રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર, CCTV-જાળી તોડી ભાગ્યા

SHARE:

રાજકોટના ઓબ્ઝર્વેશન હોમમાંથી 11 બાળકો ફરાર થતા ખળભળાટ

રાજકોટ શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી 11 બાળકો ફરાર થઈ જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. કાયદાથી સંઘર્ષમાં આવેલા અને જુવેનાઈલ પ્રક્રિયા હેઠળ અહીં રાખવામાં આવેલા બાળકો પૈકીના આ બાળકો સવારના સમયે CCTV કેમેરા અને મજબૂત જાળી તોડી નાસી છૂટ્યા હતા. ફરાર થયેલા બાળકોમાં એક પાકિસ્તાની બાળક પણ સામેલ હતો, જે બાદમાં પરત આવી ગયો છે. જોકે હજુ 10 બાળકો ગુમ હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

CCTV કેમેરા અને મજબૂત જાળી તોડીને ફરાર

મળતી માહિતી મુજબ, ઓબ્ઝર્વેશન હોમમાં હાલમાં કુલ 54 બાળકો રાખવામાં આવ્યા હતા. સવારના આશરે 9 વાગ્યે કેટલાક બાળકો દ્વારા પૂર્વ આયોજન મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકો પહેલા રૂમ ઉપર લગાવવામાં આવેલ CCTV કેમેરો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ રૂમની મજબૂત લોખંડી જાળી તોડીને બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સંચાલન તંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા.

એક પાકિસ્તાની બાળક પરત ફરતા રાહત

ફરાર થયેલા 11 બાળકોમાં એક પાકિસ્તાની મૂળનો બાળક પણ સામેલ હતો. જોકે તે થોડા સમય બાદ પરત આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં બાકીના 10 બાળકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બાળકોના સંભવિત સંપર્કો તેમજ હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

કલેકટર અને ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઓબ્ઝર્વેશન હોમ પહોંચ્યા હતા. અધિકારીઓએ સમગ્ર ઘટનાની સમીક્ષા કરીને જવાબદાર પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું કે ફરાર થયેલા બાળકોને શોધવા માટે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળકો મળી આવ્યા બાદ તેમને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

એક બાળકે ઇજા થવાની વાત કરી, વોર્ડન વ્યસ્ત થતા અન્ય બાળકો ભાગ્યા

પ્રાથમિક તપાસમાં એક રસપ્રદ અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ, એક બાળકે પોતાને ઈજા થઈ હોવાનું જણાવી વોર્ડનનું ધ્યાન ખેંચ્યું હતું. વોર્ડન તેની પાટાપિંડી કરવામાં વ્યસ્ત હતા ત્યારે અન્ય બાળકો દ્વારા જાળી તોડી ભાગવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાક્રમને જોતા બાળકો અગાઉથી આયોજનબદ્ધ રીતે ફરાર થયા હોવાની આશંકા વધુ મજબૂત બની રહી છે.

અલગ-અલગ પોલીસ ટીમો શોધખોળમાં લાગી

રાજકોટ પોલીસ દ્વારા બાળકોની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શહેરના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો અને બાળકોના સંભવિત સંપર્ક સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ CCTV ફૂટેજ, મોબાઈલ ઇનપુટ્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી બાળકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો

આ ઘટનાએ ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કલેક્ટરે જણાવ્યું કે અહીં બાળકોને મુખ્ય સમાજ પ્રવાહમાં પરત લાવવાના હેતુથી સ્ટાફ દ્વારા ફ્રેન્ડલી વાતાવરણ આપવામાં આવે છે. સુરક્ષા માટે ત્રણ શિફ્ટમાં બે-બે ગાર્ડ તૈનાત હોય છે અને તેઓ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવે છે. પરંતુ CCTV અને જાળી તોડીને એકસાથે 11 બાળકો ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Comment

error: Content is protected !!