ગુજરાતના એરપોર્ટ્સ દાણચોરી અને ડ્રગ્સ માફિયાઓ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’? સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, બે આરોપીઓ ધરપકડમાં

SHARE:

રિપોર્ટ:ભાવિક પટેલ,સુરત

ગુજરાતના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ હવે ગોલ્ડ સ્મગલરો અને ડ્રગ્સ પેડલરો માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યા હોવાનો ગંભીર મુદ્દો સામે આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને સુરત સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિ માત્ર કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્ય માટે પણ ગંભીર ખતરો બની રહી છે.

સુરત પોલીસની મોટી સફળતા

આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે એક મોટી સફળતા મેળવી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓના સંગઠિત નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર કડક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન તપાસ દરમિયાન બે શંકાસ્પદ ઇસમો પાસેથી કુલ 17 કિલો 700 ગ્રામ ‘હાઈબ્રીડ ગાંજો’ મળી આવ્યો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે 6 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

હાઈબ્રીડ ગાંજો: વધુ નશો, વધુ નફો

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપી પાડવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો સામાન્ય ગાંજા કરતાં ઘણો વધુ નશીલો અને મોંઘો હોય છે. તેની માંગ મોટા મેટ્રો શહેરો તેમજ વિદેશી બજારમાં વધુ હોવાના કારણે ડ્રગ્સ માફિયાઓ માટે આ નશો ‘હાઈ પ્રોફિટ’ સાબિત થાય છે.

આ કેસ પરથી સ્પષ્ટ થાય છે કે ડ્રગ્સ માફિયાઓ હવે વધુ આધુનિક, સંગઠિત અને પ્લાનિંગ આધારિત પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

પેડલરોએ હેરાફેરીનો રૂટ બદલ્યો?

પ્રાથમિક તપાસમાં એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે છેલ્લા કેટલાક સમયથી પોલીસ, કસ્ટમ વિભાગ અને અન્ય એજન્સીઓ દ્વારા મેટ્રો શહેરોના એરપોર્ટ્સ પર કડક ચેકિંગ થવાથી ડ્રગ્સ પેડલરો હવે પોતાની રણનીતિ બદલી રહ્યા છે.

અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા મોટા એરપોર્ટ્સ પર સુરક્ષા વધુ કડક બનતાં હવે સુરત જેવા શહેરોને ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગમાં લેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

શા માટે સુરત?

સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે. સાથે જ વ્યાપારિક હલચલ અને મુસાફરોની અવરજવર વધુ હોવાથી ડ્રગ્સ માફિયાઓને અહીંથી હેરાફેરી કરવી સરળ લાગે છે. આ પરિસ્થિતિ સુરક્ષા એજન્સીઓ માટે પણ ચેતવણી રૂપ સંદેશ બની છે.

સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નચિહ્ન

આ ઘટના બાદ એરપોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતો માને છે કે જો સમયસર આધુનિક સ્કેનિંગ સિસ્ટમ, વધુ માનવબળ અને મજબૂત ઇન્ટેલિજન્સ નેટવર્ક ઉભું ન કરવામાં આવે તો ડ્રગ્સ અને દાણચોરીનું જાળ વધુ ફેલાવાની ભીતિ નકારી શકાય નહીં.

આગામી દિવસોમાં શું?

સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલો આ કેસ માત્ર એક ઘટનાની હદ સુધી સીમિત નથી, પરંતુ તે દર્શાવે છે કે ડ્રગ્સ માફિયાઓની નજર હવે ગુજરાતના એરપોર્ટ્સ પર છે. આવનારા સમયમાં સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્કતા દાખવી કડક કાર્યવાહી હાથ ધરવી પડશે, નહિતર આ ખતરનાક ટ્રેન્ડ સમાજ માટે ગંભીર પરિણામો લાવી શકે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!