ગીર જંગલ વિવાદ PMO સુધી પહોંચ્યો, સિંહોના મોતથી લઈને માઇનિંગ અને રિસોર્ટ મંજૂરીઓ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ

SHARE:

ગીર જંગલના મુદ્દે PMO સુધી પહોંચી ફરિયાદ

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો હવે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો છે. ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર-રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

વન્યજીવન બોર્ડના સભ્યો અને પર્યાવરણપ્રેમીઓએ ઉઠાવ્યો અવાજ

આ રજૂઆતમાં વન્યજીવન બોર્ડના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, નેચર ક્લબ સુરતના સ્નેહલ પટેલ, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણપ્રેમીઓ જોડાયા છે. તેમણે ગીરના સંરક્ષણને અસર પહોંચાડતા નિર્ણયો અને સિંહોના વધતા અપમૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની દરખાસ્ત સામે વિરોધ

પર્યાવરણપ્રેમીઓએ જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની અંદાજે 75 હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવવાની દરખાસ્તનો સખત વિરોધ કર્યો છે. રજૂઆત મુજબ આ વિસ્તારમાં 5,500થી વધુ વૃક્ષો આવેલા છે અને 50થી વધુ સિંહો સહિત અનેક વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે. આ વિસ્તાર ગીરના મહત્વપૂર્ણ સિંહ કોરિડોર તરીકે ઓળખાય છે અને ખાણકામથી સમગ્ર ઇકોસિસ્ટમને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

રાજભા ગઢવીને અપાયેલી મંજૂરી વિવાદમાં

ગીરના લીલાપાણી વિસ્તારમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે આપવામાં આવેલી મંજૂરી પણ વિવાદનું કેન્દ્ર બની છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ વર્ષ 2023માં નકારવામાં આવેલી અરજીને બાદમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ ગીર બહાર વર્ષોથી વસતા અન્ય માલધારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક માલધારીઓનું કહેવું છે કે અગાઉ સરકાર દ્વારા સાંથળી યોજના હેઠળ જમીન ફાળવવામાં આવી હોવા છતાં વિશેષ મંજૂરી અપાઈ છે, જેના કારણે સમાન હક ધરાવતા અન્ય પરિવારોને અન્યાય થયો છે.

ગેરકાયદે રિસોર્ટ અંગે પણ ઉઠ્યા સવાલો

ધારી તાલુકાના ખીચા ગામ નજીક આવેલા ‘લિયોનેલ રિસોર્ટ’ અંગે પણ રજૂઆતમાં ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે રહેણાંક ઉપયોગ માટે મંજૂર કરાયેલી જમીનનો વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો છે. રિસોર્ટને અપાયેલી વિવિધ મંજૂરીઓની પારદર્શિતા અને કાયદેસરતાને લઈને પણ તપાસની માંગ કરવામાં આવી છે.

સિંહોના અપમૃત્યુ અંગે ચિંતા વ્યક્ત

છેલ્લા કેટલાક સમયથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના અપમૃત્યુના બનાવોમાં વધારો નોંધાયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે માત્ર રોગચાળો નહીં પરંતુ માનવસર્જિત પરિબળો અને વહીવટી નિર્ણયો પણ આ સ્થિતિ માટે જવાબદાર હોઈ શકે છે.

ગીર મેનેજમેન્ટ પ્લાનના ઉલ્લંઘનનો આરોપ

વન્યજીવન બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે ગીર માટે બનાવવામાં આવેલ મેનેજમેન્ટ પ્લાન એક કાયદાકીય દસ્તાવેજ છે અને તેનું પાલન ફરજિયાત છે. તેમ છતાં માઇનિંગ, રિસોર્ટ અને વિશેષ પરવાનગીઓના કેટલાક કિસ્સાઓમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અને ગીર મેનેજમેન્ટ પ્લાનના નિયમોના ઉલ્લંઘન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં ચાલી રહેલા મુદ્દાઓ સાથે પણ સંકળાયેલો મામલો

રજુઆતમાં એ પણ જણાવાયું છે કે ગીર અને સિંહોના સંરક્ષણ સંબંધિત કેટલાક મુદ્દાઓ હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે. તેથી દરેક નિર્ણયમાં કાયદાકીય અને પર્યાવરણીય પાસાઓનું કડક પાલન થાય તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું છે.

હવે નજર સરકારના નિર્ણય પર

વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલા આ પત્ર બાદ હવે સરકાર અને વન વિભાગ તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. પર્યાવરણપ્રેમીઓએ સમગ્ર મામલે સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ગીરના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

Leave a Comment

error: Content is protected !!