મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE સામે ગંભીર આક્ષેપ: મુસાફર પરિવાર સાથે ઝપાઝપી, મારપીટ અને પૈસા માંગ્યાની ફરિયાદ

SHARE:

સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર પરિવાર વચ્ચે વિવાદ
મહેસાણા રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલી મહિલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) સામે વડોદરાના એક પરિવારે ગંભીર આક્ષેપો સાથે રેલવે પોલીસમાં અરજી કરી છે. પરિવારનો આરોપ છે કે તમામ માન્ય ટિકિટો હોવા છતાં તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી, પૈસાની માંગણી કરવામાં આવી અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો.
ટિકિટ ચકાસણી દરમિયાન શરૂ થયો વિવાદ
પરિવાર વડોદરાથી ટ્રેન મારફતે મહેસાણા પહોંચ્યો હતો. સ્ટેશન બહાર નીકળતી વખતે મહિલા TTEએ ટિકિટ તપાસી હતી. પરિવારનું કહેવું છે કે તમામ ટિકિટ નિયમસર હોવા છતાં બાળકની ટિકિટ પોતાના કબજામાં લઈ લેવામાં આવી અને વધારાની રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું. આ બાબતે વિરોધ નોંધાવતા વાતાવરણ તંગ બન્યું.
બાળકને ધક્કો અને મહિલા સાથે મારપીટના આક્ષેપ
ફરિયાદ મુજબ, બોલાચાલી દરમિયાન પરિવારના બાળકને ધક્કો મારવામાં આવ્યો હતો. બાળક અંગે સવાલ પૂછતા મહિલા મુસાફર સાથે હાથાપાઈ થઈ અને તેને થપ્પડ મારવામાં આવી હોવાના તેમજ હાથ અને ગળા પર ઇજાઓ પહોંચાડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નાના બાળકને પણ ધક્કો લાગ્યાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.
ઘટનાનો વીડિયો સામે આવ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર તકરાર અને ઝપાઝપી જોવા મળે છે. બાદમાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને બંને પક્ષોને પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા.
ધમકી આપ્યાનો પણ આરોપ
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિવાદ દરમિયાન મહિલા TTEએ કેટલાક લોકોને સ્થળ પર બોલાવ્યા હતા અને પરિવારને ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત સ્ટેશનના એક અધિકારી સામે પણ પરિવારને દબાણમાં લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રેલવે પોલીસ તપાસમાં વ્યસ્ત
ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. હાલ રેલવે પોલીસે લેખિત અરજીના આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં બંને પક્ષના નિવેદનો તેમજ ઉપલબ્ધ વીડિયો સહિતના પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और देखें
error: Content is protected !!