રોડ સેફ્ટી માટે અમદાવાદ DEOનો મહત્વપૂર્ણ નિર્ણય
અમદાવાદમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ વગર વાહન ચલાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
નવા આદેશ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વિદ્યાર્થીઓને દ્વિચક્રી કે ચતુર્ચક્રી વાહન લઈને શાળામાં આવવાની મંજૂરી નહીં મળે. હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવી આવતા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
વાહન સાથે શાળા પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ
પરિપત્ર મુજબ જો કોઈ વિદ્યાર્થી:
- લાયસન્સ વગર વાહન લઈને આવશે,
- અથવા હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવીને આવશે,
તો તેને વાહન સાથે શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આવા કિસ્સામાં શાળા દ્વારા વાલીને તાત્કાલિક બોલાવવામાં આવશે અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની લેખિત ખાતરી લેવામાં આવશે.
આગામી 7 દિવસમાં ફરજિયાત જાગૃતિ અભિયાન
DEOએ તમામ શાળાઓને આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવાનો આદેશ આપ્યો છે.
શાળાઓએ પ્રાર્થના સભા, વર્ગખંડ અને વાલી મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવાનું રહેશે.
RTO અને ટ્રાફિક પોલીસના નિષ્ણાતોને આમંત્રિત કરવાની સૂચના
પરિપત્રમાં જણાવાયું છે કે શક્ય હોય ત્યાં:
-
RTOના અધિકારીઓ,
-
ટ્રાફિક પોલીસ,
-
રોડ સેફ્ટી નિષ્ણાતો
ને આમંત્રિત કરીને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, કાનૂની જોગવાઈઓ અને માર્ગ સુરક્ષા અંગે માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમો યોજવા.
વાલીઓને પણ લેખિતમાં જાણ કરવી પડશે
તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ વાલીઓને લેખિત પત્ર, WhatsApp, SMS અથવા અન્ય યોગ્ય માધ્યમથી સ્પષ્ટ જાણ કરે કે:
-
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા ન આપવું.
-
માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર કોઈપણ વિદ્યાર્થીને વાહન ચલાવવાની મંજૂરી ન આપવી.
વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ટેવ વિકસાવાશે
શાળાઓને વિદ્યાર્થીઓમાં નીચેની બાબતો અંગે સતત જાગૃતિ લાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
-
હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ
-
સીટબેલ્ટ પહેરવાની ટેવ
-
ગતિ મર્યાદાનું પાલન
-
વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો
-
તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવું






