કડી શહેરમાં રાત્રીના ચા-નાસ્તાની લારીઓ અડ્ડા બની – અસામાજિક તત્વોનો વધારો, પોલીસે પગલાં લેવાની જરૂર

કડી…

શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ચાલુ રહે છે ચા-નાસ્તાની લારીઓ, પેટ્રોલિંગ દરમિયાન લાઇટો બંધ કરી છુપાય જાય છે સંચાલકો

   કડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે ચા અને નાસ્તાની લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી જોવા મળી રહી છે.આ લારીઓ મોડી રાત સુધી ચાલુ રહે છે, જેના કારણે શહેરના શાંતિપ્રિય નાગરિકોમાં અસંતોષ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાત્રીના સમયે ચા-નાસ્તાની લારીઓ આસપાસ કેટલાક અસામાજિક તત્વો ભેગા થઈ અડ્ડા જમાવીને બેઠા રહે છે.આ જગ્યાઓ પર રાત્રિભોજન બાદ યુવકોના ટોળાં લાંબા સમય સુધી બેસીને ગપસપ કરતા હોય છે, કેટલાક સ્થળોએ નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા શહેરમાં ચાલી રહી છે. 

   કયા વિસ્તારોમાં છે આવી લારીઓ?

  મુખ્યત્વે ભાગ્યોદય હોસ્પિટલ, કસ્બા વિસ્તાર, શેફાલી ચોકડી, કરણનગર રોડ ફાટક, તેમજ નાની કડી જકાતનાકા વિસ્તાર સહિત મોટા ભાગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવી લારીઓ રાત્રીના ૧૨ વાગ્યા બાદ પણ કાર્યરત જોવા મળે છે.આ લારીઓ શહેરના કેટલાક ભાગોમાં “નાઇટ સ્પોટ” તરીકે લોકપ્રિય બની રહી છે, પરંતુ તેના કારણે શાંતિ અને સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

 પોલીસ આવે તો લાઇટો બંધ, જાય એટલે પછી ફરી ચાલુ

   સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પોલીસ પેટ્રોલિંગ માટે આ વિસ્તારોમાં ફરતી હોય છે ત્યારે લારીઓ ના સંચાલકો લાઇટો બંધ કરી અંધારામાં છુપાઈ જાય છે.જ્યારે પોલીસ આગળ વધી જાય છે ત્યારે તરત જ લારીઓ ફરી શરૂ કરી દેવામાં આવે છે.આ રીતે ચોર પગ થી ચાલી રહેલા ધંધાને કારણે પોલીસની કામગીરી ઉપર અસર થાય છે.

 ઝઘડા અને તંગદિલી ના બનાવો પણ સર્જાયા

   મોડી રાત સુધી ચાલતી આ લારીઓ અને આસપાસ ભેગા થતી ટોળકીઓ ના કારણે અનેક વખત ઝઘડાઓ અને તંગદિલી ના બનાવો પણ સર્જાઈ ચૂક્યા છે.નાગરિકોએ જણાવ્યા પ્રમાણે નાના મનદુઃખ થી શરૂ થતા ઝઘડા ઘણી વખત મોટા ઝઘડાના રૂપમાં ફેરવાય છે.આથી વિસ્તારના રહેવાસીઓએ પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નાગરિકોની માંગ – “શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે એ જરૂરી”

   શહેરના સમાજસેવકો અને વેપારી વર્ગે જણાવ્યું કે રાત્રીના સમયમાં આવા અડ્ડાઓ ફક્ત કાયદો તોડવાની પ્રેરણા આપે છે,પરંતુ સાથે સાથે શહેરના યુવાનો માટે ખોટો ઉદાહરણ પણ પૂરું પાડે છે.નાગરિકોની માંગ છે કે પોલીસ તાત્કાલિક રીતે અનધિકૃત લારીઓ સામે પગલાં ભરે અને રાત્રિ ૧૧ વાગ્યા બાદ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિવાયની ચા-નાસ્તાની લારીઓ ચાલુ ન રહે તે માટે કડક સૂચનાઓ જાહેર કરે.

 “સમાચાર ડાયરી”નો અભિપ્રાય

   શહેરની શાંતિ અને સુરક્ષા જાળવવી એ દરેક નાગરિક અને પ્રશાસનની સંયુક્ત જવાબદારી છે.જો આવા અસમાજિક તત્વો રાત્રીના અડ્ડા જમાવી રહ્યા છે, તો તે શહેરના વાતાવરણ માટે ખતરનાક છે.પોલીસે જો કડક પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં કડી જેવા શાંતિપ્રિય શહેરોમાં અશાંતિ ફેલાઈ શકે છે.

કડી પોલીસને હવે કાર્યવાહી કરવી જરૂરી છે –

જેથી શહેરમાં શાંતિ, સુરક્ષા અને નિયમનો કડક અમલ જળવાઈ રહે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *