‘દીકરી અંદર ના આવતી…’ ચિઠ્ઠી લખી યુવાને જીવન ટૂંકાવ્યું: ગાંધીનગરમાં 5 દિવસ સુધી ઘરમાં પડી રહી લાશ

SHARE:

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 42 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું. સૌથી કરુણ બાબત એ રહી કે આપઘાત પહેલાં તેણે પોતાની દીકરી અને પરિવારની સુરક્ષાની ચિંતા કરતા ઘરના દરવાજા પર ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડી હતી. ઘટના બાદ લગભગ પાંચ દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી હતી.

કુડાસણની પૂનમ રેસિડેન્સીમાં બની ઘટના

મળતી માહિતી મુજબ કુડાસણ સ્થિત પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી પંકજભાઈ ગાંધીનગરમાં રહેતા હતા અને સ્ટોક માર્કેટ સંબંધિત કંપનીમાં નોકરી કરતા હતા.

નોકરી છૂટતાં વધ્યો માનસિક તણાવ

પરિવારજનો અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી. આ ઉપરાંત શેરબજારમાં આર્થિક નુકસાન અને દેવાના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં જીવતા હતા. આર્થિક સંકડામણ સતત વધતા તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

પરિવાર પિયર ગયો, એકલા ઘરમાં હતા

ગત 13 મેના રોજ તેમની પત્ની અને પુત્રી પિયર ગયા હતા. ત્યારબાદ 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે છેલ્લી વખત ફોન પર વાતચીત થઈ હતી. તે પછી પંકજભાઈનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનો દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. જેના કારણે પરિવારને શંકા જાગી હતી.

દરવાજા પરની ચિઠ્ઠીએ બધાને હચમચાવી દીધા

27 મેના રોજ પત્ની પોતાના ભાઈ સાથે ઘરે પહોંચી હતી. ત્યારે મુખ્ય દરવાજા બહાર ચોંટાડેલી એક ચિઠ્ઠી જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું: “દીકરી અંદર ના આવતી… પાણી પીવું નહીં… ઘરમાં ઝેરી દવા છે… માસ્ક પહેરવું…” આ શબ્દો વાંચીને પરિવારજનો ગભરાઈ ગયા હતા.

પાંચ દિવસ જૂની લાશ મળી

ઘરમાં પ્રવેશતા જ પંકજભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. અંદાજે પાંચ દિવસ સુધી લાશ ઘરમાં જ પડેલી રહેતા શરીર ફૂલી ગયું હતું. ઝેરી ગેસ અને દવાની અસરના કારણે ચહેરો પણ કાળો પડી ગયો હતો.

સેલફોસ નામની ઝેરી દવા મળી

પોલીસને સ્થળ પરથી ઘઉંમાં ઉપયોગમાં લેવાતી ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની ખાલી પડીકીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ જ દવા પી આપઘાત કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

22 મેના રોજ આપઘાત થયો હોવાનો અંદાજ

પોલીસના અનુમાન મુજબ ઘટના 22 મેના રોજ બની હોઈ શકે છે. કારણ કે તે દિવસે પરિવાર સાથે છેલ્લો સંપર્ક થયો હતો અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો.

પોલીસે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!