બગોયા ગામે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આગમનથી આનંદનો માહોલ: ગૌસેવા, સાધુસમાજ સાથે સંવાદ અને રાત્રી રોકાણ

ગૌસેવાના સંદેશ સાથે રાજ્યપાલશ્રીનું પ્રેરક સંવાદ – ભીખુગીરી બાપુના ધર આંગણે સન્માનિત સ્વાગત

અહેવાલ.. સમીર ખોખર (અમરેલી)

   અમરેલી જિલ્લાના પ્રવાસે રહેલા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ આજે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે પધારતા ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. રાજ્યપાલશ્રી ગૌસ્વામી સાધુ સમાજના ધર આંગણે વિશેષરૂપે વિધિવત સ્વાગત સાથે પધાર્યા હતા.

   બગોયા ગામના વતની અને અખીલ ભારતીય જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના શિષ્ય ભીખુગીરી બાપુના નિવાસસ્થાને રાજ્યપાલશ્રીનું ગૌરવપૂર્ણ આવકાર કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે ગાયમાતા ને ગોળ ખવડાવી ગૌસેવાનો સંદેશ પ્રગટ કર્યો અને ગામના લોકોમાં ગૌસેવાના મૂલ્યોને મજબૂત બનાવ્યા.

   ભીખુગીરી બાપુએ રાજ્યપાલશ્રીને ભગવા શાલ તથા રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માનિત કર્યા. જ્યારે તેમના મોટા દિકરા મહેશગીરી ગૌસ્વામીએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રસંગમાં ભીખુગીરી બાપુની પૌત્રી વૃંદાબહેને રાજ્યપાલશ્રીનું હસ્તનિર્મિત ચિત્ર ભેટ આપી, જે સૌનું ધ્યાન ખેંચી ગયું.

  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે આ તકે ભીખુગીરી બાપુના પરિવાર, બાળકો અને ગામજન સાથે હૃદયપૂર્વક સંવાદ કર્યો હતો. ગામના વિકાસ, ખેડૂતકલ્યાણ અને ગૌસેવાના સંસ્કાર અંગે પ્રેરણાત્મક વાતચીત થઈ હતી.

   પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ બગોયા પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ પણ કર્યું હતું, જે ગામ માટે ગૌરવનું કારણ બની રહ્યું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *