બહુચરાજી ની યશ ગેસ એજન્સી ફરી વિવાદમાં દિવાળીના તહેવારો પહેલા બહુચરાજી ખાતે ગેસની અછત – ગ્રાહકોમાં રોષ, ખાનગી વેચાણના આક્ષેપ

અહેવાલ.પ્રદીપ ઠાકોર. ( બહુચરાજી )

બહુચરાજી…

  દિવાળીના તહેવારો નજીક આવતા જ રાંધણ ગેસની માંગમાં ભારે વધારો નોંધાયો છે, પરંતુ બહુચરાજી ખાતે આવેલી HP કંપનીની. યશ ગેસ એજન્સી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી પર “સ્ટોક નથી”ના બહાને વારંવાર લોકોને પાછા ધકેલવામાં આવે છે, જ્યારે ગેસ બોટલોના ખાનગી વેચાણ થવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

 

 સ્ટોક નહીં હોવાના બહાને ગ્રાહકોને મુશ્કેલી

  સ્થાનિક લોકોનો દાવો છે કે એજન્સી પર રોજ સવારે લાંબી લાઈનો લાગી રહી છે. લોકો કલાકો સુધી તડકામાં રાહ જોતા રહે છે, પરંતુ અંતે “સ્ટોક ખતમ” કહીને તેમને ખાલી હાથે પાછા મોકલી દેવામાં આવે છે.લોકો બે થી ત્રણ દિવસ કામધંધો મૂકીને ગેસ ની બોટલ મેળવવા માટે લાઇનમાં લાગે છે પરંતુ તેમને સ્ટોક નહીં હોવાના બહાને ગેસ બોટલ મળતો નથી.

એક ગ્રાહકે ન્યૂઝ પોર્ટલને જણાવ્યું:

અમે વહેલી સવાર થી લાઇનમાં ઊભા રહ્યા, પણ ઓફિસ ખુલી એટલામાં કહેવામાં આવ્યું કે ગેસ નથી. અને ઓફિસ બહાર સ્ટોક નહીં હોવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું. છતાં કેટલાક ઓળખાણ વાળા લોકોને બોટલ મળી ગઈ. સ્પષ્ટ છે કે ખાનગીમાં વેચાણ ચાલી રહ્યું છે.”

 અગાઉ પણ આવી ચૂક્યો છે વિવાદ

યશ ગેસ એજન્સી સામે આ પહેલી વાર આક્ષેપો નથી. થોડા મહિના પહેલા પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે તડકામાં કલાકો સુધી રાહ જોઈ રહેલા ગ્રાહકોને ગેસ મળ્યો નહોતો.

તે સમયે પણ સ્થાનિકો દ્વારા રજૂઆત થયા બાદ પણ કોઈ કડક કાર્યવાહી થઈ નહોતી. હાલની પરિસ્થિતિએ એજન્સી પર વહીવટી તંત્રના નિયંત્રણ પર સવાલો ઊભા કર્યા છે.

 ગ્રાહકોમાં ચિંતા – “ગરીબ માણસને ગેસ માટે ધક્કા ખાવા પડે છે”

દિવાળીના દિવસોમાં રસોડાના ખર્ચમાં વધારો થતો હોય છે. ખાસ કરીને ગામડાઓમાંથી આવતા લોકો માટે આ અછત વધુ તકલીફરૂપ બની છે.

એક વૃદ્ધ મહિલાએ ગુસ્સામાં કહ્યું:

“તહેવાર પહેલાં ગેસ ન મળે તો શું રાંધવું? દર વખતે એજન્સી એક જ જવાબ આપે – ‘સ્ટોક નથી’, પણ ગેસ બોટલો કઈ રીતે તો અન્ય જગ્યાએ પહોંચે છે.”

 તપાસની માગ – પુરવઠો સુનિશ્ચિત કરવા પ્રશાસનને વિનંતી

ગ્રાહકોની મુખ્ય માંગ છે કે યશ ગેસ એજન્સી સામે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને ગેસ વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે.

તહેવારના દિવસોમાં સામાન્ય પરિવારોને રાંધણ ગેસની અછતનો ભોગ ન બનવો પડે તે માટે પુરવઠો વધારવો અને વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવી જરૂરી બની છે.

 વહીવટી તંત્ર સામે પ્રશ્ન

સ્થાનિક નાગરિકો કહે છે કે એજન્સીઓ પર દેખરેખ નબળી પડી છે. જો દરેક સપ્લાયનું રેકોર્ડ અને વિતરણ માહિતી જાહેર રૂપે ઉપલબ્ધ થાય તો આવી ગેરરીતિઓ અટકાવી શકાય.

તંત્ર હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલની સ્થિતિએ લોકોમાં વિશ્વાસનો ભંગ અને અસંતોષની લાગણી ઊભી થઈ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *