચ આપવાની ઇચ્છા ન રાખતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને મામલો નોંધાવ્યો. તેના આધારે ACBએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવ્યો.
લાંચ માંગણીનો ખુલ્લેઆમ ખૂલાસો
ટ્રેપ દરમિયાન ત્રણેય આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી E-KYC કામ બદલ લાંચની પુનઃ માંગણી કરી અને રકમ કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર પટાટને આપી દેવા કહ્યું. નક્કી કરાયેલ સ્થળે—પુરવઠા શાખા, મામલતદાર કચેરી, તાલાલા—લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા.
રૂ. 1,200 લાંચ રકમ સ્થળ પરથી જ રીકવર
મામલતદાર કચેરીના ઓફિસ રૂમમાં જ રૂ. 1,200 ની લાંચ રકમ ACB ટીમે જપ્ત કરી. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી નં. 1 (મહેન્દ્ર પટાટ) લાંચ સ્વીકારનાર છે જ્યારે આરોપી નં. 2 અને 3એ ફરિયાદીને લાંચ આપવા પ્રેરણા આપી અને મદદગારી કરી.
કામગીરી કરનાર અધિકારીઓ
આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ PI જે.બી. કરમુર અને ગીર સોમનાથ ACB ટીમે કર્યું હતું. સમગ્ર કામગીરીનું સુપરવિઝન શ્રી બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, I/C જુનાગઢ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ
આ ટ્રેપથી સ્પષ્ટ થાય છે કે સરકારની અગત્યની સેવાઓ જેવી કે રેશન કાર્ડ સંબંધિત કામગીરીમાં પણ કેટલાક કર્મચારીઓ લાંચ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. પરંતુ ACBની સતત મોનિટરિંગ અને ઝડપી કાર્યવાહી સામાન્ય નાગરિકોને રાહત આપે છે.
ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.






