એર ઇન્ડિયા 22% સુધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઘટાડશે, ઇન્ડિગો પણ ફ્લાઇટ્સમાં કાપ મૂકે તેવી શક્યતા

SHARE:

એર ઇન્ડિયાનો મોટો નિર્ણય

ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ 2026 દરમિયાન તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 22 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની પર વધતા ઓપરેશનલ ખર્ચ અને મોંઘા જેટ ફ્યુઅલના કારણે આર્થિક દબાણ વધતા આ પગલું લેવામાં આવ્યું છે.

દર અઠવાડિયે 4400 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે
હાલ એર ઇન્ડિયા દર અઠવાડિયે અંદાજે 4400 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જેમાંથી લગભગ 3600 સ્થાનિક અને 800 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું છે કે બજારની માંગ અને પરિસ્થિતિઓને આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર પણ અસર
એર ઇન્ડિયાએ થોડા દિવસો પહેલા જ 23 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા લગભગ 27 ટકા ઘટાડી હતી. ઉપરાંત 6 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર કેટલીક ફ્લાઇટ્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

ઇન્ડિગો પણ ફ્લાઇટ્સ ઘટાડશે
અહેવાલો મુજબ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પણ તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 5થી 7 ટકા સુધી ઘટાડો કરી શકે છે. શાળાની રજાઓ પૂર્ણ થયા બાદ મુસાફરીની માંગ ઘટતા અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કંપની આ નિર્ણય લઈ શકે છે.

મોંઘું થયું જેટ ફ્યુઅલ
ફ્લાઇટ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલના વધતા ભાવ છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સંકટ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી જતા એરલાઇન્સના ખર્ચમાં ભારે વધારો થયો છે.

ઈરાન અને પાકિસ્તાન એરસ્પેસનો પણ પ્રભાવ
ઈરાની હવાઈ ક્ષેત્ર ટાળવાના કારણે આંતરરાષ્ટ્રીય રૂટ લાંબા બન્યા છે. ઉપરાંત પાકિસ્તાની એરસ્પેસ સંબંધિત પ્રતિબંધોને કારણે ફ્લાઇટ્સના સમય અને ઇંધણ વપરાશ બંનેમાં વધારો થયો છે.

 ફ્યુઅલ ખર્ચ હવે 60% સુધી પહોંચ્યો
એવિએશન ઉદ્યોગના અહેવાલો અનુસાર અગાઉ એરલાઇન્સના કુલ ખર્ચમાં ફ્યુઅલનો હિસ્સો આશરે 40 ટકા હતો, જે હવે વધીને 60 ટકા સુધી પહોંચી ગયો છે. જેના કારણે એરલાઇન્સ માટે ઓપરેશન ચલાવવું વધુ ખર્ચાળ બન્યું છે.

માર્ચ-એપ્રિલમાં પણ ફ્લાઇટ્સ ઘટી હતી
એવિએશન એનાલિટિક્સ ફર્મના આંકડા મુજબ માર્ચ અને એપ્રિલ મહિનામાં દેશની ચાર મોટી એરલાઇન્સના ઓપરેશન્સમાં ગયા વર્ષની સરખામણીમાં આશરે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 મુસાફરો પર વધતા ભાડાનો બોજ
ઓપરેશનલ ખર્ચ વધતા એરલાઇન્સે હવાઈ ભાડામાં વધારો કર્યો છે. જેના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા ભાડા ખાસ કરીને સ્થાનિક મુસાફરીને અસર કરી રહ્યા છે.

 ભારતીય એવિએશન માર્કેટ પર અસર
હાલ ભારતીય ઘરેલુ હવાઈ બજારમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપનો મળીને લગભગ 90 ટકા માર્કેટ શેર છે. આવી સ્થિતિમાં બંને કંપનીઓના ફ્લાઇટ કાપનો સીધો પ્રભાવ મુસાફરો અને સમગ્ર એવિએશન સેક્ટર પર પડી શકે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!