કડીમાં બેફામ ડમ્ફર ચાલકનો ઉપદ્રવ — વીજ થાંભલો રિક્ષા પર ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

SHARE:

કડી (મહેસાણા):

   મહેસાણા જિલ્લાના કડી કસ્બા વિસ્તારમાં એક બેફામ ડમ્ફર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો હતો. કડી શહેરના મોટા પીરના મકાન આગળ ઝડપથી દોડતા ડમ્ફર (નં. GJ 08 AW 8188) એ અચાનક વીજળીના તાર તોડી નાખ્યા હતા, જેના પરિણામે નજીકનો વીજ થાંભલો ધરાશાયી થઈ રિક્ષા પર આવી પડ્યો હતો.

  આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત બાદ વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને થોડી વારમાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ચાલક નશાની હાલતમાં અને લાયસન્સ વગર હંકારતો હોવાનું ચર્ચાયું

   સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ડમ્ફર ચાલક નશાની હાલતમાં વાહન હંકારતો હોવાનું તેમજ તેની પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હોવાની ચર્ચા થતા લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

   કસ્બા વિસ્તારના લોકો મુજબ, ચાલકે ડમ્ફરનું ટોલી ખુલ્લી રાખી બેફામ ઝડપે વાહન ચલાવ્યું, જેના કારણે વીજ તાર તૂટી પડ્યા અને થાંભલો ધડાકાભેર નીચે આવી ગયો.

રિક્ષા ચાલકનો જીવ બચ્યો, પોલીસે તપાસ શરૂ કરી

      આ અકસ્માતમાં રિક્ષા ચાલક અતિ નજદીકથી બચી ગયો હતો. જો થાંભલો થોડી ક્ષણ પહેલા પડ્યો હોત, તો જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડમ્ફર તથા ચાલકને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે વાહનનો જપ્ત કરી નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા અંગે પણ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોમાં આક્રોશ — “બેફામ ડમ્ફર ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ”

    અકસ્માત બાદ કડી વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, શહેરના મુખ્ય માર્ગો પર રોજેરોજ બેફામ ડમ્ફર અને ટ્રક દોડે છે, પરંતુ તંત્ર તરફથી કડક પગલાં લેવામાં આવતા નથી.

 લોકોનું કહેવું છે કે જો આવી જ બેદરકારી ચાલુ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!