સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા
અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલ આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી, જે બાદ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ લગભગ 2 વર્ષ અને 10 મહિના પછી તથ્ય પટેલ પહેલીવાર નિયમિત જામીન પર જેલ બહાર આવશે.
ફેબ્રુઆરીમાં ટ્રાયલ કોર્ટને સૂચના અપાઈ હતી
સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે 2026 સુધીમાં ઓછામાં ઓછા 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. કેસમાં અત્યાર સુધીમાં 191માંથી અંદાજે 29 આંખે દેખેલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાનું બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે શું નોંધ્યું?
કોર્ટે નોંધ્યું કે તથ્ય પટેલ સામે IPC કલમ 304 સહિતની ગંભીર કલમો લાગુ છે, પરંતુ હજુ સુધી ટ્રાયલ પૂર્ણ થઈ નથી અને આરોપી દોષિત જાહેર થયો નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપી લાંબા સમયથી જેલમાં છે અને કેસની કાર્યવાહી હજુ આગળ વધવાની બાકી છે.
વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
મૃતકોના પરિવારને વળતર ચૂકવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હાલમાં ટ્રાયલ ચાલુ હોવાથી આ તબક્કે કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારનો નિર્ણય ટ્રાયલની પ્રક્રિયા પર અસર કરી શકે છે.
આજીવન ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ
અકસ્માત બાદ અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જેના કારણે હવે તે ભારતમાં કાયદેસર રીતે કોઈપણ વાહન ચલાવી શકશે નહીં.
7 દિવસમાં દાખલ થઈ હતી 1684 પાનાની ચાર્જશીટ
ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને માત્ર 7 દિવસમાં 1684 પાનાની વિશાળ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. તથ્ય પટેલ સામે IPC કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
191 સાક્ષી અને 15 FSL રિપોર્ટ રજૂ કરાયા
ચાર્જશીટમાં કુલ 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 15 FSL રિપોર્ટ અને 191 સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા હતા જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. CrPC 164 હેઠળ 8 લોકોના નિવેદન નોંધાયા હતા, જેમાં તથ્યના મિત્રોના પણ નિવેદનો સામેલ હતા.







