સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ રેકેટનો પર્દાફાશ, વરાછાની હોસ્પિટલ સીલ

SHARE:

વરાછાની હોસ્પિટલ પર આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ પર આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે સંયુક્ત રેડ કરી ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના રેકેટનો ભાંડો ફોડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન હોસ્પિટલમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ફાર્માસિસ્ટ ચલાવતો હતો ગેરકાયદે ધંધો
તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલનો સંચાલક રામગોપાલ ખંડેલવાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નહીં પરંતુ ફાર્માસિસ્ટ છે. અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કેસમાં ઝડપાઈ ચૂકેલા રામગોપાલે ફરી એ જ વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરીને ગેરકાયદે ગર્ભપાતના કામો શરૂ કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
રેડ દરમિયાન ત્રણ સગર્ભા મહિલાઓ મળી
આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી ત્યારે ત્યાંથી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ગર્ભપાત માટે હોસ્પિટલમાં આવી હોવાનું સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મેડિકલ ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
મહિલા કર્મચારીએ ખોલ્યા રહસ્યો
હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. કર્મચારીએ કબૂલ્યું કે રામગોપાલ પોતે જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. આ માહિતી બાદ આરોગ્ય વિભાગે વધુ સઘન તપાસ હાથ ધરી હતી.
સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ મહિલાઓ
મહિલાઓની તબીબી તપાસ જરૂરી હોવાથી આરોગ્ય વિભાગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે વ્યારાની 24 વર્ષીય એક મહિલા હોબાળાનો લાભ લઈ સ્થળ પરથી ભાગી છૂટ્યાની માહિતી સામે આવી છે.
પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ફરિયાદના આધારે વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. હાલ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

Leave a Comment

error: Content is protected !!