રિપોર્ટર: મહેશસિંહ રાઠોડ, દહેગામ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા રખિયાલ–દહેગામ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ધૂત ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
100 મીટર સુધી બાઈકને ઢસડ્યું
મળતી માહિતી મુજબ, રખિયાલ બાજુથી પૂરઝડપે આવી રહેલા ડમ્પર (GJ-07-YZ-6115) ના ચાલકે પી.ડબ્લ્યુ.ડી. કચેરી નજીક પસાર થઈ રહેલી બાઈક (GJ-01-DR-1507) ને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકને અંદાજે 100 મીટર સુધી રોડ પર ઘસડવામાં આવી હતી.
બાઈક સવારને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
નશામાં હોવાની કબૂલાત
અકસ્માત બાદ સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો. લોકોના જણાવ્યા અનુસાર ચાલકની હાલત અસ્તવ્યસ્ત હતી અને તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. પૂછપરછ દરમિયાન તેણે દારૂ પીધો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. વડા ગામના આ ચાલકની બેદરકારીને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો.
સ્થાનિકોમાં રોષ – “રખિયાલ બજાર બન્યું એક્સિડન્ટ ઝોન”
આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ:
નશાખોર ચાલકો સામે કડક કાર્યવાહી થતી નથી.
ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની પૂરતી હાજરી નથી.
રોડ પર સ્પીડ બ્રેકર અને ચેતવણી બોર્ડનો અભાવ છે.
લોકોએ રખિયાલ બજાર વિસ્તારમાં બંને બાજુ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા અને નિયમિત પોલીસ પોઈન્ટ મુકવાની માંગ ઉઠાવી છે.
કડક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિકોએ માંગ કરી છે કે નશામાં વાહન ચલાવનાર સામે માનવવધનો ગુનો નોંધાઈ કડકમાં કડક સજા કરવામાં આવે. “દરેક અકસ્માત પછી ફક્ત કાગળ પર કાર્યવાહી થાય છે, હકીકતમાં કડક અમલ જરૂરી છે,” એમ લોકોનું કહેવું છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ અને અન્ય કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
પરંતુ આ બનાવે ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે —
શું રખિયાલ–દહેગામ રોડ પર કડક ટ્રાફિક અમલ વગર નિર્દોષ જીવ બચી શકશે?







