સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. વિરોધકારીઓએ આક્ષેપ કર્યો કે પૂરતી પૂર્વ સૂચના, પુનર્વસન યોજના કે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન બહાર ભારે વિરોધ પ્રદર્શન યોજાયું.
SMCને તાળા મારવાનો પ્રયાસ, પોલીસ સાથે ઘર્ષણ
વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે એકત્ર થયા હતા. પરિસ્થિતિ ત્યારે તંગ બની જ્યારે કેટલાક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને કચેરીમાં પ્રવેશવાની મંજૂરી ન મળતા રોષ ફાટી નીકળ્યો. આક્રોશિત ટોળાએ SMC કચેરીને તાળા મારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું.
ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
પ્રદર્શનકારીઓએ ડિમોલિશન માટે જવાબદાર ગણાતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને પીડિત પરિવારોને યોગ્ય વળતર તેમજ તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
વિવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર
આ સમગ્ર વિવાદમાં સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંગ રામજીવાલાનું નામ ચર્ચામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજરીના તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેઓ એક સપ્તાહની રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. તેમના આ નિર્ણયને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.
ટોરેન્ટ પાવર સામે પણ સ્થાનિકોનો રોષ
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ટોરેન્ટ પાવર સામે પણ ગંભીર આક્ષેપો કર્યા. રહીશોના જણાવ્યા મુજબ કોઈ લેખિત અરજી કે પ્રક્રિયા વિના અનેક વીજ મીટર દૂર કરી દેવામાં આવ્યા હતા. સાથે જ લોકોના મકાનો તૂટી ગયા હોવા છતાં વીજ બિલના નોટિસ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા.
ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો દાવો
સ્થાનિકોનું કહેવું છે કે ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય ન્યાય, વળતર અને રહેઠાણ નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. બીજી તરફ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી ભવન સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.