સ્ટેટ્સ મૂકી યુવાને આપઘાત કર્યો, બીજા જ દિવસે મિત્રે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

SHARE:

મિત્રના મોતના આઘાતે લીધો જીવલેણ નિર્ણય

વડોદરાના માણેજા વિસ્તારમાંથી મિત્રતા અને લાગણીનો એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. બે ગાઢ મિત્રોએ એકબીજાના વિરહને સહન ન કરી શકતાં એક પછી એક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર મૂકાયેલા એક સ્ટેટ્સે આખી ઘટનાને વધુ કરૂણ બનાવી દીધી છે.

મિત્રના આપઘાતના સમાચાર સાંભળતા જ ભાંગી પડ્યો યુવાન

મૂળ બિહારનો અને હાલ વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતો રવિશંકર રાજેશકુમાર પ્રસાદ મકરપુરા GIDCમાં ફાઈટર તરીકે કામ કરતો હતો. 11 જૂનના રોજ તેને પોતાના વતન બિહારમાં રહેતા નજીકના મિત્રના આપઘાતના સમાચાર મળ્યા હતા. આ દુઃખદ સમાચાર બાદ રવિશંકર ભારે માનસિક આઘાતમાં સરી પડ્યો હતો.

‘મેં તેરે પાસ જલ્દી આ રહા હું’ સ્ટેટ્સ પછી ટ્રેન નીચે કૂદ્યો

મિત્રના મોત બાદ રવિશંકરે સોશિયલ મીડિયા પર તેના મિત્રના પાર્થિવ દેહનો ફોટો શેર કરીને ‘મેં તેરે પાસ જલ્દી આ રહા હું…’ લખીને સ્ટેટ્સ મૂક્યું હતું. આ સ્ટેટ્સ મૂક્યાના થોડા સમય બાદ તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

રૂમમેટ મિત્ર પણ સહન ન કરી શક્યો આઘાત

રવિશંકર સાથે જ એક જ રૂમમાં રહેતો તેનો નજીકનો મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ પણ આ ઘટનાથી ભારે આઘાતમાં હતો. બંને લાંબા સમયથી સાથે રહેતા અને રોજિંદું જીવન સાથે જ પસાર કરતા હતા. અચાનક મિત્ર ગુમાવવાનો આઘાત વિકાસ માટે અસહ્ય બની ગયો હતો.

બીજા જ દિવસે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રવિશંકરના આપઘાતના બરાબર બીજા દિવસે એટલે કે 12 જૂને વિકાસે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. મકાન માલિકના જણાવ્યા મુજબ બંને મિત્રો ખૂબ જ હળીમળીને રહેતા હતા અને રવિશંકરના મોત બાદ વિકાસ સતત તણાવમાં જોવા મળતો હતો.

વિસ્તારમાં છવાયો શોકનો માહોલ

એક જ રૂમમાં રહેતા બે યુવાનોના એક પછી એક આપઘાતથી માણેજાના શ્રીજીનગર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સ્થાનિકો પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે. પોલીસે બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે

રવિશંકરના આપઘાત પાછળનું કારણ સોશિયલ મીડિયા પર મૂકાયેલા સ્ટેટ્સ અને મિત્રના વિરહ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. જોકે વિકાસે માત્ર મિત્રના વિયોગના કારણે આ પગલું ભર્યું કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું, તે મુદ્દે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પરિવારજનો વડોદરા પહોંચશે

બંને યુવાનોના પરિવારજનો બિહાર અને ઉત્તર પ્રદેશથી વડોદરા પહોંચવાના છે. પરિવારજનોના આગમન બાદ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહો અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવશે. બે મિત્રોની આ કરૂણ ઘટનાએ સમગ્ર વડોદરા શહેરને શોકમગ્ન કરી દીધું છે.

Leave a Comment

error: Content is protected !!