રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ માહિતીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી પોલીસે એક ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ખાતરની બોરીઓ પાછળ છુપાવ્યો હતો દારૂ
પોલીસને મળેલી માહિતી મુજબ એક ટ્રક મારફતે બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો હતો. હાઈવે પર ટ્રકને રોકી તપાસ કરતા શરૂઆતમાં તેમાં કાળી માટી અને ખાતરની બોરીઓ ભરેલી હોવાનું દેખાયું હતું. જોકે વિગતવાર તપાસ દરમિયાન બોરીઓની પાછળ કુશળતાપૂર્વક છુપાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
₹46.20 લાખનો મુદ્દામાલ કબ્જે
ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાંથી અંદાજે ₹31.10 લાખ કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 20,736 નંગ દારૂની બોટલો અને પાઉચ મળી આવ્યા હતા. દારૂ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹46.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ
આ કેસમાં રાજસ્થાનના રહેવાસી ટ્રક ચાલક સત્યપાલ ગોદારાને ઝડપી લેવામાં આવ્યો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
આરોપી અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાયો હતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ દારૂની હેરાફેરીના બે અલગ કેસોમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. રાધનપુર અને થાનગઢ વિસ્તારમાં તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી થઈ હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે.
સપ્લાયર અને મંગાવનારની શોધખોળ શરૂ
ક્રાઈમ બ્રાન્ચ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે સપ્લાયર, રિસીવર અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. પૂછપરછના આધારે દારૂના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા વધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.