રિપોર્ટર : હર્ષ ભરડા, કેશોદ
જૂનાગઢ જિલ્લાના માળિયા (હા) તાલુકાના ઝૂજારપુર મુકામે આજે સમગ્ર ગુજરાતભરમાં વસવાટ કરતા ચારિયા પરિવારોનો પરંપરાગત સ્નેહમિલન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો. ખોડિયાર માતાજીના પવિત્ર સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળાવડો ભક્તિ, સંસ્કાર, શિક્ષણ અને એકતાની ભાવનાથી છલકાતો બન્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચારિયા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ખોડિયાર માતાના ધૂનથી શરૂઆત
કાર્યક્રમની શરૂઆત ઝૂજારપુર ગામે માતાજીના હવન અને નૈવેધથી કરવામાં આવી. ભક્તિભાવ સાથે શરૂ થયેલા આ ધાર્મિક વિધિએ આખા કાર્યક્રમમાં માતાજીનો આશીર્વાદ મળ્યાનો સૌએ અનુભવ કર્યો હતો. બાદમાં કૉમ્યુનિટી હોલ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજાયા.
સાંસ્કૃતિક મહેફિલે મંત્રમુગ્ધ કરી દીધા
સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજની પ્રતિભાનો સુંદર પરિચય બની રહ્યો.પ્રસંગે લોકપ્રિય ગાયિકા વિજયાબેન ભાદરકા, કલાકાર કિશન પરમાર, તેમજ શ્યામ મ્યુઝિકલ ગ્રૂપના લાલુભાઈ ચારિયા અને તેમની ટીમે માતાજીનાં સ્તુતિગીતો, આરતી અને ગરબા રજૂ કરી સૌને સંગીતરસમાં તદ્દન ભીની કરી દીધા.દરેક રજૂઆતમાં માતાજી પ્રત્યેની ભાવના અને સમાજની સંસ્કૃતિક પરંપરા ઝળહળતી જોવા મળી.
સમાજના તેજસ્વી ૬૫ તારલાઓનું સન્માન
કાર્યક્રમ દરમિયાન ૬૫ થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું.ખાસ કરીને પ્રાથમિક શાળામાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર બે દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેણે સમગ્ર સમાજને ગૌરવ અનુભવાવ્યો.આ સન્માન સમારંભ યુવા પેઢીને પ્રેરણા આપતો એવો બની રહ્યો.
અગ્રણી મહાનુભાવોનો ઉપસ્થિતીભાવ
આ ભવ્ય સમારંભમાં અનેક અગ્રણીઓ જોડાયા જેમાં—
ઝૂજારપુર ગામના સરપંચ શ્રી રમેશભાઈ સેવરા
ખેરા ગામના સરપંચ શ્રી કરશનભાઈ વાસણ
માળિયા તાલુકા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ ચુડાસમા
ઉપસરપંચ શ્રી જગદીશભાઈ રાઠોડ
પૂર્વ ટી.ડી.ઓ. શ્રી મેરૂભાઈ ભુવા
વગેરે આગેવાનોની ઉપસ્થિતિએ સમારોહનું ગૌરવ વધાર્યું હતું.
પ્રવચનોમાં સંસ્કાર અને માર્ગદર્શનનો સંદેશ
સ્વાગત પ્રવચન સમાજના વડીલ શ્રી અરજણભાઈ ચારિયા દ્વારા આપવામાં આવ્યું.
જ્યારે પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રાજાભાઈ ચારિયા અને પરિવાર પ્રમુખ શ્રી મેરામણભાઈ ચારિયાએ સમાજની એકતા, શિક્ષણ અને પ્રગતિ માટે માર્ગદર્શન આપ્યું.આ વર્ષે સમગ્ર કાર્યક્રમ “પરિશ્રમ, પ્રતિભા અને પ્રગતિનો ઉત્સવ” થીમ પર આધારિત હતો.
સેવા અને આયોજનનો સુંદર સમન્વય
કાર્યક્રમનું સંચાલન સંકલિત રીતે શ્રી રામભાઈ ચારિયા, શ્રી ગોવિંદભાઈ ચારિયા અને શ્રી ભરતભાઈ ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે માતાજીની પ્રસાદી ગ્રહણ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો.પ્રસાદી તૈયાર કરવામાં કુકસવાડા ગામના વડીલો અને યુવાનો દ્વારા વિશેષ સેવા-ભાવ દર્શાવવામાં આવ્યો, જેમાં તેમની સમાજપ્રતિ આસ્થા સ્પષ્ટ દેખાતી હતી.









