કડીમાં ચાઇનીઝ દોરીના વેપારનું નવું ફ્રોડ: પ્રતિબંધિત શોખે કેટલાય યુવાનોએ પૈસા ગુમાવ્યા

SHARE:

સ્પેશિયલ સ્ટોરી: નિસર્ગ પટેલ

ઉતરાયણ ને એક મહિના જેટલો  સમય બાકી છે. પતંગ પ્રેમીઓ રંગબેરંગી પતંગો, દોરી અને સાધનસામગ્રી ની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ આ વર્ષ કડી અને આસપાસના વિસ્તારોમાં પતંગની મજા પર એક નવો, ખતરનાક  ટ્રેન્ડ છવાયો છે — “ચાઇનીઝ દોરી ફ્રોડ. પ્રતિબંધિત માલનો ગેરકાયદેસર વેપાર અને તેના નામ પર ઠગાઈનો જાળ, બંનેનું મિલન કડીમાં એક વિચિત્ર અને ચિંતાજનક પ્રવૃત્તિ રૂપે સામે આવી રહ્યું છે.

આ સ્ટોરી છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સ્ત્રોતો સાથેની વાતચીત, કડી તાલુકાના લોકોના કિસ્સાઓ, સોશિયલ મીડિયા પર ચાલતી પોસ્ટ્સ અને સ્થાનિક સૂત્રોથી પ્રાપ્ત વિગતો આધારે તૈયાર કરવામાં આવી છે.

પ્રતિબંધ પાછળનો ભયાનક ઈતિહાસ

ચાઇનીઝ દોરી, જેને સ્થાનિક હિસાબે ‘માજા દોરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, વર્ષોથી અનેક જીવલેણ અકસ્માતોનું કારણ બની છે.ગળા પર કપાત,બાઈક ચાલકોના અકસ્માત,પક્ષીઓના મોત.આ બધા કારણો છે કે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર વારંવાર તેના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકે છે.

કડીમાં પણ પ્રતિબંધ અમલમાં છે. પરંતુ પ્રતિબંધ જેટલો કડક, ચોરીછૂપીથી તેની માંગ એટલી જ વધુ.

સોશિયલ મીડિયા: છેતરપિંડી નું બજાર

તપાસ દરમિયાન જાણમાં આવ્યું કે ઠગો મુખ્યત્વે Facebook ગ્રુપ,Instagram સ્ટોરી,WhatsApp બ્રોડકાસ્ટ,Telegram ચેનલપર “Original Chinese Thread Available”, “High-Tension Reel”, “Direct China Stock” જેવા આકર્ષક મેસેજ મૂકે છે.આ પોસ્ટ્સમાં આપવામાં આવતાં નંબર સામાન્ય રીતે ફેક ID અથવા બે દિવસ માટે લેવાયેલા સિમ અથવા VoIP નંબર હોય છે.

ઘણા યુવાનો “ગેરકાયદેસર” હોવાની હકીકત જાણતા હોવા છતાં આ મેસેજ પર સંપર્ક કરે છે, કારણ કે પ્રતિબંધિત વસ્તુનો થ્રિલ, ક્રેઝ અને શાન ખાસ કરીને કિશોર અને યુવા વર્ગમાં જોખમી રીતે વધી રહ્યો છે.

ફ્રોડ કેવી રીતે થાય છે? — તપાસમાં ખુલેલો ‘મોડસ ઓપરેન્ડી’

તપાસમાં મળેલી વિગતો પ્રમાણે ફ્રોડની પ્રક્રિયા લગભગ એકસરખી છે:

1. ભ્રામક જાહેરાત

ઠગો સોશિયલ મીડિયા પર લખે છે “Original Chinese Reel – Limited Stock – Call Fast” ફોટા પણ મૂકવામાં આવે છે, પરંતુ તે ગૂગલ અથવા જૂના પોસ્ટ્સમાંથી ચોરાયેલા હોય છે.

2. ખરીદદારોનો સંપર્ક

પતંગપ્રેમી લોકો આપેલ નંબર પર કૉલ/ચેટ કરે છે.ઠગો રેટ આકર્ષક રાખે છે:

માર્કેટ રેટ 400 થી 500 હોય તો તેઓ 250–300 બતાવે છે.

“સસ્તુ મળે છે” તેવો ભ્રમ ઉભો કરે છે.

3. ડીલ ફાઈનલ

ખરીદી માટે શહેરની બહાર અથવા પડતર વિસ્તારમાં મળવાની તૈયારી કરે છે

કડી છત્રાલ હાઈવે રોડ, હાઈવે કોલેજના મેદાનમાં, નંદાસણ રોડ અથવા અવાવરું  સ્થળો વારંવાર ઉપયોગમાં લેવાતા હોવાનું સૂત્રો કહે છે.

4.સ્થળ પર નાટક

ખરીદદારો પહોંચે પછી ઠગો પૈસા લઈ કહે છે:

“ભાઈ, રીલ કારમાં છે… અથવા ઘર પાછળ રાખી છે …અથવા ખાનગી જગ્યામાં પડી છે… 5 મિનિટમાં લઈને આવું છું.”

5. મોબાઇલ બંધ

5 મિનિટ… 10 મિનિટ… 15 મિનિટ…

અને ત્યાર પછી ખરીદદારોને સમજ પડે છે કે એ વ્યક્તિ તો પાછો જ નહી આવે.ઠગો તુરંત નંબર બંધ કરે છે,સિમ કાઢી નાંખે છે, અને એક દિવસમાં WhatsApp અને Facebook ID પણ ડિલીટ થઈ જાય છે.

6. પીડિતો ચુપ — કારણ કે તેઓ પણ ગેરકાયદેસર કાર્યમાં!

આ સૌથી મોટું માનસિક ફંદો છે.

જે લોકો સાથે ફ્રોડ થાય છે તેઓ પ્રતિબંધિત દોરી લેવા આવ્યા હોય છે.ફરીયાદ કરતા પોતાના જ ગુનો ખુલી  જશે એવી ભીતિથી તેઓ પોલીસ સુધી જતાં નથી.અને ઠગો એ જ દૂર્બલતાનો લાભ લઇ રહ્યું છે.

કેટલાંક વાસ્તવિક કિસ્સાઓ (નામ બદલેલા)

કિસ્સો – “એમ એમ”, કડી બહારનો યુવાન

“મને Instagram પર એક પેજ મળ્યું. ભાવ સસ્તો હતો. 500 ની જગ્યાએ 280 માં રીલ આપવાની વાત થઈ. હાઈવે કોલેજના મેદાનમાં બોલાવ્યો. પૈસા લીધા પછી કહ્યું કે ‘ભાઈ 2 મિનિટમાં લાવું છું’. અને પછી ફોન સ્વિચ ઓફ!”

કિસ્સો – બે મિત્રો, નંદાસણ રોડ 

WhatsApp પર 3 રીલની ડીલ—900 રૂપિયા. બંને મિત્રો ત્યાં પહોંચ્યા. પૈસા આપ્યા. ઠગ હંસી-હંસી વાત કરી ગયા… પરંતુ પાછું આવવાનું નામ જ નહીં.

બંને મિત્રો આજે પણ extortion ના ડરે પોલીસને નજીક નથી જતાં.

પોલીસ શું કરે છે? — ‘બોલો તો કાયદો, ન બોલો તો ઠગો’ ની અજીબ પરિસ્થિતિ

સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથેની ઑફ-ધ-રેકર્ડ વાતચીતમાં જાણવા મળ્યું કે દોરી પ્રતિબંધિત હોય એટલે આવા ફ્રોડના કેસમાં લોકો પહેલા તો ફરિયાદ કરતું જ નથી.

જ્યાં સુધી કોઈ લેખિત ફરિયાદ નથી ત્યાં સુધી પોલીસ સત્તાવાર કેસ દાખલ કરી શકતી નથી,સાયબર પોલીસ પણ કાર્યવાહી કરી શકતી નથી.પરિણામે, આ સ્કેમ ઠગો માટે Safe Business Model બની ગયો છે.

ચાઇનીઝ દોરીનો શોખ: વ્યવસાય કે વાઇરલ ક્રેઝ?

સ્થાનિક વેપારીઓ કહે છે કે

દોરીની ગેરકાયદેસર સપ્લાય ચેન આજે પણ ભુગર્ભ રીતે કાર્યરત છે

Facebook , Instagram પર “Cutting Test Video” જોઈને કિશોરોમાં તેનો શોખ વધી ગયો છે

“બધા પાસે છે તો હું પણ લઈ લઉં” એ માનસિકતા જોખમી રીતે root લઈ રહી છે.

સામાજિક અસર: કાયદાથી ડરાયેલા પીડિતો, નિર્ભય ઠગો

આ સ્કેમ સમાજમાં ત્રણ ખતરનાક અસર મૂકી રહ્યો છે:

1. ગુનો અને ઠગાઈ વચ્ચે ફસાયેલી યુવાની

કિશોરો “શોખ” માટે ગેરકાયદેસર વસ્તુ પાછળ ભાગે છે.

2. ઠગો વધુ નિર્ભય બની રહ્યા છે

તેમને ખબર છે કે પીડિતો પોલીસ પાસે જશે જ નહીં.

3. પ્રતિબંધિત દોરીનો વેપાર વધુ ડિજિટલ બની રહ્યો છે

તેના નામ પર ઠગાઈ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

લોકોને કઈ સાવચેતી રાખવી જોઈએ?

કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ ન કરવો

અજાણ્યા નંબર પર advance પૈસા મોકલવા નહી

પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ન કરવો—તે જીવલેણ છે

ફ્રોડ થાય તો પોલીસનો સંપર્ક કરવો—

“પ્રતિબંધિત વસ્તુ લેતાં હતા” તે સ્વીકારતાં પણ તમને પકડવામાં આવવાની સંભાવના ઓછી છે, પરંતુ ઠગોને રોકવા ફરિયાદ અગત્યની છે.

અંતિમ શબ્દ: ચાઇનીઝ દોરી માત્ર પ્રતિબંધિત નહીં, સમાજને ‘બદનામ કરતી  ઠગાઈનું નવું હથિયાર બની ગઈ

ચાઇનીઝ દોરીના નામે થતી આ ઠગાઈ કડી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં જોખમી રીતે ફેલાઈ રહી છે. લોકોનો લાલચ અને પ્રતિબંધિત વસ્તુનો ક્રેઝ — ઠગો માટે ‘કોમ્બિનેશન’ તરીકે કામ કરી રહ્યો છે. ઉતરાયણના આ સમયગાળા દરમિયાન આ સ્કેમ કેટલાને ફસાવશે એની ચિંતા વાસ્તવિક છે.

સાવચેત રહો — અને અન્યને પણ ચેતવો.

લાલચ જીવ પણ લઈ જાય છે, અને હવે પૈસા પણ.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!