અમદાવાદમાં યોજાનારી ઐતિહાસિક રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા કોમી એકતા અને સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે **’એકતા ક્રિકેટ કપ’**નું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરના બોમ્બે હાઉસિંગ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કર્યું હતું.
પોલીસ કમિશનરે ફટકારી સિક્સર
ઉદ્ઘાટન બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બેટિંગ કરી હતી, જ્યારે ધારાસભ્ય દિનેશ કુશવાહે બોલિંગ કરી હતી. કમિશનરે પ્રથમ જ ઓવરમાં આકર્ષક સિક્સર ફટકારી હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ તેમણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો.
મહંત સહિત આગેવાનો રહ્યા હાજર
આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંત, ધારાસભ્ય દિનેશ કુશવાહ, સેક્ટર-1ના JCP, ઝોન-3ના DCP સહિત પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહંતે પણ બેટિંગ કરીને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
હિન્દુ-મુસ્લિમ યુવાનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા દર વર્ષે રથયાત્રા પહેલા યોજાતો આ ક્રિકેટ કપ કોમી એકતા, ભાઈચારો અને રમતગમતની ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી આયોજિત કરવામાં આવે છે. ટૂર્નામેન્ટમાં હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ સમાજના યુવાનો એકસાથે ભાગ લઈ રહ્યા છે.
7 દિવસ બાદ વિજેતા ટીમને મળશે ટ્રોફી
આ ક્રિકેટ ટૂર્નામેન્ટ આગામી સાત દિવસ સુધી ચાલશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા ટીમને અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને જગન્નાથ મંદિરના મહંતના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.