કિંગ ઑફ સાળંગપુરના કોપીરાઇટ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરદ્વારા તાજેતરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી હનુમાનજીની ભવ્ય પ્રતિમા અને તેની સાથે સંકળાયેલા લોગોના કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક નોંધણી કરાવ્યા બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા અને લોકમુખે ફેલાતી વિવિધ અટકળો વચ્ચે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ સમગ્ર મામલે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે.
હનુમાનજીની ભક્તિ અને પૂજા પર કોઈ પ્રતિબંધ નથી
કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે હનુમાનજીના નામ, તેમની પૂજા, આરાધના, ભક્તિ અથવા ધાર્મિક અનુષ્ઠાનો પર કોઈ પ્રકારનો કોપીરાઇટ નથી અને કોઈ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભક્તો અગાઉની જેમ જ ભાવપૂર્વક દાદાની ભક્તિ અને પૂજા કરી શકશે. કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો મુદ્દો માત્ર ચોક્કસ પ્રતિમા, તેના વિશિષ્ટ સ્વરૂપ અને સત્તાવાર ઓળખ સાથે સંબંધિત છે.
માત્ર ‘કિંગ ઑફ સાળંગપુર’ પ્રતિમા અને લોગોની સુરક્ષા
મંદિર પ્રશાસન અનુસાર માત્ર ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે જાણીતી 54 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા, તેના વિશિષ્ટ સુવર્ણ વાઘા અને તેની સાથે સંકળાયેલા સત્તાવાર લોગોના બૌદ્ધિક સંપત્તિ અધિકારો (Intellectual Property Rights) સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો હેતુ ધાર્મિક ભાવનાઓને નિયંત્રિત કરવાનો નહીં પરંતુ મંદિરની વિશિષ્ટ ઓળખને કાયદાકીય સુરક્ષા આપવાનો છે.
ભક્તો સાથે થતી છેતરપિંડી અટકાવવા લેવાયો નિર્ણય
ટ્રસ્ટે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો દ્વારા મંદિરની ઓળખનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. બજારમાં નકલી મૂર્તિઓ, નકલી પ્રસાદી, ખોટી વેબસાઇટો તેમજ સાળંગપુર ધામના નામે ફેક ઓનલાઇન બુકિંગ અને દાન એકત્ર કરવાની પ્રવૃત્તિઓ વધી રહી હતી. જેના કારણે અનેક ભક્તો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ટ્રસ્ટનું કહેવું છે. મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ ભક્તોના હિતોની સુરક્ષા કરવો અને મંદિરના નામે થતા દુરુપયોગને રોકવાનો છે.
કરોડોની છેતરપિંડીના આક્ષેપ બાદ કાયદાકીય કાર્યવાહી
ટ્રસ્ટના જણાવ્યા મુજબ કેટલાક કિસ્સાઓમાં ભક્તો પાસેથી ઓનલાઇન રૂમ બુકિંગ અને દાનના નામે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદો સામે આવી હતી. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મંદિરની ઓળખ અને અધિકૃત ચિહ્નોને કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી થઈ શકે.
દાદાના ચરણોમાં સમર્પિત કરાયા પ્રમાણપત્રો
મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત કરાયેલા તમામ ટ્રેડમાર્ક અને કોપીરાઇટ સંબંધિત પ્રમાણપત્રો ભક્તિભાવપૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના જણાવ્યા મુજબ સાળંગપુર ધામની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સ્થાપત્ય ધરોહરને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવાના હેતુથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ધર્મના નામે રાજકારણ ન કરવાની અપીલ
કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ સંતો, મહંતો અને દેશ-વિદેશના ભક્તોને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે ફેલાતી ગેરસમજો અને અફવાઓથી દૂર રહે. તેમણે જણાવ્યું કે આધુનિક સમયમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવું જરૂરી બન્યું છે. સાથે જ ટ્રસ્ટે ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈપણ પ્રકારનું રાજકારણ ન કરવાની પણ અપીલ કરી છે.
ભક્તોમાં ખુશીની લાગણી
ટ્રસ્ટના આ સ્પષ્ટીકરણ બાદ ભક્તોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. મંદિર પ્રશાસનનું માનવું છે કે આ નિર્ણયથી સાળંગપુર ધામની ધાર્મિક ઓળખ અને પ્રતિષ્ઠાને લાંબા ગાળે સુરક્ષા મળશે.






