અહેવાલ:નિસર્ગ પટેલ
ગુજરાતમાં નકલી નોટોના રેકેટો ફરી માથું ઊંચકતા અમદાવાદ પોલીસને મળેલી એક ખાનગી બાતમીએ બે કડી વાસી યુવાનો સહિત ત્રણ ઇસમોને રંગે હાથ પકડી પાડ્યા છે. બિન મહેનતે રાતોરાત કરોડપતિ બનવાના સપના પાછળ દોડતા આ યુવાનો એવા તિકડમોમાં ઉતરી ગયા કે સીધા સેટેલાઇટ પોલીસના જાળમાં ફસાઈ ગયા.
પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ગાડી રોકતા ખુલ્યો કાંડ
અમદાવાદ સેટેલાઇટ પોલીસ પેટ્રોલિંગ પર હતી ત્યારે એક સિલ્વર કલરની સેન્ટ્રો કાર શંકાસ્પદ દેખાતા તેને રોકી તપાસ કરવામાં આવી. કારમાં બેઠેલા ત્રણ યુવકોની ઓળખ આ પ્રમાણે થઈ:
દેવાંશ પટેલ, રહે. રાજમહેલ સોસાયટી, કરણનગર રોડ, કડી
વૈભવ પટેલ, રહે. સુથાર વાસ, કરણનગર, કડી
સચિનસિંહ, રહે. વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ નજીક
કારની સીટ નીચે અને બેગમાંથી 500 રૂપિયાની એક જ સિરિયલ નંબર ધરાવતી 166 નકલી નોટો મળી આવતા ત્રણેયને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા.
યુવાનો પોલીસને ભમાવવા ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા.
મોડસ ઑપરેન્ડી: અસલી નોટો વચ્ચે નકલી નોટો છુપાવી લોકોને ફસાવતા
પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ લોકો કોલકતા પરથી નકલી નોટો મગાવતાં અને પછી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પરથી મોબાઇલ ફોન સહિતની મોંઘી વસ્તુઓ ઓર્ડર કરતા.ડિલિવરી સમયે, ડિલિવરી બોયને ભમાવવા અંધારાનો લાભ લઈ અસલી નોટોના બંડલમાં વચ્ચે નકલી નોટો મૂકી પેમેન્ટ કરતા અને છટકી જતા.આ રીતે અનેક લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે.
₹2.15 લાખનો મુદ્દામાલ કબજે — કોર્ટ તરફથી 6 દિવસનો રિમાન્ડ
પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કુલ ₹2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં
166 નકલી નોટો
શંકાસ્પદ સેન્ટ્રો કાર
મોબાઇલ ફોન વગેરે સામેલ છે.
ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા, પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટએ 6 દિવસના પોલીસ રિમાન્ડને મંજૂરી આપી છે.
પોલીસે નકલી નોટોના મોટા નેટવર્ક તરફ સંકેતો શોધવા તપાસ શરૂ કરી
પ્રાથમિક તપાસ મુજબ આ યુવકો માત્ર સપ્લાય ચેનનો એક ભાગ હોવાની શક્યતા છે. નકલી નોટો પાછળનું વાસ્તવિક મોટું રેકેટ ક્યાંક બીજા જિલ્લામાં અથવા બહારના રાજ્યમાં કાર્યરત હોવાનું માનવામાં આવે છે.
પોલીસે કોલકતા સાથેના કનેક્શન, સપ્લાય નેટવર્ક અને ડિલિવરી છેતરપિંડી અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
કડીના યુવાનોના ગુનામાં સંડોવણી સ્થાનિક સ્તરે ચર્ચા
એક તરફ કડી શહેર અભ્યાસ, વેપાર અને રોજગાર માટે ઓળખાય છે, ત્યાં જ શહેરના બે યુવાનો નકલી નોટો જેવા ગંભીર ગુનામાં ઝડપાતા વિસ્તારજનોમાં ભારે ચચા ફેલાઈ છે.
વાલીઓએ ખાસ કરી યુવા વર્ગને ભ્રષ્ટ માર્ગથી દૂર રહેવા અને આવા લલચાવા વાળા ગુનાઓના પરિણામો અંગે જાગૃતિ લાવવા માંગ કરી છે.






