📍 અમદાવાદ / મહેસાણા
મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જમીન શાખામાં (N.A. ટેબલ) ફરજ બજાવતા રેવન્યુ ક્લાર્ક (વર્ગ-૩) વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ આજે જાહેર માર્ગ ઉપરથી રૂ. **૯,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધો છે.
લાંચની માંગણી કેવી રીતે થઈ?
ફરીયાદી એક જાગૃત નાગરિક છે, જેમની માલિકીની ખેતીની જમીન જોટાણા તાલુકાના ઇજપુરા (જેઠાજી) ગામે આવેલ છે. આ જમીનને બીનખેતી (N.A.) કરવા માટે ફરીયાદીએ મહેસાણા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી.
જમીનનું N.A. કરવા માટે આરોપી કમલેકરે શરૂઆતમાં એક ચોરસફૂટ દીઠ રૂ. ૫૦/- પ્રમાણે કુલ રૂ. ૨૩ લાખની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદીએ વાંધો ઉઠાવતા આરોપીએ માગેલી લાંચની રકમ રૂ. ૧૨ લાખ સુધી ઘટાડીને અંતે રૂ. ૧૦ લાખ પર લાવી.આખરે બંને વચ્ચે રૂ.૯ લાખમાં સમજૂતી થઈ.
પરંતુ ફરીયાદી લાંચ આપવાની ના પાડી ACBનો સંપર્ક કર્યો. ફરીયાદીની ફરિયાદને આધારે અમદાવાદ ACBની ટીમે સુચના પ્રમાણે ટ્રેપ ગોઠવ્યો.
ટ્રેપ દરમ્યાનની કાર્યવાહી
૦૪/૧૦/૨૦૨૫ના રોજ, નક્કી થયેલી વાતચીત મુજબ આર.ટી.ઓ. સર્કલ નજીક, સુભાષ બ્રિજ, અમદાવાદ ખાતે ફરીયાદી અને આરોપી વચ્ચે મુલાકાત થઈ. આ સમયે આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૯ લાખની લાંચની રકમ સ્વીકારી લીધી.
તુરંત જ હાજર ACBની ટીમે આરોપીને રંગેહાથે ઝડપી પાડી, તેના કબજામાંથી નાણાં જપ્ત કર્યા.
જવાબદાર અધિકારીઓની ટીમ
ટ્રેપીંગ અધિકારી: શ્રી એસ.એન. બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-૩ (ઇન્ટેલિજન્સ વિંગ), ACB અમદાવાદ
મદદમાં: શ્રી ડી.બી. મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-૩ (ઇન્ટેલિજન્સ વિંગ), ACB અમદાવાદ
સુપરવિઝન અધિકારી: શ્રી એસ.એન. બારોટ, ઇ.ચા. મદદનિશ નિયામક, ફિલ્ડ-૩ (ઇન્ટેલિજન્સ વિંગ), ACB અમદાવાદ
ACBની કડક કાર્યવાહી
ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર સામેનો ચેતવણી સંદેશ
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રાજ્ય સરકારની એન્ટિ કરપ્શન બ્યુરો નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ કડક પગલાં ભરી રહી છે. જમીન જેવા સંવેદનશીલ મામલામાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માંગણી સામે હવે સામાન્ય નાગરિકો પણ જાગૃત થઈ આગળ આવી રહ્યા છે.
“લાંચ લેશો તો હાથમાં કડકડી, નહીંતર સજા ભોગવવી પડશે” – એવો ચેતવણીસભર સંદેશ ACBએ આ સફળ ટ્રેપ દ્વારા આપ્યો છે.






