કડી..
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોમાં સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ માટે કરોડો રૂપિયાના ફંડ ફાળવવામાં આવે છે. પરંતુ કડી નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કારણે શહેરના જાહેર શૌચાલયો અંધાધૂંધ બેદરકારી અને ગંદકીના શિકાર બન્યા છે. શહેરમાં ઠેરઠેર આવેલા જાહેર શૌચાલયો આજે નાગરિકો માટે ઉપયોગી થવાને બદલે તકલીફ અને અસ્વચ્છતાનું પ્રતિક બની ગયા છે.
શૌચાલયો માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
કડી શહેરમાં અનેક જાહેર શૌચાલયો છે, પરંતુ મોટાભાગના સ્થળે હાથ ધોવાનો સાબુ, ટોયલેટ ક્લીનર, ઝાડુ, ફિનાઈલ અને મોપ જેવી ચીજવસ્તુઓનો અભાવ જણાઈ રહ્યો છે. સફાઈ માટે રાખવામાં આવેલા કર્મચારીઓ જણાવે છે કે તેઓને સફાઈ માટેની વસ્તુઓ તો દૂર, એપ્રોન, દસ્તાના, મોજા, માસ્ક, ચશ્મા જેવી સુરક્ષા ચીજો પણ આપવામાં આવતી નથી.
સ્થાનિક સૂત્રો મુજબ, આ તમામ શૌચાલયો કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ ચલાવવામાં આવે છે, અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા સાથે મળસોટા કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
ફોટા માટેની ફ્રોડ રમત – “ચીજો આપવાની નાટકબાજી”
માહિતી મુજબ, જ્યારે નગરપાલિકા અથવા અન્ય વિભાગના અધિકારીઓ ઓડિટ અથવા ઇન્સ્પેક્શન માટે સ્થળ પર પહોંચે છે, ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના માણસો સાથે આવીને કર્મચારીઓને ચીજ વસ્તુઓ આપે છે. એપ્રોન, મોજા અને ચશ્મા પહેરાવીને ફોટોગ્રાફ લેવાય છે, જેથી કાગળ પર દેખાડવામાં આવે કે તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પરંતુ ઓડિટ ટીમ જતાં જ આ તમામ વસ્તુઓ પાછી લઈ જવામાં આવે છે.
આ રીતે દર મહિને બિલો અને રિપોર્ટમાં ખોટા આંકડા દર્શાવીને નાણાં હડપ કરવાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
સરકારી માર્ગદર્શિકા શું કહે છે?
સ્વચ્છ ભારત મિશન (Urban) તેમજ નગરપાલિકા નિયમો મુજબ દરેક જાહેર શૌચાલયમાં નીચેની સુવિધાઓ ફરજિયાત હોવી જોઈએ:
1. હાથ ધોવાનો સાબુ અથવા લિક્વિડ સોપ સાથે સ્વચ્છ પાણી
2. ટોયલેટ ક્લીનર, ફિનાઈલ, ડિટર્જન્ટ, ઝાડુ, બ્રશ, મોપ
3. કર્મચારીઓ માટે એપ્રોન, દસ્તાના, માસ્ક, ચશ્મા અને શૂઝ
4. પુરતું સ્વચ્છ પાણી અને પ્રકાશ (લાઇટ) ની સુવિધા
5. સ્ત્રી અને પુરુષ માટે અલગ વિભાગ
6. કચરાનું યોગ્ય નિકાલ અને ડસ્ટબિનની વ્યવસ્થા
પરંતુ ,કડી શહેરના મોટાભાગના શૌચાલયો આ તમામ માપદંડોથી વંચિત છે.
નાગરિકોની ફરિયાદ અને તકલીફ
નાગરિકોએ જણાવ્યું કે, “શહેરમાં કેટલાક શૌચાલયો એવી સ્થિતિમાં છે કે ત્યાં જવું પણ અશક્ય છે. સાફસફાઈનો અભાવ, પાણી ન હોવું, દુર્ગંધ અને ગંદકીના ઢગલા જેવી પરિસ્થિતિ છે.”
સ્થાનિક લોકોના મતે, નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પણ તેનો લાભ કોઈને મળતો નથી.
કડીના નાગરિકોએ માંગ કરી છે કે આ મુદ્દે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરવામાં આવે, અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.
ફરિયાદ ક્યાં કરી શકાય?
જો કોઈ નાગરિકને જાહેર શૌચાલયમાં સુવિધાઓનો અભાવ જણાય તો નીચેના માર્ગોથી ફરિયાદ કરી શકાય છે:
કડી નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સુપરવાઇઝર ને સીધી લેખિત ફરિયાદ.
સ્વચ્છ ભારત મિશન હેલ્પલાઇન – 1969 અથવા 14420 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય.
CM Helpline – 1905 અથવા વેબસાઈટ cmhelpline.gujarat.gov.in મારફતે ઓનલાઈન રજૂઆત કરી શકાય.
Swachhata App (MyGov) પર ફોટા અને લોકેશન સાથે ફરિયાદ અપલોડ કરવાથી તે સીધી મ્યુનિસિપલ સ્તરે પહોંચી જાય છે.
મહેસાણા જિલ્લા કલેક્ટર ને પણ નાગરિકો ફરિયાદ કરી શકે છે જો નગરપાલિકા તરફથી કાર્યવાહી ન થાય.
ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી જરૂરી બની છે પણ ક્યારે કાર્યવાહી થશે ???
સ્વચ્છતા મિશનના ફંડનો દુરુપયોગ થવો એ ગંભીર બાબત છે. નાગરિકોના હકના ફંડનો ઉપયોગ ખોટા દસ્તાવેજો દ્વારા પોતાના ખિસ્સામાં ભરનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ તપાસ અને ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.
કડી શહેરમાં ચાલી રહેલી આ ગેરવહીવટ માત્ર એક શહેરની સમસ્યા નથી, પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવો મોડલ જોવા મળે છે.
આથી રાજ્ય સરકારે આ પ્રકારની કોન્ટ્રાક્ટ સિસ્ટમની પારદર્શિતા વધારવી અને ફિલ્ડ ઓડિટ ડિજિટલ રીતે રેકોર્ડ કરવી જરૂરી છે જેથી ભ્રષ્ટાચારની સંભાવના ઘટે.
નાગરિક જાગૃતિ – બદલાવની શરૂઆત
જાહેર શૌચાલયો નાગરિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પ્રતિક છે. જ્યારે આ જગ્યાઓ ભ્રષ્ટાચાર અને બેદરકારીના શિકાર બને છે, ત્યારે તે સીધો અસર શહેરની સ્વચ્છતા રેન્કિંગ અને જન આરોગ્ય પર કરે છે.
આથી, દરેક નાગરિકે આ મુદ્દે જાગૃત બની પોતાના શહેરની સ્વચ્છતા માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.






