રિપોર્ટર :– મેહુલ પટેલ (અંકલેશ્વર)
અંકલેશ્વર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી માર્કશીટ અને ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવવાની વધતી ઘટનાઓ વચ્ચે ભરૂચ SOG ને મળેલી ચોક્કસ બાતમી પર થયેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. કાપોદ્રા પાટિયા પાસે આવેલ હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી નામની કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ પર્દાફાશ થયું છે.
10–15 હજાર રૂપિયામાં તૈયાર થતી ડુપ્લીકેટ માર્કશીટ
ભરૂચ SOG ને મળેલી માહિતી મુજબ, ક્લાસીસના સંચાલક જયેશ પ્રજાપતિ ધોરણ 10, ધોરણ 12 અને ITI ના નકલી સર્ટિફિકેટ ફક્ત 10 હજારથી 15 હજાર રૂપિયામાં બનાવી આપતો હતો. કામ માટે તે દિલ્હી સ્થિત મુખ્ય સૂત્રધારને ઓનલાઇન રૂપિયામાંથી 7,500 રૂપિયા મોકલતો હતો, જ્યારે બાકીની રકમ પોતે રાખતો હતો.
આ ગેંગ દ્વારા બનાવાતી માર્કશીટ અને સર્ટિફિકેટ એટલી વ્યાવસાયિક રીતે તૈયાર કરવામાં આવતી કે નકલી છે તે ઓળખવું મુશ્કેલ બને એવું હતું.
SOG નો દરોડો અને મહત્વનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે SOG એ રોયલ એકેડમી પર દરોડો પાડતાં જ ઘટનાની હકીકતો ખુલ્લી પડી. દરોડામાં SOG એ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો:
21 ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ
કોમ્પ્યુટર અને પ્રિન્ટર
મોબાઇલ ફોન
કુલ 45 હજાર રૂપિયાનું મશીનરી અને દસ્તાવેજો
આ દસ્તાવેજોમાં દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ સહિતના નકલી પેપર્સનો સમાવેશ થાય છે.
મુખ્ય સૂત્રધાર દિલ્હીનો – વોન્ટેડ જાહેર
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય ઓપરેટર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. આરોપી જયેશ પ્રજાપતિ ફક્ત મધ્યસ્થ તરીકે વિદ્યાર્થીઓ કે નોકરી શોધતા યુવકોને લાલચ આપતો હતો. મુખ્ય સૂત્રધાર દિલ્હીમાંથી સર્ટિફિકેટ તૈયાર કરી મોકલતો હતો.
ભરૂચ SOG ની ટીમે આ મામલે વધુ તપાસ માટે એક અલગ ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ ઝડપી ગતિએ શરૂ છે.
કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ‘સર્ટિફિકેટ માર્કેટ’
આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં નકલી ડોક્યુમેન્ટ્સનો ગેરકાયદેસર ધંધો કેટલો વ્યાપક બની ગયો છે. કાયદેસર અભ્યાસ કર્યા વગર કે પરીક્ષા આપ્યા વગર ઓછા પૈસા ખર્ચીને સર્ટિફિકેટ મેળવી શકાતાં હોવાથી ઘણા યુવકો આ ગેરકાયદેસર માર્ગે આગળ વધતા હોય છે, જે માત્ર તેમના ભવિષ્ય માટે નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક પ્રણાલી માટે ગંભીર જોખમ સમાન છે.
SOG ની કાર્યવાહીથી મોટું કૌભાંડ બહાર આવ્યું
SOG ની ઝડપભરી કામગીરીને કારણે અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકો ઠગાઈથી બચી ગયા છે. પોલીસે આરોપી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
કેસમાં શૈક્ષણિક બોર્ડ, ITI સંસ્થાઓ અને ડિજિટલ દસ્તાવેજોની સુરક્ષાને લગતા પ્રશ્નો ફરી ઊભા થયા છે.
આગામી દિવસોમાં આ રેકેટ કેટલા વિસ્તારોમાં ફેલાયેલું છે અને અન્ય કેટલાં લોકો સંકળાયેલા છે તેની માહિતી બહાર આવશે એવી શક્યતા છે.







