ભગવાન જગન્નાથની રથયાત્રા અને ભક્ત સાલબેગની અમર ગાથા
ગુજરાતના અમદાવાદ અને ઓડિશાના પુરીમાં 16 જુલાઈથી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. લાખો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન માટે ઉમટી રહ્યા છે.
જગન્નાથજીની રથયાત્રા સાથે અનેક લોકમાન્યતાઓ જોડાયેલી છે, પરંતુ તેમાં સૌથી પ્રસિદ્ધ કથા છે ભક્ત સાલબેગની. આજે પણ પુરીમાં ભગવાનનો રથ તેમની સમાધિ સામે થોડીવાર માટે રોકાય છે. આ પરંપરા સદીઓથી યથાવત્ ચાલી આવી છે.
રથ અચાનક અટકી ગયો હતો, પછી બની અનોખી ઘટના
લોકવાયકા મુજબ, એક વખત ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રીમંદિરથી ગુંડીચા મંદિર તરફ જઈ રહી હતી.હજારો ભક્તો રથ ખેંચી રહ્યા હતા, પરંતુ એક સ્થળે પહોંચતા જ રથ અચાનક અટકી ગયો. અનેક પ્રયાસો છતાં રથ આગળ વધ્યો નહીં.ત્યારે ભીડમાં રહેલા એક વૃદ્ધે જણાવ્યું કે અહીં ભગવાનના પરમભક્ત સાલબેગની સમાધિ આવેલી છે.ત્યારબાદ ભક્તોએ “જય જગન્નાથ” સાથે “જય ભક્ત સાલબેગ”ના જયઘોષ કર્યા અને માન્યતા મુજબ તે પછી રથ ફરી આગળ વધ્યો.
ત્યારથી ભગવાન જગન્નાથ પોતાના પ્રિય ભક્તના સન્માનમાં દર વર્ષે અહીં થોડીવાર રોકાય છે એવી માન્યતા પ્રચલિત બની.
કોણ હતા ભક્ત સાલબેગ?
ભક્ત સાલબેગનો જન્મ મુઘલકાળ દરમિયાન થયો હતો.તેમના પિતા મુસ્લિમ હતા જ્યારે માતા હિન્દુ હતી. યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમની માતાએ તેમને ભગવાન જગન્નાથની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ સાલબેગ ભગવાન જગન્નાથના પરમ ભક્ત બની ગયા.
મંદિરમાં પ્રવેશ ન મળ્યો, છતાં ભક્તિમાં ક્યારેય ખોટ ન આવી
સાલબેગ પુરી પહોંચ્યા, પરંતુ મુસ્લિમ પરિવારમાં જન્મેલા હોવાના કારણે તેમને શ્રી જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નહોતી. તેમણે મંદિરની બહાર રહીને જ ભગવાનનું સતત ભજન અને સ્મરણ શરૂ રાખ્યું. તેમની નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન જગન્નાથે તેમને આશીર્વાદ આપ્યો હોવાનું લોકમાન્યતા કહે છે.
ભગવાને આપ્યું હતું અનોખું વચન
કથા અનુસાર ભગવાન જગન્નાથે ભક્ત સાલબેગને વચન આપ્યું હતું કે તેમની રથયાત્રા ક્યારેય તેમની સમાધિ પાસે રોકાયા વિના આગળ નહીં વધે. આ કારણે આજે પણ પુરીની રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ સાલબેગની સમાધિ સામે થોડીવાર માટે રોકાય છે.
ભક્તિનો સૌથી મોટો સંદેશ
ભક્ત સાલબેગની કથા એ સંદેશ આપે છે કે ભગવાન માટે કોઈ જાતિ, ધર્મ, ભાષા કે જન્મનું બંધન નથી. ભગવાનને માત્ર નિઃસ્વાર્થ ભક્તિ, સમર્પણ અને શ્રદ્ધા જ પ્રિય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવનું જીવંત પ્રતિક માનવામાં આવે છે.