AI વિકાસના નવા તબક્કાએ વૈજ્ઞાનિકોમાં ચિંતા વધારી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અત્યાર સુધી માનવ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરતી ટેક્નોલોજી તરીકે ઓળખાતી હતી. પરંતુ હવે ચર્ચાનો વિષય માત્ર એટલો નથી કે AI કેટલું બુદ્ધિશાળી બની શકે છે, પરંતુ એ છે કે શું AI ભવિષ્યમાં પોતે જ પોતાના નવા મોડેલ બનાવી શકશે? ટેક્નોલોજી જગતમાં આ મુદ્દે ગંભીર ચર્ચા શરૂ થઈ છે અને અનેક નિષ્ણાતોએ સંભવિત જોખમો અંગે ચેતવણી આપી છે.
AI કંપની એન્થ્રોપિકનો ચોંકાવનારો દાવો
પ્રખ્યાત AI કંપની એન્થ્રોપિકે તાજેતરમાં જણાવ્યું હતું કે ફ્રન્ટિયર AI વિકાસને ધીમું કરવાની અથવા જરૂર પડે તો અસ્થાયી રીતે રોકવાની વ્યવસ્થા હોવી જોઈએ. કંપનીના જણાવ્યા મુજબ મે 2026 દરમિયાન પ્રકાશિત થયેલા કોડમાંથી 80 ટકાથી વધુ કોડ AI દ્વારા લખાયો હતો.એન્થ્રોપિકના સહ-સ્થાપક જેક ક્લાર્કનું માનવું છે કે વર્ષ 2028 સુધીમાં એવી AI સિસ્ટમ વિકસિત થઈ શકે છે જે માનવીય મદદ વિના પોતાનું આગામી વર્ઝન તૈયાર કરી શકે.
શું છે રિકર્સિવ સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ?
ટેક્નોલોજીની ભાષામાં તેને “રિકર્સિવ સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ” કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે એક AI મોડેલ બીજા AI મોડેલને બનાવે, બીજું ત્રીજાને બનાવે અને આ પ્રક્રિયા સતત આગળ વધતી રહે.દરેક નવા મોડેલમાં અગાઉના મોડેલ કરતાં વધુ બુદ્ધિમત્તા, વધુ કાર્યક્ષમતા અને વધુ ક્ષમતાઓ હોઈ શકે છે. આ જ બાબત વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની રહી છે.
માનવીય નિયંત્રણ નબળું પડી શકે છે
MITના ભૌતિકશાસ્ત્રી અને AI સુરક્ષા નિષ્ણાત મેક્સ ટેગમાર્કનું કહેવું છે કે જો AI વિકાસની ગતિ પર યોગ્ય દેખરેખ નહીં રાખવામાં આવે તો ભવિષ્યમાં AI નિર્ણય લેવાની ક્ષમતામાં મનુષ્યો કરતાં આગળ નીકળી શકે છે.તેમના મતે સરકારો, મોટી કંપનીઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓમાં માનવીય નિર્ણય પ્રક્રિયા ધીમે ધીમે નબળી પડી શકે છે. આજે AI માત્ર સૂચનાઓનું પાલન નથી કરી રહ્યું, પરંતુ તે સમસ્યાઓના ઉકેલ શોધવાનું કામ પણ કરવા લાગ્યું છે.
Google DeepMindનું AlphaEvolve કેમ ચર્ચામાં?
Google DeepMind દ્વારા વિકસાવવામાં આવેલ AlphaEvolve સિસ્ટમએ ડેટા સેન્ટરોની કામગીરી સુધારવા અને AI ટ્રેનિંગને વધુ ઝડપી બનાવવાના અનેક ઉકેલો સૂચવ્યા હતા.આ પ્રકારની સિસ્ટમો દર્શાવે છે કે AI હવે માત્ર સાધન નથી રહ્યું, પરંતુ સંશોધન અને વિકાસ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા લાગ્યું છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં માનવો સંશોધક નહીં પરંતુ માત્ર “રિસર્ચ ડિરેક્ટર” બની રહેશે, જ્યારે મોટાભાગનું કામ AI કરશે.
હાલ AI સંપૂર્ણપણે સ્વતંત્ર નથી
જોકે તમામ નિષ્ણાતો આ બાબતે એકમત નથી. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે AI હજુ પણ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતું નથી.તેને હજુ પણ મોટા ડેટા સેન્ટરો, મોંઘા કમ્પ્યુટર ચિપ્સ, વિશાળ વીજળી પુરવઠા અને નવી તાલીમ સામગ્રીની જરૂર રહે છે. એટલે AIનો વિકાસ હાલમાં ટેક્નિકલ અને ભૌતિક મર્યાદાઓથી બંધાયેલો છે.
AI ટ્રેનિંગની ઝડપમાં થયો છે મોટો ફેરફાર
હાલ કોઈ AI મોડેલ સંપૂર્ણપણે પોતાનો ઉત્તરાધિકારી બનાવી શકતું નથી, પરંતુ તે નવા મોડેલો તૈયાર કરવાની પ્રક્રિયાને ઘણી ઝડપી બનાવી રહ્યું છે.OpenAIના પૂર્વ સંશોધક આન્દ્રેજ કારપેથીએ GPT-2 જેવી ક્ષમતા ધરાવતો ચેટબોટ માત્ર 3 કલાકમાં તૈયાર કરી બતાવ્યો હતો. નોંધનીય છે કે OpenAIએ 2019માં GPT-2 તૈયાર કરવા માટે લગભગ 168 કલાકનો સમય લીધો હતો. પછી આ પ્રક્રિયાનો એક ભાગ AI એજન્ટને સોંપવામાં આવ્યો હતો, જેણે ટ્રેનિંગ સમયને વધુ 18 ટકા સુધી ઘટાડી દીધો હતો.
ભવિષ્યમાં શું બની શકે?
AIનું સ્વયં વિકાસ કરવાની ક્ષમતા હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ ટેક્નોલોજી જે ગતિએ આગળ વધી રહી છે તે જોતા વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ માટે આ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.એક તરફ AI માનવજાત માટે નવી તકો અને નવી શોધોનો માર્ગ ખોલી શકે છે, તો બીજી તરફ જો તેના વિકાસ પર યોગ્ય નિયંત્રણ નહીં રાખવામાં આવે તો માનવીય નિયંત્રણ અને જવાબદારી અંગે નવા પડકારો ઊભા થઈ શકે છે.







