કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત સાયબર ફ્રોડ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ વોટ્સએપે તેના નવા Username ફીચર અંગે વિગતવાર FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફીચર ધીમે-ધીમે વિશ્વભરના યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે અને તેમાં અનેક સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
Username બનાવવું ફરજિયાત નહીં
વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે Username બનાવવું સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. જો યુઝર પોતાનો મોબાઇલ નંબર ખાનગી રાખવા ઇચ્છે તો જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.
મનપસંદ Username ન મળવાનું કારણ
કંપનીના જણાવ્યા મુજબ કોઈ Username પહેલેથી રિઝર્વ હોય, પ્રખ્યાત વ્યક્તિ કે સરકારી સંસ્થાના નામ તરીકે સુરક્ષિત રાખવામાં આવ્યો હોય અથવા અન્ય કોઈ યુઝરે પહેલેથી લઈ લીધો હોય તો તે ઉપલબ્ધ નહીં હોય.
છેતરપિંડી રોકવા ખાસ સુરક્ષા વ્યવસ્થા
વોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા Username પરથી મેસેજ આવશે ત્યારે યુઝરને એકાઉન્ટનો દેશ, ચેતવણી સંદેશ અને બ્લોક-રિપોર્ટના વિકલ્પ મળશે. કંપની સ્કેમ એકાઉન્ટ્સ પર સતત નજર રાખશે.
Username Key આપશે વધારાની સુરક્ષા
નવા Username Key ફીચર દ્વારા અજાણ્યા વ્યક્તિને માત્ર Username જાણવાથી મેસેજ મોકલી શકાશે નહીં. તેને Username Key પણ જરૂરી રહેશે. યુઝર આ Key ગમે ત્યારે બદલી પણ શકશે.
Facebook અને Instagram લિંક કરવું પડશે?
જો યુઝર Facebook અથવા Instagram જેવું જ Username ઇચ્છે તો એકાઉન્ટ લિંક કરવું પડશે. જોકે પછીથી તે અનલિંક પણ કરી શકાશે અથવા અલગ Username પસંદ કરી શકાશે.
Username ગમે ત્યારે બદલી શકાશે
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે Username ભવિષ્યમાં ગમે ત્યારે બદલી શકાશે, જો પસંદ કરેલું નવું નામ ઉપલબ્ધ હશે.
પ્રખ્યાત નામો પહેલેથી બુક થઈ ગયા હોવાના દાવા ખોટા
Metaએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા તમામ દાવા અફવા છે. સેલિબ્રિટી, સરકારી સંસ્થા અને વેરિફાઇડ એકાઉન્ટના નામ માત્ર તેમના અસલી માલિકો માટે જ સુરક્ષિત રહેશે.
વર્ષના અંત સુધી સંપૂર્ણ રોલઆઉટ
વોટ્સએપના જણાવ્યા મુજબ હાલમાં Username રિઝર્વેશન શરૂ થયું છે. સરકાર અને યુઝર્સના ફીડબેક બાદ આ ફીચરને વર્ષના અંત સુધીમાં તબક્કાવાર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.