ગુજરાતભરમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત યોગમય બની ગયું. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામોમાં સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. લાખો લોકોએ એકસાથે યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો.
અમદાવાદમાં અમિત શાહે પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારના આશરે 100 પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં કુલ 48થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા.
માણસામાં રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ મહોત્સવ
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજ્ય કક્ષાના મુખ્ય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હજારો નાગરિકો સાથે યોગ કર્યો હતો. કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તાર યોગમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો.
યોગને જીવનશૈલી બનાવવાનો મુખ્યમંત્રીનો સંદેશ
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે યોગ માત્ર એક દિવસની ઉજવણી નહીં પરંતુ જીવનભરની આરોગ્ય સુરક્ષાનું કવચ છે. તેમણે લોકોને યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરી હતી. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને ઓક્સિજન વન ઊભાં કરવા માટે પણ જનજાગૃતિ ફેલાવવાની હાકલ કરી હતી.
રાજ્યમાં 24 હજાર સ્થળોએ યોગાભ્યાસ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં 330થી વધુ મુખ્ય સ્થળો સહિત કુલ 24,000 જેટલા સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં અંદાજે 1.15 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ ગુજરાતમાં
ગુજરાત યોગ ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. રાજ્યમાં હાલમાં 1.50 લાખથી વધુ યોગ ટ્રેનર્સ કાર્યરત છે. આ ઉપરાંત 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ દ્વારા અંદાજે 8 લાખ લોકો નિયમિત યોગ સાથે જોડાયેલા છે.
રાજકોટમાં પાણીમાં યોગ, અનોખું આકર્ષણ બન્યું
રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હજારો લોકોએ સામૂહિક યોગ કર્યો હતો. બીજી તરફ બાળકો અને મહિલાઓએ પાણીમાં યોગાસન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ અનોખા યોગ કાર્યક્રમોની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.
યોગથી સ્વસ્થ અને નિરોગી જીવનનો સંદેશ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતભરમાં યોજાયેલા કાર્યક્રમોએ સ્વસ્થ જીવન, માનસિક શાંતિ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે રાજ્યભરમાં ઉત્સાહ અને જાગૃતિનું અનોખું દૃશ્ય જોવા મળ્યું.







