રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક સામે ચાલી રહેલી સખ્ત કાર્યવાહી ચાલી રહી છે તેવામાં મહેસાણા જિલ્લાની નંદાસણ પોલીસ ધોળા દિવસે ઊંઘમાં રહી પરંતુ NTF CID Crime Gandhinagarની ટીમે ફિલ્મી ઢબે દિલધડક ઓપરેશન હાથ ધરી આશરે 14.48 ગ્રામ MD (મેફેડ્રોન) સહિત કુલ રૂ.2,75,860નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ તસ્કરોની સ્કોર્પિયો ગાડી પલટી ખાઈ જતાં બે આરોપીઓ ઝડપાઈ ગયા જ્યારે બે આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.
બાતમીના આધારે હાઈવે પર વોચ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમને બાતમી મળી હતી કે ચોક્કસ નંબરની સ્કોર્પિયો ગાડીમાં MD ડ્રગ્સ લઈ મહેસાણા થી અમદાવાદ તરફ હેરાફેરી થવાની છે. જેના આધારે ટીમે મહેસાણા–અમદાવાદ હાઈવે પર નંદાસણ થી છત્રાલ તરફ અલ્ટુરા હોટલ નજીક વોચ ગોઠવી હતી.
થોડા સમય બાદ નંબર GJ06FQ4555 ધરાવતી સ્કોર્પિયો દેખાતાં પોલીસે ગાડી અટકાવવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ગાડી પુરઝડપે દોડી રાજપુર-ઝુલાસણ રોડ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો.
બમ્પ પર ગાડી પલટી, આરોપીઓ કાબૂમાં
પીછો કરતા પોલીસ જવાનો રાજપુર પ્રાથમિક શાળા નજીક પહોંચ્યા ત્યારે રોડ પર આવેલા બમ્પને કારણે સ્કોર્પિયો પલટી ખાઈ ગઈ. ગાડીમાં સવાર ત્રણમાંથી બે આરોપીઓને પોલીસે તરત જ કાબૂમાં લીધા, જ્યારે એક આરોપી ભાગવામાં સફળ રહ્યો.
ઝડપાયેલા અને ફરાર આરોપીઓ
ઝડપાયેલા આરોપી:
સલીમભાઈ હસનભાઈ સિંધી (ઉ.વ. 32), લશ્કરી કુવા, મહેસાણા
જાવીદભાઈ અહમદભાઈ સિંધી (ઉ.વ. 20), લશ્કરી કુવા, મહેસાણા
ફરાર આરોપી:
સોયબ ભાઈ જાકાબ ભાઈ સિંધી, મહેસાણા
મુરિદભાઈ કાસમભાઈ ભટ્ટી, સાંચોર (રાજસ્થાન)
એસી બ્લોઅર પાસે છુપાવેલો MD પાઉચ
ગાડીની તપાસ દરમિયાન ડ્રાઈવર અને બાજુની સીટ વચ્ચેના એસી બ્લોઅર ભાગમાં એક કાગળમાં લપેટેલો પીળા સેલો ટેપવાળો પાઉચ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં તે MD (મેફેડ્રોન) હોવાનું જણાતા FSL ને જાણ કરવામાં આવી.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે ડ્રગ્સ મુરિદભાઈ કાસમભાઈ ભટ્ટી (સાંચોર, રાજસ્થાન) પાસેથી લાવવામાં આવ્યું હતું.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
14.48 ગ્રામ મેફેડ્રોન (કિંમત રૂ.43,440)
સ્કોર્પિયો ગાડી (અંદાજિત કિંમત રૂ.2,00,000)
રોકડ રકમ અને મોબાઈલ
કુલ મુદ્દામાલ: રૂ.2,75,860
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ડ્રગ્સની ઘૂસણખોરી રોકવા અને નેટવર્કનો નાશ કરવા વિશેષ ટીમો રચવામાં આવી છે. તે જ અભિયાન અંતર્ગત ગાંધીનગર સ્થિત NTF CID ક્રાઈમે આ સફળ કામગીરી પાર પાડી છે.
હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.






