અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ઇચ્છે તો આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન એકઠા થયેલા ઈરાનના તમામ ટોચના નેતાઓને એક જ હુમલામાં નિશાન બનાવી શકતું હતું. જોકે, અમેરિકા પરમાણુ કરાર (ન્યૂક્લિયર ડીલ) અંગેની વાટાઘાટોને આગળ વધારવા માંગતું હોવાથી આવું પગલું ભર્યું નહીં.
‘નેતાઓને ખતમ કરી દઈએ તો વાતચીત કોની સાથે કરીએ?’
‘એક્સિઓસ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે ઈરાનના સમગ્ર ટોચના નેતૃત્વને ખતમ કરવાની ક્ષમતા હતી, પરંતુ ત્યારબાદ પરમાણુ મુદ્દે વાટાઘાટો કરવા માટે કોઈ નેતૃત્વ જ બાકી ન રહે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે અમેરિકા હાલ પણ સૈન્ય કાર્યવાહી કરતાં રાજદ્વારી ઉકેલને પ્રાથમિકતા આપી રહ્યું છે.
ઈરાનનો જવાબ: ‘વ્યક્તિને મારી શકાય, વિચારોને નહીં’
ટ્રમ્પના નિવેદન બાદ આર્મેનિયાના યેરેવાન સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી. દૂતાવાસે જણાવ્યું કે, “વ્યક્તિને મારી શકાય છે, પરંતુ તેના આદર્શોને નહીં.” નિવેદનમાં વધુમાં અમેરિકા પર ઈતિહાસ અને સંસ્કૃતિ અંગે પણ આકરા શબ્દોમાં નિશાન સાધવામાં આવ્યું.
અંતિમ સંસ્કાર દરમિયાન ભારે ભીડ
તેહરાનના ઈમામ ખુમેની ગ્રાન્ડ મોસલ્લામાં પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમના પરિવારના હુમલામાં મૃત્યુ પામેલા સભ્યોના પાર્થિવ દેહ પણ સાથે રાખવામાં આવ્યા હતા.
થોડા દિવસ માટે વાટાઘાટો સ્થગિત
ટ્રમ્પે જણાવ્યું કે ખામેનેઈની અંતિમ વિધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો થોડા દિવસ માટે સ્થગિત રાખવામાં આવી છે. તેમણે ફરી એકવાર પોતાનો અગાઉનો દાવો પણ દોહરાવ્યો કે ખામેનેઈ યુદ્ધના શરૂઆતના દિવસોમાં જ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા હતા.
ટ્રમ્પે ભીડ જોઈને વ્યક્ત કર્યું આશ્ચર્ય
ટ્રમ્પે કહ્યું કે તેમને લાગતું હતું કે ઈરાનની જનતા પોતાના સર્વોચ્ચ નેતા સામે નારાજ હશે, પરંતુ અંતિમ સંસ્કારમાં ઉમટેલી વિશાળ ભીડ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો કે ત્યાં હાજર લોકોના આંસુ સાચા હતા કે નહીં તે અંગે તેમને શંકા છે.