ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરે જુગારધામ ઝડપાયું: પોલીસે 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

SHARE:

રિપોર્ટર: વિજયભાઈ કુનિતયા:ભાયાવદર (રાજકોટ ગ્રામ્ય)    

      રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસ દ્વારા વોરંટ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જુગારધામનો પર્દાફાશ થતાં કુલ 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.ભાયાવદર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, 24 ડિસેમ્બરની રાત્રિના સમયે પોલીસ ટીમે પૂર્વયોજિત માહિતીના આધારે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઘર અંદર કેટલાક શખ્સો પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તાનો ઉપયોગ કરી ‘તેરપત્તી સીકીડીકી’ (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

      પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ રૂ. 1,04,510, છ મોબાઈલ ફોન (કિંમત અંદાજે રૂ. 40,000) તથા ચાર મોટરસાયકલ (કિંમત અંદાજે રૂ. 1,30,000) સહિત કુલ રૂ. 2,74,510નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે જુગાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલ વાછાણી (મુખ્ય સંચાલક), ચંદ્રેશ વાછાણી, દીનેશ કનેરીયા, હીરેન માકડીયા અને જયેશ ભાલોડીયાનો સમાવેશ થાય છે. જ્યારે એક સિનિયર સિટિઝન કીશોર માકડીયાને નોટિસ આપી છોડવામાં આવ્યા છે. અન્ય પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, જાહેર જીવન સાથે સંકળાયેલા વ્યક્તિના ઘરે જુગારધામ ઝડપાતા ભાયાવદર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર સર્જાઈ છે. પોલીસ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

ભાયાવદર પોલીસે જણાવ્યું છે કે જુગાર જેવી સામાજિક બુરાઈઓને નાબૂદ કરવા માટે સતત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

Leave a Comment

और देखें
error: Content is protected !!