PM મોદી 7મી વખત ફ્રાન્સના પ્રવાસે, G7 સમિટમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ સાથે થશે મહત્વપૂર્ણ બેઠક

SHARE:

છ દિવસના યુરોપ પ્રવાસે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13થી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે જવા તૈયાર છે. વડાપ્રધાન તરીકે આ તેમનો સાતમો ફ્રાન્સ પ્રવાસ હશે. આ પ્રવાસ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક અર્થતંત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક

પ્રવાસના પ્રથમ તબક્કામાં PM મોદી 13 અને 14 જૂને ફ્રાન્સના નીસ શહેરમાં રહેશે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ સહયોગ, ટેક્નોલોજી અને રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત PM મોદી અને મેક્રોન સંયુક્ત રીતે ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કરશે.

શું છે ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ પહેલ?

‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની વૈશ્વિક પહેલ છે, જેની જાહેરાત ફેબ્રુઆરી 2026માં ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર દરમિયાન કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ભારતીય સ્ટાર્ટઅપ્સ, IITs, IISc, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડવાનો છે. 14થી 16 જૂન દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં નવીનતા, ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે ચર્ચાઓ થશે.

સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાત

14થી 16 જૂન દરમિયાન PM મોદી સ્લોવાકિયાની મુલાકાત પણ લેશે. અહીં તેઓ વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની સાથે બેઠક કરશે. ખાસ વાત એ છે કે 1993માં સ્લોવાકિયા સ્વતંત્ર દેશ બન્યા બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત આ દેશની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપનારી માનવામાં આવી રહી છે.

G7 સમિટમાં ફરી ભારતની હાજરી

17 જૂને PM મોદી G7 સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓના નેતાઓ વૈશ્વિક પડકારો, આંતરરાષ્ટ્રીય સહયોગ, નવી ભાગીદારીઓ અને AI જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમિટ દરમિયાન PM મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો થવાની શક્યતા છે. ભારત માટે આ બેઠકઓ વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

G7 શું છે અને તેમાં કયા દેશો સામેલ છે?

G7 એટલે દુનિયાના સાત વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશોનું જૂથ. તેમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઇટાલી, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. આ જૂથ અગાઉ G8 તરીકે ઓળખાતું હતું, પરંતુ 2014માં રશિયાને બહાર કરવામાં આવતા તેનું નામ G7 રાખવામાં આવ્યું હતું. વૈશ્વિક આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર G7ના નિર્ણયો સમગ્ર વિશ્વ પર અસર કરતા હોય છે.

G7 સમિટમાં PM મોદીનો નવો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019થી સતત G7 સમિટમાં આમંત્રિત મહેમાન તરીકે ભાગ લઈ રહ્યા છે. 2020માં કોરોના મહામારીના કારણે સમિટ રદ થઈ હતી. તે સિવાય 2019થી 2025 સુધીની તમામ G7 સમિટમાં તેઓ સામેલ રહ્યા છે. 2026ની સમિટ સાથે PM મોદી G7માં સૌથી વધુ વખત ભાગ લેનારા ભારતીય વડાપ્રધાન બની રહ્યા છે.

ભારત-ફ્રાન્સ સંબંધો વધુ મજબૂત બનશે

ભારત અને ફ્રાન્સ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યૂહાત્મક અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ ગાઢ બન્યા છે. રાફેલ ફાઈટર જેટ, મિરાજ-2000 અને સ્કોર્પિન સબમરીન જેવા મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ બંને દેશોની નજીકતાનું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ફ્રાન્સે સતત ભારતનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની માંગથી લઈને NSG સભ્યપદ સુધી ફ્રાન્સ ભારતની તરફેણમાં રહ્યું છે.

વૈશ્વિક રાજકારણ વચ્ચે મહત્વપૂર્ણ પ્રવાસ

યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં તણાવ, વૈશ્વિક આર્થિક પડકારો અને AI જેવી ટેક્નોલોજી સંબંધિત ચર્ચાઓ વચ્ચે PM મોદીનો આ પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. G7 સમિટ અને યુરોપિયન નેતાઓ સાથેની બેઠકઓ ભારતના વૈશ્વિક પ્રભાવને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Comment

error: Content is protected !!